લેસ્ટરશાયર સર્ચ એન્ડ રેસ્ક્યુ (LeicSAR)ને કમિશનર્સ સ્પેશિયલ રેકગ્નિશન એવોર્ડ

Wednesday 05th February 2020 05:21 EST
 
 

લેસ્ટરઃ નાઈટનમાં કોલેજ કોર્ટ હોટેલ એન્ડ કોન્ફરન્સ સેન્ટર ખાતે યોજાયેલા સેફર કોમ્યુનિટી સેલિબ્રેશનમાં લેસ્ટરશાયર સર્ચ એન્ડ રેસ્ક્યુ (LeicSAR)ને કમિશનર્સ સ્પેશિયલ રેકગ્નિશન એવોર્ડ એનાયત કરાયો હતો.

લેસ્ટરશાયરના પોલીસ અને ક્રાઈમ કમિશનર લોર્ડ વિલી બાક દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમમાં LeicSARને કમિશનરના પોલીસ અને ક્રાઈમ પ્લાનને સફળ બનાવવા આપેલા ઉત્કૃષ્ઠ યોગદાન બદલ LeicSARના ડેમ એબ્લેટ અને સાયમન હેડીલીને બીબીસી રેડિયો લેસ્ટરના બેન જેક્સનના હસ્તે આ એવોર્ડ અપાયો હતો.

વુડહાઉસ ઈવ્સ સ્થિત LeicSAR નોન-પ્રોફિટ સંસ્થા છે જે પોલીસ અને ઈમરજન્સી સર્વિસને 24/7 સર્ચ અને રેસ્ક્યુમાં મદદ કરે છે. સંસ્થાના સંપૂર્ણપણે તાલીમ પામેલા વોલન્ટિયર્સ બાળકો, વડીલો અને ડિમેન્શિયા, ડિપ્રેશન અથવા માનસિક સ્વાસ્થ્યની સમસ્યાથી પીડાતા લોકો સહિત લાપતા લોકોને શોધવામાં સહાય પૂરી પાડે છે.

લોર્ડ બાકેજણાવ્યું હતું કે LeicSAR પોલીસને જે સેવા આપે છે તેનાથી હું ખૂબ પ્રભાવિત છું. તેઓ ન હોય તો ગૂમ થયેલા લોકોને શોધવા માટે પોલીસને તે કામગીરીમાં સામેલ કરવી પડે. LeicSAR ના ચેરમેન સાયમન હેડલીએ જણાવ્યું હતું કે વિવિધ કામગીરી કરવા માટે સંસ્થામાં હાલ ૪૮ સભ્યો છે. સંસ્થામાં રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત એર-સેન્ટિંગ ડોગ ટીમ અને સ્પેશિયાલિસ્ટ બાઈક ટીમ છે.

હેલ્પ ધ હોમલેસ લેસ્ટરના આરિફ વોરાજીને વાયેબલ પાર્ટનરશિપ એવોર્ડ, ઈન્સ્પેક્ટર માર્ક બોટને વિઝિબલ પોલિસીંગ એવોર્ડ, મિલી ગ્રાન્ટને વિક્ટિમ સર્વિસીસ એવોર્ડ, જોન રોબર્ટ્સ અને ડિયર આલ્બર્ટને વલ્નરેબિલિટી પ્રોટેક્શન એવોર્ડ, કિયેરન બ્રીન, સિવભાન હિરેલ અને રૂડી પેરા-વોટસનને વેલ્યુ ફોર મની એવોર્ડ, પાર્ટનરશીપમાં કામ કરવા બદલ ધ બ્લેબી, હિંકલી એન્ડ બોસવર્થ કોમ્યુનિટી સેફ્ટી પાર્ટનરશીપનું સન્માન કરાયું હતું.

કાર્યક્રમમાં લોર્ડ લેફ્ટનન્ટ ઓફ લેસ્ટરશાયર, હાઈ શેરીફ ઓફ રુટલેન્ડ, લોર્ડ મેયર ઓફ લેસ્ટર, ચીફ કોન્સ્ટેબલ, લોકલ ગવર્નમેન્ટ, હેલ્થ સર્વિસીસ, ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ અને વોલન્ટરી ગ્રૂપ્સના વરિષ્ઠ અધિકારીઓ સહિત ૧૦૦થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં સૌએ સ્વાદિષ્ટ ડિનરનો લાભ લીધો હતો.

લેસ્ટર સિટી ફૂટબોલ ક્લબ કોમ્યુનિટી ટ્રસ્ટ અને ટર્નિંગ પોઈન્ટે કાર્યક્રમને સ્પોન્સર કર્યો હતો.


comments powered by Disqus