બજેટમાં કૃષિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઝોક

Wednesday 05th February 2020 05:02 EST
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને વર્ષ ૨૦૨૦ માટેનું અંદાજપત્ર રજૂ કર્યું તે ઈતિહાસમાં ૨ કલાક ૪૧ મિનિટના સૌથી લાંબા બજેટ સંભાષણ તરીકે નોંધાઈ ગયું છે. તમામ માટે વિકાસ, વૃદ્ધિ અને કલ્યાણના વિષય પર ધ્યાન આપતું આ બજેટ ખરેખર ખુશી લાવનારું બની રહેવું જોઈતું હતું પરંતુ, વાસ્તવિકતા એ છે કે સહુને ખુશ કરવાના પ્રયાસમાં સીતારામન થોડાં ઉણાં ઉતર્યાં છે અને મોટા ભાગનાને નિરાશા સાંપડી છે. જોકે, એ હકીકત પણ સાચી છે કે બધાને એક જ સમયે અને એક સાથે ખુશ કરી શકાતા નથી.
આમ જોઈએ તો, બજેટમાં સામાન્ય લોકોનું ધ્યાન તો માત્ર આવકવેરા સંબંધિત જાહેરાતો ઉપર જ હોય છે ત્યારે નાણા પ્રધાને બે કરમાળખા દાખલ કરીને નવો ઈતિહાસ સર્જ્યો છે. પશ્ચિમી દેશોમાં કેનેડા, યુએસ અને ઓસ્ટ્રેલિયા પછી આવી વ્યવસ્થા દાખલ કરનારો ભારત ચોથો દેશ બન્યો છે પરંતુ, ખાટલે ખોડ એવી છે કે આ વ્યવસ્થા લોકોની સમજમાં આવી શકે તેવી નથી. નિષ્ણાતો માને છે કે આના કારણે કરદાતાઓમાં મૂંઝવણ વધશે અને લાંબાગાળે કોઈ ફાયદો થશે નહિ. કરમાં છૂટ મેળવવા માટે પણ થઈને જે ફરજિયાત બચતોને પ્રોત્સાહન મળતું હતું તે બચત કરવી કે નહિ અથવા કયા કરમાળખાનો વિકલ્પ અપનાવવો તેની અવઢવ ઉભી થઈ છે. સરકાર લાંબાગાળે ટેક્સ પરની રાહતો દુર કરી કરમાળખાને સરળ બનાવવા ધારે છે.
નાણાપ્રધાને ખેડૂતો, મહિલાઓ, યુવાનો, કોર્પોરેટ સેક્ટર સહિત તમામ માટે સર્વાંગી વિકાસ, વૃદ્ધિ અને કલ્યાણની સાથોસાથ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપતી યોજનાઓ જાહેર કરી છે, ઊંચા લક્ષ્યાંકો મૂક્યા છે પરંતુ, તેને કેવી રીતે હાંસલ કરાશે તેની માર્ગરેખા નિશ્ચિત કરી નથી. કૃષિ, ટેકનોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્સટાઈલ્સ જેવાં રોજગારી સર્જક તેમજ સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય અને સંરક્ષણ જેવા મહત્ત્વના ક્ષેત્રને પૂરતી ફાળવણી કરવામાં આવી છે તેનો ઈનકાર કરી શકાય તેમ નથી. આમ છતાં, ૬,૧૯,૨૧૦ કરોડની જંગી અંદાજપત્રીય ખાધ મુશ્કેલી સર્જશે તે પણ નિશ્ચિત છે.
વડા પ્રધાન મોદીએ અંદાજપત્રની પ્રસંશા કરી તેમાં રોજગારી વધારવા તેમજ અર્થતંત્રને વેગ આપવાના પગલાં લેવાયાં હોવાનું જણાવ્યું છે. આ બજેટથી આવક અને રોકાણ, માગ અને ખપતમાં વૃદ્ધિ થવાની આશા પણ વ્યક્તિ કરી છે. જોકે, પૂર્વ વડા પ્રધાન અને અર્થશાસ્ત્રી ડો. મનમોહનસિંહે દેશના સૌથી લાંબા બજેટમાં કશું સમજી શકાય તેમ ન હોવાની ટીપ્પણી કરી છે. સ્વાભાવિક રીતે જ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના તેમજ વિરોધ પક્ષના નેતાઓએ બજેટને દિશાહીન ગણાવ્યું છે.
બજેટમાં દેશના માંદા અર્થતંત્રને હાઈ જમ્પ માટે તૈયાર કેટલાંક પગલાં લેવામાં આવ્યા છે. કોર સેક્ટરમાં ઉત્સાહ જગાવવા મૂડીખર્ચ વધારવા મુદ્દે નાણાપ્રધાને નિરાશ નથી કર્યાં અને નાણાકીય વર્ષ માટેનો મૂડી ખર્ચ ૪ લાખ કરોડથી પણ વધારી દેવાયો છે. નાણા પ્રધાનના આર્થિક સર્વે અને અંદાજપત્રમાં વિરોધાભાસ અવશ્ય છે. તેમણે સાત ટકાના જીડીપી વિકાસનો અંદાજ દર્શાવ્યો છે. દેશની વર્તમાન પરિસ્થિતિ જોતાં આ દર ઊંચો અને અવાસ્તવિક હોવાનું નિષ્ણાતો માને છે. જો આર્થિક વિકાસનો આટલો જ કે તેનાથી ઓછો દર રહે તો વડા પ્રધાન મોદીએ ૨૦૨૪ સુધીમાં દેશને પાંચ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવાનું સ્વપ્ન નિહાળ્યું છે તે પાર પડશે નહીં.
આશરે ૨૪૦૦ વર્ષ અગાઉ મહાન રાજનીતિજ્ઞ આચાર્ય ચાણક્યે પ્રજા પર કર નાખવા વિશે જણાવ્યું હતું કે મધમાખી જેમ પુષ્પોમાંથી પરાગ ચૂસે છે તેમ રાજાએ નાગરિકો પાસેથી કરની વસૂલાત કરવી જોઈએ. દર વર્ષે રજૂ કરાતા બજેટમાં આ જ બાબત પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. આ બજેટના પ્રસ્તાવોમાં સુધારાવધારા પણ થશે ત્યારે તેની અસર પણ એવી જ બની રહેશે એવી આપણે આશા અવશ્ય રાખીએ.


comments powered by Disqus