ગયા મહિને એક ૮૫ વર્ષીય આજી (દાદી)નો લાઠી-કાઠી પરફોર્મ કરતો, એટલે કે લાઠીદાવ દર્શાવતો વીડિયો વાઈરલ થયો હતો. પુણેના ‘વોરિયર આજી’ તરીકે જાણીતા બનેલા આ ૮૫ વર્ષીય મહિલાનો વીડિયો જોયા પછી ઘણાં લોકોએ તેમના તરફ મદદનો હાથ લંબાવ્યો હતો, પરંતુ લોકડાઉન દરમિયાન અનેકના મદદગાર બનેલા અભિનેતા સોનુ સુદે આ આજીની વર્ષોજૂની ઈચ્છા સાકાર કરી છે. તેણે 'વોરિયર આજી' શાંતા બાલુ પવારને પુણેમાં સેલ્ફ-ડિફેન્સ સ્કુલ શરૂ કરી આપી છે. આ સ્વરક્ષણ તાલીમ શાળામાં શાંતા બાલુ પવાર બાળકોને લાઠી-કાઠીની તાલીમ આપશે અને તેમાંથી મળનારી ફી તેમની આવકનો સ્રોત બનશે.
સોનુ સુદે કહ્યું હતું કે જે લોકો એમ કહેતા હોય કે હવે તો અમારી ઉંમર થઇ ગઇ છે, અમને હવે કાંઈ નથી કરવું તેમના માટે આ આજી પ્રેરણાસ્રોત બની શકે તેમ છે. મને એમ લાગ્યું કે તેમને પોતાની કળા આગળ ધપાવવા એક મંચની જરૂર છે. તેથી મેં તેમના માટે તાલીમ શાળા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
સોનુ સુદ આ શાળા શાંતા આજીના નામે જ શરૂ કરવા ઈચ્છતો હતો, પરંતુ શાંતા બાલુ પવારના આગ્રહને વશ થઈને તેમનું નામ 'સોનુ સુદ માર્શલ આર્ટસ સ્કુલ' રાખવામાં આવ્યું છે.
સોનુ સુદે કહ્યું હતું કે મેં જ્યારે પહેલી વખત તેમની સાથે વાત કરીને તેમના માટે આવી શાળા શરૂ કરવાનો વિચાર રજૂ કર્યો ત્યારે તેઓ તરત જ માર્શલ આર્ટસ સ્કુલ શરૃ કરવા રાજી થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ ખુદ ઘણાં સમયથી પોતાની તાલીમ શાળા શરૂ કરવા ઈચ્છતા હતા.