મહાત્મા ગાંધીને નિર્વાણદિને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ

Wednesday 05th February 2020 05:32 EST
 
 

લંડનઃ મહાત્મા ગાંધીની ૩૦ જાન્યુઆરીની પૂણ્યતિથિએ ગમગીન બ્રિટિશ ભારતીયો તેમની યાદમાં લંડનના ટાવિસ્ટોક સ્ક્વેરસ્થિત પ્રતિમાએ શ્રદ્ધાંજલિ અર્પવા એકત્ર થયા હતા. આ દિવસ ‘શહીદ દિવસ’ (Martyr’s Day) તરીકે ઓળખાય છે. આ પ્રસંગે બ્રિટનસ્થિત ભારતીય હાઈ કમિશનર શ્રીમતી રુચિ ઘનશ્યામ, ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર મિ. ચરણજીત સિંહ, કેમડેનના સાંસદ વિરેન્દ્ર શર્મા, ડેપ્યુટી મેયર મિસ સાબ્રીના ફ્રાન્સિસ, ઈન્ડિયા લીગના ચેરમેન મિ. સી.બી. પટેલ, ભારતીય વિદ્યા ભવનના ડાયરેક્ટર મિ. નંદ કુમારા મટ્ટુર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

રાષ્ટ્રપિતાને ભવ્ય આદરાંજલિ અર્પણ કરતા વક્તાઓએ મહાત્મા ગાંધીના જીવનનું વર્ણન કરવા સાથે વર્તમાન યુગમાં તેની પ્રસ્તુતતા વિશે વાતો કરી હતી હતી.

હાઈ કમિશનર શ્રીમતી રુચિ ઘનશ્યામે સાઉથ આફ્રિકાના પ્રીટોરિઆમાં પ્રીટરમારિત્ઝબર્ગ રેલવે સ્ટેશને બળપૂર્વક ઉતારી દેવાયા અને ત્યાં એકલા પડી રખાયા તે ઘટનાને યાદ કરી હતી. તેમણે ‘આ વિશે કશું કરવા’ના મહત્ત્વને દર્શાવ્યું હતું. શ્રીમતી ઘનશ્યામે જણાવ્યું હતું કે માર્ટિન લ્યુથર કિંગ જુનિયર અને નેલ્સન મન્ડેલા સહિત રાજકીય આંદાલનોના મહત્ત્વપૂર્ણ નેતાઓએ મહાત્મા ગાંધીમાંથી પ્રેરણા મેળવી હતી. મહાત્મા ગાંધીના જીવનનું મહત્ત્વ અને પ્રસ્તુતતાને સન્માન આપનારા નવા યુગના નેતાઓમાં બરાક ઓબામા પણ છે.

શ્રીમતી ઘનશ્યામે એમ પણ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધાના કારણે જ ભારતની સ્વાતંત્ર્ય ચળવળ અહિંસક બની રહી હતી અને બ્રિટિશરો માન અને ગૌરવ સાથે ભારત છોડી શક્યા હતા.

ઈન્ડિયા લીગના ચેરમેન મિ. સી.બી. પટેલે સમગ્ર વિશ્વમાં પ્રેરણાત્મક પરિવર્તનોમાં મહાત્મા ગાંધીના યોગદાન વિશે ભાવનાત્મક સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીની ફીલોસોફી આજના યુગમાં પણ પ્રસ્તુત છે અને વર્તમાન યુગના ક્લાઈમેટ ચેન્જ, ત્રાસવાદ, પર્યાવરણીય અને સામાજિક ન્યાય જેવા પડકારો અને સંઘર્ષો માટે ઉપાય પૂરા પાડી શકે તેમ છે.

લંડન હંમેશાંથી વિશ્વનું ધ્યાન ખેંચતુ કેન્દ્ર બની રહ્યું છે અને દરરોજ સેંકડો પર્યટકો ટાવિસ્ટોક સ્ક્વેરથી પસાર થતા રહે છે. મિ. પટેલે જણાવ્યું હતું કે ‘ધ્યાનમગ્ન મહાત્મા’ની આ પ્રતિમા સમગ્ર વિશ્વને શાંતિ અને તમામ પ્રત્યે અહિંસાનો સંદેશ પ્રસરાવતી રહે છે.

આ પ્રસંગ બાપુના પ્રિય ભજનો ‘વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે’ અને રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતા રામ’થી ગુંજી ઉઠ્યો હતો. ભારતીય વિદ્યા ભવન, લંડનના વિદ્યાર્થીઓએ આ ભજનોને પોતાનો સુમધુર કંઠ આપી વાતાવરણને પ્રાર્થનામય બનાવી દીધું હતું.

બ્રિટિશ હવામાને પણ ઠંડા પ્રવનો અને હળવા વરસાદી છાંટાઓથી હાજરી પૂરાવી હતી. આ વેળાએ હિંસા આચર્યા વિના જ આઝાદી હાંસલ કરવાનો મહામંત્ર આપવા સાથે મહાત્મા ગાંધીએ આપેલા બલિદાનોનો સાક્ષાત્કાર અમારા વિચારોમાં થઈ રહ્યો હતો.


comments powered by Disqus