અયોધ્યામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પાંચ ઓગસ્ટે ભૂમિપૂજન થકી રામમંદિરના નિર્માણના આરંભ થવા સાથે એક કાનૂની વિવાદનો સુખદ આવશે તેમ અવશ્ય કહી શકાય. સુપ્રીમ કોર્ટ દ્વારા આ વિવાદનું નિરાકરણ આવ્યું ત્યાં સુધીમાં દેશને અનેક હિંસા જોવી પડી છે. અયોધ્યામાં મીર બાંકીના હાથે ૧૫૨૮માં બાબરી મસ્જિદનું નિર્માર્ણ કરાયું તે પછી રામ જન્મભૂમિ તરીકે ઓળખાયેલી જમીનની માલિકીના કાનૂની વિવાદે ભારતીય સમાજને લગભગ વિભાજિત કરી નાખ્યો હતો. આમ છતાં, એક બાબત અવશ્ય નોંધવી જોઈએ કે સુપ્રીમ કોર્ટના ૧૯ નવેમ્બર ૨૦૧૯ના ચુકાદાને બંને પક્ષોએ સ્વીકારી લીધા પછી દેશમાં કોઈ અનિચ્છનીય ઘટના બની નહિ. હિન્દુઓએ વિજયોલ્લાસ ન ઉજવ્યો તો મુસ્લિમોએ પરાજયની વેદના પણ ન ઠાલવી. આમ ઘીના ઠામમાં ઘી ઢળીને રહ્યું છે.
એમ કહેવાય છે ને કે સારા કામમાં સો વિઘ્ન. ખુદ મર્યાદા પુરુષોત્તમ રામના રાજ્યાભિષેકમાં વનવાસનું વિઘ્ન આવ્યું હતું. રામમંદિરના નિર્માણના હવનમાં હાડકા નાખનારા પણ ઓછાં રહ્યા નથી. ‘બેગાની શાદીમાં અબ્દુલ્લા બની રહેનારા’ પાકિસ્તાને પણ કોરોના મહામારીના કારણને આગળ ધરી બાબરી મસ્જિદ સ્થળે રામમંદિરના નિર્માણના નિર્ણયની ભારે નિંદા કરવા સાથે આરએસએ-ભાજપ ગઠબંધન હિન્દુત્વના એજન્ડાને આગળ વધારી રહ્યું છે તેમ કહી ભારતના મુસ્લિમ સમુદાયને ઉશ્કેરવા પ્રયાસ કર્યો હતો. આવો પ્રયાસ ખરેખર વાહિયાત અને હાસ્યાસ્પદ જ ગણાવી શકાય. ઓછું હોય તેમ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે પણ રામ મંદિરના નિર્માણથી કોરોનાને હરાવી દેવાશે તેવો વ્યંગ કરવામાં પાછું વળીને જોયું નથી. આ સિવાય કોંગ્રેસ સહિતના કેટલાક નેતાઓએ પણ કોરોના સમયમાં મંદિરનિર્માણના આરંભ સામે કચવાટ દાખવ્યો હતો તે પણ નોંધવું જોઈએ.
મંદિરનિર્માણ બાબતે સોહાર્દનું વાતાવરણ પણ જોવાં મળ્યું છે. બાબરી મસ્જિદ વિવાદના પક્ષકાર રહેલા ઈકબાલ અન્સારીએ મંદિરનિર્માણ માટે અત્યાવશ્યક ભૂમિપૂજન વિશે ખુશી દર્શાવી છે. બીજી એક વાત કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર અયોધ્યાથી ૨૮ કિલોમીટરના અંતરે ધન્નીપુર ગામે યોગી સરકારે સુન્ની વક્ફ બોર્ડને પાંચ એકર જમીન ફાળવી છે જ્યાં, મસ્જિદની સાથોસાથ હોસ્પિટલ કે શાળાના નિર્માણની માગણી મુસ્લિમ સમુદાયે કરી છે. જોકે, સ્વાભાવિક રીતે તેનો નિર્ણય બોર્ડ લેશે. અહીં ઈન્ડો-ઈસ્લામિક સેન્ટર અને લાઈબ્રેરી પણ બની શકે છે. ખૂબી એ છે કે ૧૯૯૨માં અયોધ્યા સહિત આખા દેશમાં રમખાણો થયા ત્યારે આ ગામમાં મુસ્લિમ-હિન્દુ એકતા સાથે શાંતિ પ્રવર્તતી હતી. ગામલોકોની એક વાત તો સાચી જ છે કે મંદિર બને કે મસ્જિદ બને તેનાથી કોઈ ફરક નથી પડતો, કારણકે એના પછી પણ અંતે તેમને તો મજૂરી જ કરવાની છે.
નોંધપાત્ર બાબત એ છે કે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે દશરથપુત્ર રામની અયોધ્યાની ગરિમા વિશ્વભરમાં પુનઃસ્થાપિત કરવાની પ્રતિજ્ઞા લીધી છે તો વિશ્વ હિન્દુ પરિષદે પણ દિવાળીની માફક જ અયોધ્યામાં દીપપ્રાગટ્યની જાહેરાત કરી છે. આશા રાખીએ કે આ માત્ર થોડા દિવસોનો ઉત્સાહ બની ન રહે. રામરાજ્યના પ્રતીક સમાન અયોધ્યામાં સ્વચ્છતા અને સ્વ-અનુશાસન જોવા મળશે તો જ આ શક્ય બનશે. ઋષિ વાલ્મિકી અને સંત તુલસીદાસ સહિતના રામાયણ ગ્રંથોમાં ભગવાન રામ, દેવી સીતા અને ભાઈ લક્ષ્મણનો વનવાસ ૧૪ વર્ષનો રહ્યો હતો પરંતુ, વર્તમાન યુગની રામાયણ લખાશે તો આશરે ૫૦૦ વર્ષના વનવાસ પછી રામનું અયોધ્યામાં પુનરાગમન થયું તેમ લખાશે તેમાં કોઈ શંકા નથી.