જેનેલિયા ડિસોઝાનો કોવિડ-૧૯નો રિપોર્ટ હવે નેગેટિવ આવતા રિતેશ દેશમુખ પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. ત્રણ અઠવાડિયા પહેલાં જેનેલિયામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. નેગેટિવ રિપોર્ટની જાણકારી સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપતાં જેનેલિયાએ પોસ્ટ કર્યું હતું કે હાય, ત્રણ અઠવાડિયા પહેલાં હું કોરોનાના સપાટામાં આવી હતી. છેલ્લા ૨૧ દિવસો સુધી મારામાં લક્ષણો જોવા મળી રહ્યા હતા. પરંતુ હવે પ્રભુકૃપાએ મારો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. દરેક લોકોના આશીર્વાદ અને પ્રેમને કારણે જ આમ થઈ શક્યું છે અને આ જ કારણોસર હું મારી બીમારી સામે લડી શકી હતી. હું ૨૧ દિવસ આઈસોલેશનમાં હતી જે મારા માટે કપરો સમય હતો.
તેણે વધુમાં કહ્યું હતું કે તમે પોતાને ડિજિટલી ગમે તેટલા કનેક્ટ કરો પરંતુ એકલવાયી જિંદગી જીવવી સહેલી નથી. ડિજિટલ માધ્યમો અને ઉપકરણો તમારી એકલતાનો અંત લાવી શકે નહીં. તમારી પાસે તમારા અંગતજનો અને પરિવાર હોવો જરૂરી છે. આ લોકો જ તમારી તાકાત હોય છે જેની દરેકને જરૂર છે. તમે લોકો પણ તમારા સ્વાસ્થ્ય માટે બેદરકાર રહેશો નહીં. અસ્વસ્થતા લાગતાં જ તરત ટેસ્ટ કરાવશો. સારો પોષણયુક્ત આહાર લેશો અને હિંમત રાખશો. આ મોન્સ્ટર સાથે લડવાનો આ યોગ્ય રીત છે.