ભારત-ચીન વિવાદઃ ટ્રમ્પ ફરી કૂદી પડ્યા

Tuesday 02nd June 2020 13:07 EDT
 

ભારત અને ચીન વચ્ચે લડાખ ક્ષેત્રમાં તંગદિલી વધી રહી છે અને સૈન્ય આમનેસામને ગોઠવાઈ ગયું છે ત્યારે જગતકાજી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સરહદી વિવાદમાં મધ્યસ્થી બનવા પ્રયાસ કર્યો છે. ટ્રમ્પે વિવાદ ઉકેલવાની વાત કરીને ભારતીય ઉપખંડમાં પ્રત્યક્ષરૂપે દખલગીરી કરવાનો અમેરિકાનો ઇરાદો જાહેર કરી દીધો છે. જોકે, ભારત અને ચીન, બંનેએ ટ્રમ્પની મધ્યસ્થી ઓફરને નકારી બંને દેશ આપસી સહકારથી મુદ્દાઓ ઉકેલશે તે સ્પષ્ટ કરી દીધું છે. ચીનની વધતી જતી આર્થિક અને લશ્કરી તાકાતથી ચિંતિત અમેરિકા કોઇ પણ રીતે તેની તાકાતને ખતમ કરવા માંગે છે અને તેમાં ભારતનો સાથ-સહકાર પણ ઈચ્છે છે. બીજી તરફ, ભારતનું પહેલાથી સ્પષ્ટ વલણ રહ્યું છે કે તે પોતાના વિવાદોમાં કોઈને મધ્યસ્થી નહિ બનાવે. અગાઉ, કાશ્મીર મુદ્દો યુએનમાં લઈ જવાની ભૂલ થઈ હતી જેનું પુનરાવર્તન કરવાનું ભારત ઈચ્છે નહિ તે સ્વાભાવિક છે.
અમેરિકાને આપણે જાણીતી વાર્તાના વાંદરા સાથે સરખાવી શકીએ જે બે બિલાડીની લડાઈમાં પોતાનો લાભ મેળવી લેતો હોય છે. ટ્રમ્પે ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પરના વિવાદ મુદ્દે પ્રથમ વખત મધ્યસ્થી બનવા તૈયારી દર્શાવી છે. ગયા વર્ષે તેમણે કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીની ઓફર કરી હતી. ટ્રમ્પની ખાસિયત ગમે ત્યાં કૂદી પડવા માટે જૂઠાણાં ચલાવવાની રહી છે. તેમણે કાશ્મીર મુદ્દે જૂઠાણું ચલાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે દોસ્તીના દાવે આ બાબતે મધ્યસ્થતાની વિનંતી કરી હતી. જોકે, ભારતે વડા પ્રધાને આવી કોઈ વાત કે વિનંતી કરી ન હોવાની સ્પષ્ટતા કર્યા પછી વ્હાઈટ હાઉસે કાશ્મીર સમસ્યા ભારત-પાક.નો દ્વિપક્ષી મુદ્દો હોવાનું સ્વીકારી વિવાદ પર પાણી ઢોળવાની કોશિશ કરવી પડી હતી. ટ્રમ્પના બફાટ પછી અમેરિકામાં પણ હોબાળો મચી જતાં કેટલાક અમેરિકી સાંસદોએ ટ્રમ્પના નિવેદન વિશે માફી પણ માંગી હતી. આ પછી પણ ટ્રમ્પ સખણા રહ્યા નહિ અને ફરી વખત કાશ્મીરમાં મધ્યસ્થીની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ચીન સાથે ભારતના વિવાદમાં પણ ટ્રમ્પે જૂઠાણું ચલાવ્યું કે વડા પ્રધાન મોદીએ તેમને ફોન કરી લડાખ સરહદે પરિસ્થિતિની ચિંતા દર્શાવી હતી અને મોદીનો મૂડ જરાય સારો નથી. હકીકત તો એ છે કે મોદી અને ટ્રમ્પ વચ્ચે ચોથી એપ્રિલે કોરોના વાઇરસ વિરુદ્ધ હાઈડ્રોક્સીકલોરોક્વીન દવાઓ મોકલવા બાબતે વાતચીત થઈ પછી ટ્રમ્પ સાથે કોઈ પ્રકારનો ટેલિફોનિક સંપર્ક થયો નથી. ભારતે સ્પષ્ટ કર્યું જ છે કે ચીન સાથેનો સરહદી વિવાદ ઉકેલવા માટે સૈન્ય સ્તરની સાથે રાજદ્વારી સ્તરે પણ વાટાઘાટો ચાલુ છે. ભારત અને ચીન વચ્ચેના સરહદી સમસ્યાઓ ઉકેલવા અનેક પ્રોટોકલ્સ ઘડાયેલાં છે જેના થકી વિવાદ નિવારણના પ્રયાસો ચાલુ છે. બીજી તરફ, ચીને પણ સરહદી વિવાદોની અસર બંને દેશના દ્વિપક્ષી સંબંધો પર હાવી ન થવા દેવાનું જણાવ્યું છે.
લડાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાને લઇને બંને દેશો વચ્ચે વ્યાપક ગેરસમજ છે. ગાલવન નાલા ક્ષેત્રમાં બન્ને વચ્ચે તણાવ વધ્યો છે. ચીન દ્વારા સૈન્ય ગોઠવણીના પગલે ભારતને પણ પેંગોંગ ત્સો સરોવર અને ગાલવન વેલીમાં સૈન્યની હાજરી વધારવાની ફરજ પડી છે. અગાઉ, સરહદી ડોકલામ વિસ્તારમાં પણ બન્ને દેશ વચ્ચે તણાવ પછી સૈન્યો આમનેસામને ગોઠવાયા હતા અને પાછળથી સૈન્યો પરત ખેંચી લેવા સમજૂતી પણ થઈ હતી. જોકે, વાસ્તવમાં ખંધુ ચીન બીજાના પ્રદેશો હડપી પોતાના સામ્રાજ્યના વિસ્તારની મહત્ત્વાકાંક્ષાના લીધે અવારનવાર છમકલાં કરી શક્તિપ્રદર્શન કરતું રહે છે પરંતુ, ભારત તેની પ્રત્યેક અવળચંડાઈનો યોગ્ય જવાબ આપીને તેને કાબુમાં રાખે છે.
વિશ્વમાં કોરોના વાઇરસ મહામારીના મુદ્દે ચીન એકલું પડી ગયું છે. અમેરિકા, જાપાન અને યુરોપીય દેશો પણ તેના બહિષ્કાર તરફ આગળ વધી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચીન વિરુદ્ધ અનેક પગલાંની જાહેરાત કરી ચૂક્યા છે. ચીન સાથે સાંઠગાંઠનો મુદ્દો આગળ ધરી ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થાનો પણ બહિષ્કાર કરી દીધો છે.
હવે તેમને ચીન વિરુદ્ધ ઉભરતી મહાસત્તા ભારતનો સાથ જોઈએ છે. ભારત પણ ચીનના વિરોધમાં જોડાઈ શકે છે પરંતુ, પોતાના સાર્વભૌમત્વના જોખમે નહિ. જેમ અમેરિકા પોતાના હિતોનું ધ્યાન રાખે છે તેમ ભારત પણ પોતાના દ્વિપક્ષી પ્રાદેશિક અને વૈશ્વિક હિતોનું ધ્યાન રાખે તે સ્વાભાવિક છે. ચીન હોય કે પાકિસ્તાન, કોઈ પણ વિવાદમાં ટ્રમ્પની મધ્યસ્થીની ઓફરનો સ્પષ્ટ ઈનકાર પણ આ જ નીતિનું પરિણામ છે. ચીને પણ સમજી લેવું જોઈએ કે વર્તમાન ભારત અને ૧૯૬૨ના ભારત વચ્ચે ઘણુ અંતર છે. પ્રાદેશિક શાંતિ જાળવી રાખવા પ્રતિબદ્ધ ભારત પોતાની સરહદોના રક્ષણ માટે પણ સક્ષમ છે.


comments powered by Disqus