ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્યોની સરકારો વચ્ચે મોટા ભાગે સંઘર્ષની પરિસ્થિતિ જ જોવા મળે છે. હવે મોદી સરકારે પસાર કરાવેલા ચાર કૃષિબિલોએ બળતામાં ઘી હોમ્યું છે. કેન્દ્ર સરકારના કૃષિસુધારા કાયદાઓનો વિરોધ કરવામાં કોંગ્રેસશાસિત રાજ્ય પંજાબ સૌથી આગળ છે. મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી કેન્દ્રીય કાયદાઓને બેઅસર કરવા ચાર બિલ પસાર કર્યા છે. જોકે, આ બિલોને રાષ્ટ્રપતિની મંજૂરી મળવાની કોઈ શક્યતા નથી. હવે મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત અન્ય વિપક્ષશાસિત રાજ્યોએ પણ આ માર્ગે આગળ વધવા કમર કસી છે. આ બાબતે વડા પ્રધાને સ્પષ્ટ કરી દીધું છે કે કૃષિ અને કાશ્મીર બાબતોમાં કોઈ ફેરફારને અવકાશ નથી.
તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે CBI તપાસ પૂર્વે રાજ્યની મંજૂરી લેવાનું ફરજિયાત કરતો આદેશ જાહેર કર્યો છે. આ અગાઉ પણ બીજા રાજ્યો પણ કેન્દ્ર સરકારના કથિત હસ્તક્ષેપને રોકવા આવો નિર્ણય લઇ ચૂક્યા છે. કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો રાજ્યોના ક્ષેત્રમાં આવતો હોવાથી દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ કેન્દ્રીય તપાસ સંસ્થાને કોઈ બાબતે તપાસ કરવાની રાજ્યોએ જનરલ કન્સેન્ટ એટલે કે સંમતિ હોય છે. જોકે, કેટલાક રાજ્યોને એમ જણાય કે આવી તપાસ તેમના માટે રાજકીય હારાકિરી સમાન સાબિત થશે તો તે સંમતિ - જનરલ કન્સેન્ટ પાછી ખેંચી લે છે. રાજસ્થાન, છત્તીસગઢ તથા પશ્ચિમ બંગાળે પણ આવું જ કર્યું છે.
કેન્દ્રના વલણથી નાખુશ ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને તો કેન્દ્ર સરકાર રાજ્યની લેણી રકમ નહિ આપે તો ભારત અંધકારમાં ડૂબી જશે તેવી ધમકી આપી છે. તેમનો સીધો ઈશારો ઝારખંડમાંથી જતાં કોલસાના જથ્થાને અટકાવી દેવાનો હતો. એ સાચું કે રાજ્યોને સમયસર નાણા મળી જાય તો સ્થાનિક વિકાસકાર્યોમાં ઉપયોગ થઈ શકે. આ જ પ્રમાણે, પશ્ચિમ બંગાળ, પંજાબ, કેરળ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ સહિતના રાજ્યોએ નાગરિકતા સંશોધન બિલ લાગુ કરવા નનૈયો ભણ્યો છે. ખરેખર તો આ કાયદો ભારતીય બંધારણની સાતમી અનુસૂચિની કેન્દ્રીય સૂચિ હેઠળ ઘડાયો હોવાથી રાજ્યોને તેના અમલનો ઈનકાર કરવાનો કોઈ અધિકાર નથી. એક બાબત પણ એટલી જ સાચી છે કે રાજ્યોએ પોતાને થતા અન્યાય સામે અવાજ ઉઠાવવો જોઈએ પરંતુ, બંધારણીય મર્યાદામાં રહીને આમ થવું જોઈએ. રાષ્ટ્રના વહીવટમાં કેન્દ્ર અને રાજ્યો સરખી રીતે સહભાગી છે. એક રથના ચાર પૈડા સમાન આ વહીવટમાં એક પૈડું આડું ફાટે તો વિકાસની ગતિ બરાબર રહેશે નહિ. ‘શિયાળ તાણે સીમ ભણી અને કુતરું તાણે ગામ ભણી’ની નીતિ અપનાવ્યા વિના કે અધિકારોની રસ્સાખેંચમાં જોડાયા વિના કર્તવ્ય નિભાવવાની વાત થવી જોઈએ.