કેશુભાઇ પટેલઃ રાજકારણના નહીં, સમાજના માણસ

સી. બી. પટેલ Wednesday 04th November 2020 07:02 EST
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલના નિધનના સમાચાર જાણીને આંચકો અનુભવ્યો. કેમ કે તેઓ મુઠ્ઠીઉંચેરા રાજકારણી હતા. બ્રિટિશ ગુજરાતીઓ સાથે તેમજ આ લેખક અને આપના પ્રિય પ્રકાશનો ગુજરાત સમાચાર - Asian Voice (. Earlier with New Life ) સાથે સ્વ. કેશુભાઇ સાહેબનો નિકટનો સંબંધ રહ્યો છે એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી. મુખ્ય પ્રધાન પદ જેવા ઉંચા સ્થાને બિરાજતા હતા, પણ તેઓના પગ જમીન સાથે જોડાયેલા હતા. આમ આદમી સાથે સીધો સંપર્ક. ગુજરાતના વરિષ્ઠ પત્રકાર ભૂપતભાઇ પારેખ થકી કેશુભાઇ સાથેનો મારો સંપર્ક એંશીના દાયકામાં વધુ ઘનિષ્ઠ બન્યો. ૧૯૯૦માં પ્રથમ વખત ચીમનભાઇ પટેલના જનતા દળના સહયોગમાં ભાજપે સત્તાના સૂત્રો સંભાળ્યા. યોગાનુયોગ, સરકારની રચના માટે સર્કિટ હાઉસમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો હતો, તે અરસામાં જ ત્રણ-ચાર દિવસ માટે હું સર્કિટ હાઉસમાં જ અમદાવાદમાં હતો અને પત્રકારની નજરે રાજકીય ગતિવિધિઓનું નિરીક્ષણ કરી રહ્યો હતો.
છેવટે જનતા દળ અને ભાજપની સહિયારી સરકાર રચાઇ. ચીમનભાઇ મુખ્ય પ્રધાન બન્યા અને કેશુભાઇ પટેલે નાયબ મુખ્ય પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો. ચીમનભાઈ-કેશુભાઇ સાથે શુભેચ્છા મુલાકાત યોજાઇ અને મેં તેમને વિનંતી કરી કે આપ બ્રિટનની મુલાકાતે પધારો... બ્રિટનવાસી ગુજરાતી સાથેનો સંપર્કસેતુ વધુ મજબૂત બનશે. મારા આશ્ચર્ય વચ્ચે - ગુજરાતની શાસનધુરા સંભાળ્યાના - થોડાક જ મહિનાઓમાં ચીમનભાઇ અને કેશુભાઇ બ્રિટન પ્રવાસે આવ્યા અને તેમના અત્રેના કાર્યક્રમના આયોજનમાં કંઇક સંગીન અનુદાન આપવાનો મને અવસર સાંપડ્યો.
આ પહેલાં ગુજરાત કે ભારતના અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનો બ્રિટનની મુલાકાતે આવતા ત્યારે ભારતીય સમાજ સાથે તો તેમનો સંપર્ક થતો જ સાથોસાથ કોઇ કેબિનેટ પ્રધાન કે તેમના જેવા ઉચ્ચ સત્તાધીશો સાથે પણ બેઠકો યોજાતી. પરંતુ ચીમનભાઇ અને કેશુભાઇ અલગ ઉદ્દેશથી બ્રિટન પ્રવાસી આવી રહ્યા હતા.
ચીમનભાઇ સાહેબે બ્રિટન પ્રવાસનું આયોજન થયું કે તરત જ અમદાવાદથી મને ફોન કર્યો અને જણાવ્યું કે નર્મદા પરિયોજના અંગે બ્રિટન સરકારનું વલણ જરાક બદલવાની જરૂર છે. તેમણે આ મુદ્દે વિસ્તારથી સમજાવતા કહ્યું કે તમે જાણો છો તેમ નર્મદા યોજનાના મામલે કહેવાતા પર્યાવરણવાદીઓએ વૈશ્વિક સ્તરે જે હોબાળો મચાવ્યો છે તેનાથી આપણા જીવનદોરી સમાન પ્રોજેક્ટને વર્લ્ડ બેન્ક તરફથી મળનારી લોન ઘોંચમાં પડી શકે તેમ છે. આ મામલે બ્રિટન સરકારનું સમર્થન ગુજરાત માટે નિર્ણાયક બની શકે છે. વડા પ્રધાન માર્ગારેટ થેચર સાથે મુલાકાત યોજાય તો કંઇક વાત આગળ વધે.
ચક્રો ગતિમાન કર્યા. આ વિકટ સમસ્યાના ઉકેલમાં મને સર્વશ્રી શાંતુભાઇ રૂપારેલ, મર્વિન કોહલર, બ્રેન્ટ - નોર્થના એમપી રહોડ્સ બોયસનનો સંગીન સાથ સાંપડ્યો. વડા પ્રધાન માર્ગરેટ થેચરનો કાર્યક્રમ અતિશય વ્યસ્ત હોવા છતાં તેમણે ગુજરાતથી આવી રહેલા મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને વન-ટુ-વન મુલાકાત માટે ૧૫ મિનિટનો સમય ફાળવ્યો. ચીમનભાઇ અને કેશુભાઇને જાણ કરી. નિયત દિવસે વડા પ્રધાનને અમે મળવા પહોંચ્યા. બેઠકમાં ગુજરાતના બન્ને સુકાનીઓ, અહીંથી શાંતુભાઇ, આઇ. કે. પટેલ અને હું જોડાયા.
ચીમનભાઇ મુત્સદ્દીગીરીમાં માહેર હોવાનું તો સહુ કોઇ જાણતું હતું, પણ તેમની આ કુનેહ મેં આ બેઠકમાં નજરોનજર નિહાળી. શુભેચ્છાઓની ઔપચારિકતા બાદ ચીમનભાઇએ ‘વાતચીતનો દોર સંભાળ્યો’. તેમણે થેચરના કાર્યકાળ દરમિયાન બ્રિટનમાં શરૂ થયેલા આર્થિક સુધારાઓ વિશે મેડમ પ્રાઇમ મિનિસ્ટરને સવાલ પૂછ્યછયો. આપણે સહુ જાણીએ છીએ તેમ થેચર સરકારી ઈન્ડસ્ટ્રિયલ-કોમર્શિયલ એકમોના ખાનગીકરણના મામલે ખૂબ જ પ્રતિબદ્ધ હતા. થેચર શાસનના દસકા પૂર્વે બ્રિટનની આર્થિક સ્થિત બહુ ખરાબ હતી, અને તેમણે આ માહોલ સુધારવા ખાનગીકરણનો માર્ગ અપનાવ્યો હતો. સ્વાભાવિક છે ખાનગીકરણ તેમનો પ્રિય વિષય હતો.
ચીમનભાઇના સવાલના જવાબમાં તેમણે ૧૦-૧૨ મિનિટ તેમને ખાનગીકરણ વિશે વિગતવાર જાણકારી આપી. કોઇ પણ સરકારનું કામ બિઝનેસમેન બનવાનું નથી...થી માંડીને પાણી, વીજળી, રેલવે, પબ્લિક ટ્રાન્સપોર્ટ જેવી જાહેર સેવાઓ કાયમ ખોટમાં જ ચાલતી હોય છે... સહિતના વિવિધ મુદ્દા ટાંકીને તેમણે ખાનગીકરણને વાજબી ઠેરવ્યું. ચીમનભાઇ અને કેશુભાઇ સાહેબ સંમતિમાં માથું હલાવતા હતા. અને અમે - બાકીના બધા આ બધું જોયા કરતા હતા. ચીમનભાઇનું તીર બરાબર નિશાન પર લાગ્યું હતું.
મેડમ પ્રાઇમ મિનિસ્ટરની વાત પૂરી થઇ કે તરત જ ચીમનભાઇએ વાતનો દોર સંભાળ્યો અને ગુજરાતને સતાવતા પાણીપ્રશ્ન અંગે જાણકારી આપી. યુગો યુગોથી દરિયામાં વહી રહેલા નર્મદા નીરનો કઇ રીતે સદ્ઉપયોગ શક્ય છે તે અંગે સમજાવ્યું. અને વિપક્ષ સહિતના પર્યાવરણવાદીઓ કેવા ક્ષુલ્લક મુદ્દા ઉઠાવીને યોજનાનો વિરોધ કરી રહ્યા છે તે પણ જણાવ્યું.
મિટિંગનો નિયત સમય પૂરો થઇ ગયો હતો અને ઘડિયાળના કાંટા આગળ વધી રહ્યા હતા. સેક્રેટરીએ નોટ મોકલીને યાદ કરાવ્યું કે બીજા મુલાકાતીઓ રાહ જોઇ રહ્યા છે, તો મેડમનો જવાબ હતોઃ તેમને કહો કે બહુ અગત્યની મિટિંગમાં છું. અને થેચરે ગુજરાતના સુકાનીઓ સાથે લગભગ ૩૦થી ૩૫ મિનિટ ચર્ચા કરી. એટલું જ નહીં, નર્મદા યોજનાને વર્લ્ડ બેન્કની લોનના મામલે બ્રિટનના સહયોગનો ભરોસો પણ મળ્યો.
ચીમનભાઇ અને કેશુભાઇની જોડી ખરેખર સરસ કામ કરી ગઇ. ગુજરાતના વિકાસનો પાયો નાંખતી ગઇ. ગુજરાતના સુકાનીઓના આ પ્રવાસ દરમિયાન અમે બધા લેસ્ટર પણ ગયા હતા, જ્યાં કેટલાક જાહેર કાર્યક્રમો યોજાયા હતા.
દરમિયાન નર્મદામાં ઘણા પાણી વહી ગયા. ૧૯૯૫માં ગુજરાતમાં ફરી વિધાનસભા ચૂંટણીઓ યોજાઇ. આ વખતે ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે સત્તાના સૂત્રો સંભાળ્યા. આ વખતે કેશુભાઇએ ગુજરાતનું મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું. પરંતુ તેમના તોરતરીકામાં કોઇ બદલાવ નહોતો. કેશુભાઇ કેશુભાઇ જ રહ્યા હતા. તેમની સાથે સંપર્ક જળવાયો હતો.
સરદાર પટેલ મેમોરિયલ સોસાયટીના કાર્યક્રમ માટે તેમને બ્રિટન આવવા આમંત્રણ મોકલ્યું. સ્પષ્ટ બહુમતી સાથે ગુજરાતમાં ભાજપની સરકાર રચાઇ હતી, પણ ચૂંટણીના મુખ્ય સૂત્રધાર નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિ અંગે શંકરસિંહ વાઘેલા નારાજ હોવાના અહેવાલો હતા. છતાં કેશુભાઇ તેમના પ્રધાનમંડળના વરિષ્ઠ સાથી વિપુલ ચૌધરી સહિત બ્રિટન પ્રવાસે આવ્યા. તેમની ઉપસ્થિતિમાં લંડનમાં આપણા કાર્યાલયમાં મિટિંગ યોજાઇ હતી. દરમિયાન અમદાવાદથી મેસેજ આવ્યો કે ગુજરાતમાં કેશુભાઇ સરકાર સામે બળવાના ચક્રો ગતિમાન થયા છે. પરંતુ કેશુભાઇના પેટનું પાણી પણ ન હલ્યું. તેમના ચહેરાની એક રેખા ન બદલાઇ.
લેસ્ટર ઇસ્ટના એમપી કિથ વાઝના સહયોગથી પાર્લામેન્ટના સેન્ટ્રલ હોલમાં સરદાર વલ્લભભાઇ પટેલ અંગે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. લોર્ડ પ્રોફેસર ભીખુભાઇ પારેખ સહિતના સ્થાનિક અગ્રણીઓએ પ્રાસંગિક સંબોધન કર્યું. મુખ્ય પ્રવચન કર્યું કેશુભાઇએ. તેઓ ગુજરાત પાછા ફર્યા અને પછીનો ઇતિહાસ સહુ કોઇ જાણે છે.
શંકરસિંહે તેમની સરકાર પાડી હોવા છતાં કેશુભાઇનો છેલ્લે સુધી તેમની સાથે સંપર્ક જળવાયો હતો તે બહુ ઓછા લોકો જાણતા હશે. શંકરસિંહ સાથેના સંબંધોમાં કોઇ કડવાશ નહોતી. આને તમે કેશુભાઇનું ઔદાર્ય કહેશો કે સત્તાની ખુરશી માટેની નિસ્પૃહતા?! કેશુભાઇએ અંતિમ શ્વાસ સુધી તેમની ખાનદાની નહોતી છોડી. આ વાતનો પુરાવો તેમના નિધન બાદ શંકરસિંહે કહેલા આ શબ્દોમાં મળે છેઃ કેશુભાઇ જેવા અદના આદમીની સરકાર પાડવામાં હું નિમિત્ત બન્યો તે વાતનો મને આજેય અફસોસ છે... હું તેમની પાસેથી ઘણુંબધું શીખ્યો છું. કેશુભાઇએ છેલ્લા લાંબા સમયથી મુલાકાતીઓને મળવાનું બંધ કરી દીધું હતું, પરંતુ હું થોડાક દિવસો પૂર્વે જ તેમને મળ્યો હતો. તેમની સાથે ઘણી બધી વાતો કરી હતી.
વાચક મિત્રો, કેશુભાઇ દોસ્તોના જ નહીં, દુશ્મનોના દિલમાં પણ અમસ્તા જ નહોતા બિરાજતા. થોડાક વર્ષ પૂર્વે કેશુભાઇના પૌત્રના લગ્નપ્રસંગે રાજકોટમાં યોજાયેલા સમારોહમાં હાજરી આપવાનો મને અવસર મળ્યો હતો.
કેશુભાઇ એટલે ધરતીના છોરુ. સંઘ હોય કે જનસંઘ હોય કે પછી ભાજપ, કેશુભાઇએ મૂળિયા સિંચવાનું કામ કર્યું છે. ગુજરાતમાં ભાજપ વટવૃક્ષ બનીને પાંગર્યો છે તેમાં કેશુભાઇનો સિંહફાળો છે તેનો કોઇ ઇન્કાર કરી શકે તેમ નથી. તેઓ રાજકારણમાં ભલે હતા, પણ કાવાદાવાના માણસ નહોતા. તેઓ ખરેખર તો સમાજના માણસ હતા. સીધા અને સરળ. કોઇના પર પણ વિશ્વાસ મૂકતાં ન ખચકાય. સાથીદારોમાંના કેટલાક લોકોએ જ ભલે તેમને દગો દીધો, પણ તેમણે ક્યારેય કોઇની સાથે વિશ્વાસઘાત કર્યાનું જાણ્યું નથી. અનુભવે તેમને ઘડ્યા હતા. તેઓ ભણ્યા હતા ઓછું, પણ વિઝન ઉચ્ચ શિક્ષિતને ટક્કર મારે તેવું હતું. આથી જ તો તેમણે ગુજરાતને સાયન્સ સિટી જેવું નમૂનેદાર નજરાણું ધર્યું છે.
કેશુભાઇના નિધનના સમાચાર મળતાં જ ગુજરાત સમાચારના લંડન અને અમદાવાદ કાર્યાલયે પ્રાર્થના યોજીને તેમના આત્માને શાંતિ માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી હતી. (ક્રમશઃ)


comments powered by Disqus