પોસ્ટમેનને બ્લેન્કેટમાં લપેટાયેલું નવજાત શિશુ મળી આવ્યું

Wednesday 05th February 2020 05:34 EST
 
 

લંડનઃ પોસ્ટમેન એડવર્ડ હોલ્ટનને ૨૫ જાન્યુઆરી, શનિવારે હેકનીમાં સાન્ડ્રિંઘામ રોડ પરના પાદરીનિવાસ (વિકારેજ)ની બહાર બ્લેન્કેટમાં લપેટાયેલું નવજાત શિશુ મળી આવ્યું હતું. આ બાળકને પોસ્ટમેનના નામ પરથી હાલ બેબી એડવર્ડ નામ અપાયું છે. રોયલ મેઈલના કામદારોએ નવજાત શિશુ માટે ભંડોળ ઉઘરાવવાની પણ વિચારણા આદરી છે.

પોસ્ટમેન એડવર્ડ અને તેમનો સાથી પોલ સ્મિથ વાનમાં ટપાલની ડિલિવરી કરી રહ્યા હતા ત્યારે તેમનું ધ્યાન બ્લેન્કેટ પર ગયું હતું. તેમણે ટપાલ વહેંચવાની ચાલુ રાખી પરંતુ, એડવર્ડના મનમાંથી બ્લેન્કેટ ખસતો ન હતો. આથી તેઓ ફરી તપાસ કરવા ગયા અને બ્લેન્કેટ ખસેડતા તેમાં એક દિવસથી પણ ઓછાં સમયની જન્મેલું અતિશય નાનું બાળક જોવાં મળ્યું હતું. નવજાત શિશુને હુંફ આપવા વાનમાં રાખી અને ઈમર્જન્સી સર્વિસીસને બોલાવી હતી. હોસ્પિટલ સ્ટાફ દ્વારા આ બાળકને પોસ્ટમેને શોધી હોવાથી તેનું નામ આપ્યું હતું. બેબી એડવર્ડની તબિયત સારી છે.

ડિટેક્ટિવ સાર્જન્ટ એન્ડી બેરીએ ત્યજાયેલાં બાળકની માતાની માનસિક અને શારીરિક હાલત વિશે ચિંતા વ્યક્ત કરી જણાવ્યું હતું કે શિશુ મળી આવ્યુ ત્યારે તે માંડ છથી બાર કલાકનું હતું અને જન્મ હોસ્પિટલમાં કરાયો હોવાનું લાગતું નથી. તેમણે બાળકની માતાને પોલીસનો તત્કાલ સમપર્ક કરવાની પણ વિનંતી કરી હતી.


    comments powered by Disqus