લડાખમાં ભારત-ચીન સંઘર્ષ દિવસોદિવસ વધુ આક્રમક બની રહ્યો છે. બંને દેશોએ સૈન્ય, વિમાનો અને આર્મર્ડ ડિવિઝન્સને સરહદો પર તૈનાત કરી દીધા છે અને ગમે ત્યારે પલીતો ચંપાય તો યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. નેપાળ, બાંગલાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાન જેવા પડોશીનો સાથ લઈ ચીન ભારત વિરુદ્ધ ગાળિયો કસી રહ્યું છે ત્યારે અમેરિકાએ ભારતને ટેકો આપવા એશિયામાં લશ્કરી દળો ઉતારવાની જાહેરાત સાથે યુદ્ધ-શતરંજમાં ઝંપલાવ્યું છે. આનું મુખ્ય કારણ ભારત પ્રત્યેનો પ્રેમ નથી પરંતુ, ચીનના વધતા પ્રભુત્વને કચડવાનું છે. અન્ય કારણ એ પણ ખરું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરનો પ્રવાસ ખેડીને જે મધુર સંબંધો બાંધ્યા છે તે કામે લાગી રહ્યા છે.
હંમેશાંથી વિસ્તારવાદી રહેલા ચીને ભારતના પૂર્વીય લડાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પાસે તણાવ સર્જવા સાથે દક્ષિણ ચીન સમુદ્રમાં જાપાન, તાઈવાન સામેય આક્રમક વલણ અપનાવ્યું છે. ચીનની લશ્કરી ગતિવિધિને ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયા માટે મોટું જોખમ ગણાવી તેનો સામનો કરવા યુરોપના જર્મનીમાંથી ૧૦,૦૦૦ જેટલા સૈન્યદળો હટાવીને એશિયામાં ગોઠવવા માંડ્યા હોવાની અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પીઓની જાહેરાત સમયસરની છે. ઉપરાંત, અમેરિકાએ તેના ત્રણ વિમાનવાહક જહાજોને દક્ષિણ ચીન સમુદ્રના ફિલિપાઈન્સ સહિતના આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ગોઠવ્યા છે. આમ ચીનને ફિલિપાઈન્સ, જાપાન, તાઈવાન કે નજીકના ટાપુઓ વિરુદ્ધ અડપલાં કરવાનું ભારે પડી શકે છે. શતરંજની નવી ચાલમાં ચીનનું નાક દબાવવા ભારત-જાપાનની નૌસેનાએ હિન્દ મહાસાગરમાં સંયુક્ત યુદ્ધાભ્યાસ પણ આદર્યો છે. આમ, ચીનની ઘેરાબંધીના પગલાં લેવાઈ રહ્યાં છે.
અમેરિકાના મતે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીનું વલણ ભારત, વિયેતનામ, ઈન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ અને દક્ષિણ ચીન સમુદ્રમાં જોખમ સર્જવાનું છે. અમેરિકાને મળેલા અનેક ફીડબેકમાં પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા ઉશ્કેરણીપૂર્ણ કાર્યવાહી, દક્ષિણ ચીન સમુદ્રમાં આક્રમક્તા, ભારત સાથે હિંસક અથડામણ અને શાંતિપૂર્ણ પડોશીઓ વિરુદ્ધ જોખમનો ઉલ્લેખ હતો. માત્ર અમેરિકા નહિ, યુરોપીય દેશો પણ ચીન વિરુદ્ધ એક છે. ચીનની ખંધાઇની હદ જૂઓ. સમગ્ર વિશ્વનું ધ્યાન કોરોના મહામારીમાં રોકાયેલું હતું ત્યારે તેણે દક્ષિણ પાસિફિક મહાસાગરમાં વ્યૂહાત્મક સ્થાન ધરાવતા ૩૩ ટાપુના દેશ કિરિબાટીમાં એમ્બેસી શરૂ કરી દીધી છે. અત્યાર સુધી ત્યાં ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, ક્યુબાની જ એમ્બેસી હતી પરંતુ, હવે ચીને પગપેસારો કર્યો છે. તેનો ઈરાદો ત્યાં નૌકામથક સ્થાપીને અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પર દબાણ ઉભું કરવાનો છે. ચીનના આ પગલાંથી ઓસ્ટ્રેલિયા પણ રોષે ભરાયું છે કારણ કે તેણે કિરિબાટીને અઢળક આર્થિક મદદ કરેલી છે. ચીને જેમ હોંગ કોંગ અને મકાઉ સહિત સીધા સમુદ્રીમાર્ગો તૈયાર કર્યા છે, તે રીતે ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડ પણ અમેરિકાની મદદ સાથે પાસિફિક ઓશનના ફિઝી, સમાઓ તથા સોલમન આઈલેન્ડ્સ સહિત ૧૦ દેશને જોડે છે.
રશિયાની વાત કરીએ તો, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રશિયાની મુલાકાત લઈ દાયકાઓ પુરાણી મિત્રતાને તાજી કરી છે. આમ તો, ભારતે ઓર્ડર કરેલા એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ સહિત શસ્ત્રસરંજામ વહેલી તકે મળે તેની મંત્રણા હતી પરંતુ, ચીન અને રશિયા હાલ નિકટતા ધરાવે છે અને રશિયા આર્થિક સંબંધોના લીધે ચીન પર વધુ નિર્ભર છે ત્યારે ભારત-ચીન સંઘર્ષમાં રશિયન ઊંટ કઈ તરફ ઢળશે તેનો તાગ લેવો આવશ્યક છે. ભારત-રશિયાના સંબંધો ઐતિહાસિક અને ભાવનાત્મક છે તો એક સમયે રશિયા-ચીન વચ્ચે યુદ્ધો પણ ખેલાયા છે. રશિયાએ ભારત અને ચીન પોતાની સરહદી સમસ્યા જાતે જ હલ કરી શકે છે તેમ જણાવી પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ખરેખર, રશિયા ભારે અસમંજસની પરિસ્થિતિમાં ફસાયું છે. તે કોઈની ખુલ્લેઆમ તરફેણ કરી શકે તેમ જ નથી કારણ કે તેનો યુદ્ધસામગ્રીનો કારોબાર ભારત સાથે વધુ છે. અમેરિકા અને યુરોપીય યુનિયનની ધરીને ખાળવા રશિયા - ઈન્ડિયા - ચીન (RIC)નો ત્રિપક્ષી મોરચો રચાયો હતો તે હવે રશિયા માટે કસોટીરૂપ બનશે. આમ તો, રશિયા અગાઉ કહી જ ચૂક્યું છે કે ભારત મિત્ર છે તો ચીન ભાઈ છે. આથી, ભારતની સીધી તરફેણ ન કરે તો પણ કુટનીતિ દ્વારા તેને તટસ્થ રાખી શકાય તો પણ ચીન માટે નિરાશા ઉભી થઈ શકે છે.