માનવી માત્રની પ્રારંભિક જરૂરિયાત છે- રોટી, કપડા અને મકાન. આ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે તેણે શ્રમ, રોજગાર કે ધંધા કરવા પડે છે, જેમાંથી તેને વળતર મળી શકે. જોકે, બધાને આ બધું મળી શકતું નથી અને કેટલાક બેરોજગાર રહે છે અથવા તેમને કામકાજ મળતું નથી. સંયુક્ત રાષ્ટ્રની પેટા સંસ્થા ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન અનુસાર સમગ્ર વિશ્વમાં હાલ ૪૭ કરોડથી વધુ લોકો બેરોજગાર છે અથવા અણગમતું કામ કરી રહ્યા છે.
રોજગાર અને સામાજીક વલણ પરના રિપોર્ટ અનુસાર વધતી બેકારી અને અસમાનતા જારી રહેવાની સાથે જ યોગ્ય કામની અછતનાં કારણે લોકોને પોતાના કામના માધ્યમથી ઉત્તમ કે ઈચ્છિત જીવન જીવવા માટે વધુ મુશ્કેલ થઇ ગયું છે. દુનિયાભરમાં બેરોજગાર માનવામાં આવતા ૧૮.૮ કરોડ લોકોમાં ૧૬.૫ કરોડ લોકોની પાસે અપૂરતા વેતનનું કામ છે અને અન્ય ૧૨ કરોડ લોકોએ કામ શોધવાનું છોડી જ દીધુ છે અથવા તેઓ શ્રમબજાર સુધી પહોંચી શકતા નથી.
વર્તમાન ભારત, યુવા બેરોજગારીના વિષચક્રમાં ફસાઈને દુનિયાના સૌથી વધારે બેરોજગારો ધરાવતા દેશોમાંનો એક દેશ બન્યો છે. સેન્ટર ફૉર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીનો અહેવાલ જણાવે છે તે મુજબ ૨૦૧૮ના વર્ષમાં લગભગ ૧.૦૯ કરોડ ભારતીયોએ પોતાની નોકરી ગુમાવી છે. વસ્તીની દૃષ્ટિએ ભારત ૨૦૨૫ના વર્ષ સુધીમાં ચીનને પણ પાછળ રાખી દુનિયાનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે. ૨૦૫૦ સુધીમાં તો ભારતની વસ્તી ૧૭૩ કરોડને આંબી જશે. આ વસ્તીમાં કામકાજ કરવા માટે સક્ષમ એટલે કે ૧૫થી ૬૧ વર્ષની વયના લોકોની સંખ્યા ૧૧૦ કરોડ એટલે કે આજની કુલ વસ્તીના લગભગ ૮૫ ટકા જેટલી હશે. વર્તમાન આર્થિક વ્યવસ્થા જ એવી છે કે ગામડાં અને તેની ખેત આધારિત અર્થવ્યવસ્થા તૂટી રહી છે. ગ્રામ્યક્ષેત્રે રોજગારી મળતી જ રહે છે પરંતુ, શિક્ષણનો વ્યાપ વધવાના કારણે યુવાનો ખેતીકાર્યના બદલે બ્લુ કોલર જોબ કરવાનું વધુ પસંદ કરતા થયા છે અને બેરોજગારી સર્જાય છે. ગામડામાં કામ કરનારા ઘટવાથી અને શહેરમાં તેનો વધારો થતો રહેવાથી અસમતુલા સર્જાય છે. શહેરોમાં પણ નબળી આંતરમાળખાકીય સવલતો, ટ્રાફિકની સમસ્યા, ગેરકાયદેસર બાંધકામો અને પ્રદૂષણ જેવાં દુષણોને કારણે જીવન જીવવું મુશ્કેલ હોય છે તેમાં વધારો થાય છે. બેરોજગારી ગ્રામીણ હોય કે શહેરી, માનવજીવન પર તેની અસરો વિકરાળ બની રહે છે. કાશ્મીરની જ વાત કરીએ તો બેરોજગારીના કારણે જ યુવાવર્ગને સરળતાથી ત્રાસવાદના હાથમાં રમકડું બની જવામાં જરા પણ સમય લાગ્યો નહિ અને પૃથ્વી પરનું સ્વર્ગ કાશ્મીર આતંકની ખીણ બની ગયું હતું. આર્થિક અસમતુલાની વિકટ સમસ્યા અને યુવાન હાથો પાસે કામ ન હોય ત્યારે ધીરેધીરે ‘ખાલી દિમાગ શૈતાન કા ઘર’ના ન્યાયે આ યુવાધન હિંસક આંદોલનો, તોડફોડની પ્રવૃત્તિ અથવા અસામાજિક કે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ તરફ પણ વળી જાય છે.
બેરોજગારી માટે શિક્ષણના વ્યાપ ઉપરાંત, અન્ય મહત્ત્વનું પરિબળ ટેકનોલોજીને પણ ગણાવી શકાય. આગામી સમયમાં વિશ્વમાં જે નીતનવી ટેકનોલોજીનો વિસ્ફોટ થઈ રહેવાનો છે તે પણ બેરોજગારીમાં એક રીતે ઉમેરો કરશે. સામાન્ય કામકાજ માટે પણ માનવશક્તિના બદલે યંત્રમાનવો કામે લાગશે તો શું થશે? એક વાત તો સાચી છે કે ટેકનોલોજી સુખસુવિધા લાવશે તેની સાથે અન્ય પ્રશ્નો પણ સર્જશે.
