કચ્છી ભાટિયા લધાભા શેઠે ૧૮મી સદી આફ્રિકામાં ગુજરાતીઓનું ગૌરવ વધાવ્યું. ૧૮મી સદીમાં આફ્રિકામાં દરિયાકિનારા નજીકના પ્રદેશ સિવાય હજી અંદરના ભાગે સુધરેલા માનવીઓ વસ્યા અને પહોંચ્યા ન હતા. પૂર્વ આફ્રિકાના તાન્ઝાનિયાના કિનારા નજીક ત્યારે આજનું ઝાંઝીબાર ત્યારે જંગબાર કહેવાતું. ઓમાનના સુલતાનના કુટુંબી સુલતાન માજીદ. જંગબારમાં શાસન. અહીં તે જમાનામાં મોટી સંખ્યામાં કચ્છી ભાટિયા વસતા. આમાં જેરામ શિવજીની પેઢી આગેવાન. આ પેઢીના કર્તાહતા લધાભા શેઠ હતા.
લધાભા શાણા, શૂરવીર, સખાવતી અને જબરા સાહસિક વેપારી. એમને ત્યાં કામ કરતા સેંકડો ગુજરાતી બપોરે એક સાથે બેસીને જમતા. કંપની સૌને ભોજન પૂરું પાડતી. જમતી વખતે નોકર, માલિક, ગરીબ, તવંગર, નાતજાતના ભેદ ન હતા. બધાં માટે એકસરખો નિયમ હતો. જેને જે અને જેટલું લેવું હોય તે લઈ લે. બીજી વાર લેવાની મનાઈ હતી. જે લીધું હોય તે બધું ખાવું જ પડે. બગાડ કરવાની છૂટ ન હતી.
લધાભા જંગબારમાં વસતા ગુજરાતીઓના મોવડી મનાતા. એમનો શબ્દ કોઈ ઉથાપતું નહીં. તેમની પેઢી પાસે જંગબારમાં આવતા માલ પર જકાત લેવાનો ઈજારો હતો. જંગબારના સુલતાન માજીદના નાના ભાઈ બરગસને સુલતાન બનવું હતું. સુલતાન માજીદ જ્યારે પ્રવાસમાં બહાર હતા ત્યારે એક રાત્રે બરગસ લધાભા શેઠને ત્યાં ગયો અને મોટી રકમ માગી. બરગસ એ પૈસાનો ઉપયોગ કરીને સૈન્ય અને અમલદારોને ફોડવા માગતો હતો. દારૂગોળો અને શસ્ત્રો ખરીદવા માગતો હતો. લધાભા સુલતાન માજીદને વફાદાર હતા. તેમણે ના પાડી તો બરગસે ધમકી આપતાં, ‘જોઈ લઈશ’ કહ્યું. લધાભા પરિસ્થિતિની ગંભીરતા સમજી ગયા.
રાજમાતા પાસે જઈને વાત કરી. ભાઈઓ વચ્ચેના કંકાસથી મૂંઝાયાં. અંતે લધાભાને જ પ્રશ્ન ઊકેલવા કહ્યું. લધાભાએ નૌકા સેનાપતિ અને સેનાપતિને બોલાવ્યા. સુલતાનને સંદેશો મોકલ્યો. શકમંદોને પકડી લીધા. બરગસે થાકીને શરણાગતિ સ્વીકારી. માજીદ લધાભા પર ખુશ થયા. બંને વચ્ચે ગાઢ સંબંધો બંધાયા. ગુજરાતીઓને આથી ધંધામાં ઘણા લાભ થયા.
૧૪ વર્ષ પસાર થયાં. લધાભાની જંગબારમાં બોલબાલા રહી. સુલતાન માજીદનું અવસાન થતાં બરગસ સુલતાન બન્યો. લધાભા એને આંખમાં કણાની જેમ ખૂંચતાં હતાં. તેણે વેર વાળવા રસ્તો લીધો. લધાભાની કંપની પાસે જકાતનો ઈજારો હતો તેથી બરગસે ઈજારાની રકમ ત્રણ ગણી વધારી દીધી. લધાભા એ રકમ આગોતરી ના આપે તો એમને ઈજારો બંધ કરવા ધમકી આપી. લધાભાએ કહ્યું, રાજ પાસે અમારા ૨૫ લાખ લેણાં છે તે ચૂકવી દો અને પછી ઈજારો બંધ કરો. બરગસે કહ્યું, ‘સુલતાન માજીદને આપેલા પૈસા અંગત ગણાય. અમે એની જવાબદારી ના લઈએ.’ આમ પ્રશ્ન ગૂંચવાયો, પણ લધાભા હિંમતવાન. ગભરાયા નહીં. જો બરગસ સાથે ઝઘડો ચાલુ રહે તો ગુજરાતીઓને નુકસાન થાય. એક રાત્રે વિના હથિયારે, એકલા લધાભા બરગસના મહેલે પહોંચ્યાં. પૂરું જોખમ લીધું. બરગસને મારીને દાટી દે તોય ખબર ના પડે.
તેમણે બરગસ પાસે જઈને નીડરતાથી કહ્યું, ‘આપણે લડીશું તો બંનેને નુકસાન થશે. છતાં તમે ન્યાયબુદ્ધિથી ફરી વિચારો. તમારો નિર્ણય હું સ્વીકારીશ.’
બરગસે વિચાર્યું, ‘લધાભા બ્રિટિશ પ્રજાજન છે. તેમને નુકસાન થાય તેવું પોતે કંઈ કરશે તો અંગ્રેજો બદલો લેવા પગલાં લેશે ને વળી નવી આફત સર્જાશે. બરગસે સંબંધ સુધારી લીધો. આમ અંતે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. આવા લધાભાને જંગબારમાં રહેતાં બ્રિટિશ, ફ્રેંચ, ડચ, પોર્ટુગીઝ અને જર્મન રાજદૂતો પણ માન આપતા. ગુજરાતી લધાભાએ જંગબારમાં ગુજરાતની શાન વધારી.

