GHS પ્રેસ્ટન ખાતે ભારતના પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી

Wednesday 05th February 2020 05:15 EST
 
 

ભારતના ૭૧મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ગુજરાત હિંદુ સોસાયટી દ્વારા ફરી વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. લગભગ ૧૧૦થી વધુ કલાકારોએ શાસ્ત્રીય, સમકાલીન અને બોલિવુડ ડાન્સ, રાસ-ગરબા અને પરંપરાગત નૃત્ય દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. બાળકોએ ભક્તિગીતો રજૂ કર્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રાર્થના રજૂ થઈ હતી. સંસ્થાના પ્રમુખ દશરથભાઈ નાયીએ દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમને ખૂલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે ૬૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તમામ પર્ફોર્મિંગ ગ્રૂપ્સે તેમની થીમ આધારિત અને દેશભક્તિ આધારિત કૃતિઓ દ્વારા ભારતની સાંસ્કૃતિક વીરાસતનું નિદર્શન કર્યું હતું. આ શોના માધ્યમથી સૌને પોતાના વતનની યાદ આવી હતી. પ્રમુખ દશરથભાઈએ તેમના સંબોધનમાં આ સાંસ્કૃતિક કાર્યક્રમના સફળ આયોજનમાં ખૂબ મહેનત કરવા બદલ કલાકારો અને તેમના ટ્રેનર્સની પ્રશંસા કરી હતી.

સાંસ્કૃતિક કાર્યક્રમ પછી સંસ્થાના પ્રમુખે ધ્વજવંદન કરાવ્યું હતું અને ઉપસ્થિત તમામ લોકોએ તિરંગાને સલામી આપી હતી.

કાર્યક્રમના અંતે ભારતના રાષ્ટ્રગીત અને બ્રિટનના રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus