ભારતમાં કોરોના મહામારીના કારણે લદાયેલા લોકડાઉનનો ચોથો તબક્કો પૂર્ણ થયો છે. એમ લાગતું હતું કે પાંચમા તબક્કાનું આખરી લોકડાઉન જાહેર કરાશે પરંતુ, એમ થયું નથી. ખરેખર તો આ પાંચમો તબક્કો મોટા પાયા પરની છૂટછાટો સાથે લોકડાઉન સમાપ્ત કરવાની દિશામાં લેવાયેલું પ્રથમ કદમ છે. આ દિશા નિયંત્રણોને ઉઠાવી આર્થિક વ્યવહારોને ઉત્તેજન આપી અર્થતંત્રની ગાડી પાટા પર ચડાવવાની કવાયત છે. હવે દેશમાં કન્ટેનમેન્ટ ઝોન્સમાં જ ૩૦ જૂન સુધી લોકડાઉન રહેશે.
હવે કોરોના સામે જંગમાં કેન્દ્ર સરકારની ભૂમિકા ઘટી છે તેમજ રાજ્ય સરકારો અને લોકોની ભૂમિકા વધી છે. દરેક રાજ્ય પોતાને ત્યાં સ્થિતિ ધ્યાનમાં રાખી નિર્ણય લઇ શકે છે. લોકડાઉન તો જશે પરંતુ, સંલગ્ન સમસ્યા દૂર થતાં સમય લાગશે. ઉદ્યોગો અને વેપાર-ધંધાએ નવેસરથી શરૂઆત કરવાની છે. પરપ્રાંતીય મજૂરો ફરી કામે ચડી શકે તેવું વાતાવરણ સર્જવું પડશે.
પહેલી જૂનથી ત્રણ તબક્કામાં લોકડાઉન ઉઠાવવા રાજ્યોને સૂચવાયું છે, જેમાં ઔદ્યોગિક અને કોમર્શિયલ સંસ્થાનો ખોલવા, જિલ્લાઓ વચ્ચે તેમજ અલગ અલગ રાજ્યો વચ્ચે પરિવહન પરના નિયંત્રણો દૂર કરવા, ધાર્મિક સ્થળો, હોટેલ, રેસ્ટોરાં અને શોપિંગ મોલ્સ ખોલવા તેમજ દેશમાં મહામારીની સ્થિતિ નિયંત્રણમાં જણાય તો આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો, મેટ્રો રેલ, સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પૂલ, થિયેટર્સ, ઓડિટોરિયમ્સ વગેરે ખોલવાના નિર્ણયનો સમાવેશ થાય છે. જોકે, શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા, સામાજિક, ધાર્મિક કે રાજકીય કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ યથાવત છે, તે બાબતે જુલાઈમાં વિચાર થશે.
૬૮ દિવસનું લોકડાઉન હવે સમાપ્તિના આરે છે અને લોકડાઉન ઉઠાવી લેવા પ્રક્રિયા આરંભાઈ છે ત્યારે જ કોરોના સામેના જંગમાં લોકોની જવાબદારી વધી છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે વિશ્વના સંક્રમિત દેશોની યાદીમાં ભારત ૧,૯૦,૦૦૦થી વધુ સંક્રમિત કેસ અને ૫,૪૦૦થી વધુ મૃત્યુ સાથે નવમા સ્થાનેથી ફ્રાન્સ અને જર્મનીને પાછળ રાખી સાતમા સ્થાને પહોંચ્યું છે. આ ગૌરવની નહિ પરંતુ, ચિંતાની બાબત છે. મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાનમાં સંક્રમણ સૌથી વધુ છે જ્યારે સૌથી વધુ મોત મહારાષ્ટ્ર (લગભગ ૨,૩૦૦) અને ગુજરાત (૧,૦૦૦થી વધુ)માં નોંધાયા છે.
એ હકીકત છે કે અન્ય દેશોની સરખામણીએ ભારતને વિશાળ વસ્તી છતાં પ્રમાણમાં ઓછું નુકસાન થયું છે. છતાં, સમાજના તમામ વર્ગને અસર થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં આ સંદર્ભે જ જણાવ્યું છે કે અર્થતંત્રનો મોટો હિસ્સો ખુલી ગયો છે, આ સંજોગોમાં વધુ સાવધાની જરૂરી છે. કોરોના વાઇરસ કશે ગયો નથી. જીવનમાં ઘણું પરિવર્તન આવી ગયું છે. કોરોના જંગ તો ચાલુ છે ત્યારે દો ગજ કી દૂરીના સોશિયલ ડિસ્ટન્સિંગનું સ્વપાલન, ઓફિસ, દુકાનોમાં ખરીદી સમયે અને જાહેર સ્થળો પર માસ્ક પહેરવા અને હાથ ધોવા સહિત સ્વચ્છતા જાળવવા સંબંધિત નિયમોનું પાલન હિતાવહ છે.
