BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ નવસારી ખાતે બિરાજમાન છે. ૨૮મી જાન્યુઆરીને મંગળવારે નવસારીમાં આરસના નૂતન શિખરબદ્ધ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ૧.૮ કિ.મી લાંબી નગરયાત્રા યોજાઈ હતી. ૨૯મીને બુધવારે પ્રતિષ્ઠા નિમિત્તે વૈદિક વિધિવિધાનો પ્રમાણે યજ્ઞનું આયોજન કરાયું હતું. ૩,૭૫૦ યજમાનોએ આ યજ્ઞમાં ભાગ લીધો હતો. ૩૦મીએ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. પૂ.મહંત સ્વામીએ મૂર્તિ પ્રતિષ્ઠાવિધિ કરી હતી. બાદમાં પૂ. મહંત સ્વામીએ બધા હરિભક્તો તને, મને, ધને સુખી થાય. બધાનો સત્સંગ દ્રઢ થાય અને સંસ્કારિતા, આધ્યાત્મિકતા વધે અને એકાંતિક ધર્મ સિદ્ધ થાય તેવા આશીર્વાદ આપ્યા હતા. ૩૦મીએ વસંતપંચમી હતી. તે સાંજે પૂર્ણા નદીના કિનારે અક્ષરવાડીમાં મૂર્તિ પ્રતિષ્ઠાની મુખ્ય સભા યોજાઈ હતી. તેમાં મંદિરનું સમાજમાં પ્રદાન અને મંદિર કેવી રીતે જીવનને ઉર્ધ્વગામી બનાવી શકે તે વિશે પ્રવચનો, નૃત્ય અને વીડિયોના માધ્યમથી રજૂઆત કરાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્યો, સાંસદ અને સ્થાનિક અગ્રણીઓ સહિત ૨૦,૦૦૦ જેટલાં સંતો-હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વસંત પંચમી પૂ. શાસ્ત્રીજી મહારાજનો પ્રાગટ્ય દિવસ છે.
કાર્યક્રમના અંતે, ઉત્સવ નૃત્ય રજૂ થયું હતું. પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘આજે શાસ્ત્રીજી મહારાજ પ્રગટ થયા અને આ મંદિર પણ થયું. શાસ્ત્રીજી મહારાજ કહેતા મારો જન્મ મંદિર માટે જ છે. એટલે આ જુગલબંધી સરસ થઈ ગઈ.’ ૧લી ફેબ્રુઆરીએ સવારે પૂજા દર્શન પછી આશીર્વાદમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘શ્રીજી મહારાજ એકાંતિક ધર્મના સ્થાપન માટે આવ્યા છે. એમાં કોઈ આંચ ન આવે એ તેઓને જોવાનું છે.’ ૨જીને રવિવારે સાંજે પ્રતિષ્ઠા નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ‘સુવર્ણ તવારીખ નવસારીની’ નૃત્યનાટિકા રજૂ થઈ હતી. તેમાં નૃત્યની સાથે સાથે નાટ્યાંશો દ્વારા નવસારીનો ઈતિહાસ તેમજ બીએપીએસના સત્સંગનો ઈતિહાસ ભજવાયો. પૂ. મહંત સ્વામીએ આશીર્વાદમાં કહ્યું,‘ મંદિરમાં પૂજા પાઠ, પ્રદક્ષિણા ખાલી નહીં કરવાનું. ભગવાનની અને બાપાની સ્મૃતિ થાય એ રીતે કરવાનું.’ નવસારીમાં હરિભક્તો દરરોજ પૂ.મહંત સ્વામીની પૂજા અને દર્શનનો લાભ લઈ રહ્યા છે.

