ભારતની સીમાએ ચીન-નેપાળનું ગ્રહણ

Tuesday 26th May 2020 15:32 EDT
 

એક તરફ, ભારત અને વિશ્વ કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે ચીની ડ્રેગન પોતાની વિસ્તારવાદી નીતિઓનો દાવપેચ લડાવવામાં વ્યસ્ત છે. અરુણાચલ પ્રદેશને પોતાનો વિસ્તાર ગણાવવાના દાવા પછી ચીને હવે લડાખ તરફ નજર દોડાવી છે. ચીન અને ભારત વચ્ચે લડાખ અને ઉત્તર સિક્કિમમાં તણાવ વધી રહ્યો છે. આ વિસ્તારમાં ચીની સૈનિકોની ઘૂસણખોરી સાથે ભારતીય સૈનિકો સાથે ઝપાઝપી કરાયાના પણ અહેવાલો છે. ટકરાવ એટલો ગંભીર બન્યો છે કે લશ્કરી વડા જનરલ મનોજ મુકુંદ નરવાણેએ લડાખની સીમાની મુલાકાત લેવી પડી છે.
વૈશ્વિક મહાસત્તા તરીકે ધાક જમાવવાના ચીનના માર્ગમાં બે એશિયન દેશ ભારત અને જાપાનનો અવરોધ રહ્યો છે. આ દેશો ક્યારેય પોતાનું વર્ચસ્વ સ્વીકારશે નહિ તે જાણતા ચીને ભારત વિરુદ્ધ કારસો રચી તેના પડોશીને પાંખમાં લેવા માંડ્યા છે. ભારતવિરોધી પાકિસ્તાન પછી શ્રીલંકા અને બાંગલાદેશને પણ વિકાસમાં સહાયના નામે પોતાની સાથે લીધા છે. પહેલાના સમયમાં દુશ્મનની કિલ્લેબંધી તોડવા ઊંટનો ઉપયોગ કરાતો હતો તેમ ચીને અગાઉ ભારત વિરુદ્ધ પાક.નો ઉપયોગ કર્યા પછી હવે નેપાળ નામના ઊંટને આગળ ધર્યું છે. નેપાળમાં પણ હિન્દુ રાજાશાહી ઉથલાવી ચીનતરફી સામ્યવાદી સરકાર સ્થાપવામાં સફળતા પછી ચીન નેપાળની સરકારમાં પોતાનું ધાર્યું કરાવવા તત્પર બન્યું છે.
ચીનના ઈશારે નેપાળે ભારત સાથે ભૂમિવિવાદ છેડી સરહદી લિમ્પિયાધુરા, લિપુલેખા, કાલાપાની વિસ્તારો પર દાવો રજૂ કર્યો છે. પરિણામે, સદીઓ જૂના ઐતિહાસિક સંબંધો ધરાવતા ભારત-નેપાળ વચ્ચે કડવાશ વધી છે. આમાં લિપુલેખા વિસ્તારમાં ભારત દ્વારા નિર્મિત ૮૦ કિ.મી.નો રોડ કેન્દ્રસ્થાને છે જેના પર નેપાળે દાવો માંડ્યો છે. ખરેખર તો કૈલાસ માનસરોવર યાત્રાના તીર્થયાત્રીઓ માટે આ કાચો રસ્તો પહેલેથી હતો પરંતુ, તીર્થયાત્રીઓની તકલીફ દૂર કરવા ભારત સરકારે પાકો માર્ગ કર્યો છે. બે વર્ષથી માર્ગનું નિર્માણ ચાલતું હતું પણ નેપાળે કદી વિરોધ કર્યો નહોતો અને હવે અચાનક સરહદી વિવાદ છેડ્યો છે. આ બધું કોના ઈશારે થઈ રહ્યું છે તે સમજવું મુશ્કેલ નથી. ભારત-નેપાળ વચ્ચે ૧૮૧૬ની સુગૌલી સંધિ મુજબ કાલી નદીના પૂર્વ તરફનો ભાગ નેપાળનો છે અને પશ્ચિમ તરફનો ભાગ ભારતનો છે. હાલ જે માર્ગ બન્યો છે તે લિપુલેખા કાલી નદીની પશ્ચિમે એટલે કે ભારતીય વિસ્તારમાં હોવા છતાં નેપાળ વંકાયું છે.
ભારત માટે આ માર્ગનું વિશેષ મહત્ત્વ છે. અત્યાર સુધી કૈલાસ માનસરોવર યાત્રા ૮૦ ટકા વિદેશી માર્ગો પર થતી હતી પરંતુ, નવા માર્ગથી ૮૪ ટકા યાત્રા ભારતીય ક્ષેત્રમાંથી અને બાકીની ૧૬ ટકા યાત્રા જ ચીનમાંથી થશે. વળી, તે સૈન્ય પરિવહનમાં પણ ઉપયોગી બનશે. અગાઉ, અહીં પહોંચતા ત્રણેક દિવસ લાગતા હતાં પરંતુ, રસ્તો બનતાં માત્ર ત્રણથી ચાર કલાકમાં અહીં શકાશે. આમ ભારત ચીનની સીમા નજીક પહોંચી શકે તે ચીનને પોષાય નહિ. આથી જ, ચીનના ખૂંટે કૂદતા નેપાળે ભારતીય વિસ્તારોને પોતાના નકશામાં દર્શાવ્યા પછી ભારતની ઉત્તરાખંડ સીમાને અડીને આવેલા ૫૦ કિ.મી. માર્ગ પર ફરી કામ શરૂ કર્યું છે. ભારતે કૈલાસ માનસરોવરના યાત્રિકો માટે ઉત્તરાખંડના ધારચૂલાથી લિપુલેખને જોડતો માર્ગ બનાવવાનું શરૂ કર્યા પછી અકળાયેલા નેપાળે આ પગલું લીધું છે. આર્મીનો બેઝ કેમ્પ ઉભો કર્યો છે.
ભારતે વર્ષો સુધી નેપાળને સાચવ્યું છે પરંતુ, હવે નેપાળ ચીનની ભાષા બોલે છે તે દર્શાવે છે કે એશિયા ખંડમાં ચીન અશાંતિનો દોર સર્જવા માગે છે અને પોતાનું પ્રભુત્વ વધારવા માગે છે. સૈન્ય શક્તિથી ભારતને દબાવવાની તૈયારીમાં વ્યસ્ત ચીન સરહદના મુદે સતત ભારત સાથે ઝઘડો કરી રહ્યું છે. સરહદ પર સૈન્ય ચૌકીઓ અને માર્ગો બનાવી રહેલું ચીન એક દિવસ ભારત પર હુમલો કરવા આગળ વધી શકે છે. ચીને તેનું ડિફેન્સ બજેટ પણ ૬.૬ ટકા વધાર્યું છે. ભારત માટે આ ચિંતાનો મુદ્દો છે. અગાઉ, હિન્દી-ચીની ભાઈ-ભાઈના સૂત્રો ઉચ્ચારીને ભારત પર ચડાઈ કરનારા ચીનની દોંગાઈથી ખાસ સાવચેત રહેવાની જરૂર છે.


comments powered by Disqus