• ફ્યુનરલ પાછળના ખર્ચમાં ૯ ટકાનો વધારો
ઉંચા ભાવો અને ગ્રાહકો માટે પારદર્શિતાના અભાવને લીધે ફ્યુનરલ સેક્ટર પર રેગ્યુલેટર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે તેવા સંજોગોમાં યુકેના કેટલાંક પ્રાંતમાં ગયા વર્ષે ફ્યુનરલ પાછળના ખર્ચમાં ૯ ટકાનો વધારો થયો હતો. ફ્યુનરલાના આયોજન પાછળ વધતો ખર્ચ અને ઓછી આવક ધરાવતા લોકો માટે તે ખર્ચ ઉઠાવવામાં મુશ્કેલીથી કન્ઝ્યુમર કેમ્પેનર્સ અને કોમ્પિટિશન રેગ્યુલેટરમાં ચિંતાની લાગણી છવાઈ હતી.
• સેક્સ માટે સલાહ આપવા બદલ આર્ચબિશપ્સે માફી માગી
સિવિલ પાર્ટનરશીપમાં રહેતા સ્ત્રી-પુરુષોએ જાતીય સુખ માણવું ન જોઈએ તેવી ચર્ચ દ્વારા કરાયેલી જાહેરાતને લીધે ‘વિભાજન અને લાગણી દુભાવવા’ માટે કેન્ટરબરી અને યોર્કના આર્ચબિશપ્સે સંયુક્ત માફી માગી હતી. ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના બે સૌથી સિનિયર પાદરીઓએ સ્વીકાર્યું હતું કે તેમણે સેક્સ સંબંધિત મુદ્દાઓ પર સંવેદનશીલ માર્ગદર્શન મેળવવા ઈચ્છતા લોકોના વિશ્વાસને જોખમમાં મૂક્યો હતો. તેમણે કહ્યું,‘ ખૂબ દિલગીર છીએ.’
• ગ્રોથના અંદાજમાં ફરી કાપથી બ્રેક્ઝિટ બાઉન્સ શક્ય નહીં
૨૦૧૬માં બ્રેક્ઝિટ રેફરન્ડમ થયો ત્યારથી બેંક ઓફ ઈંગ્લેન્ડ યુકેના વિકાસના અંદાજમાં ભારે ઘટાડો દર્શાવતી રહી છે. બેંકે ચેતવણી આપી હતી કે બોરિસ જહોન્સનના ડીલને લીધે બ્રેક્ઝિટની આર્થિક ક્ષમતાને નુક્સાન થશે. ડીલને લીધે ફરી ‘ઉછાળો આવવાના વડા પ્રધાનના દાવાને અવગણતી સંખ્યાબંધ આગાહીઓમાં બેંકે તેની છેલ્લી આગાહીમાં ૨૦૨૨ના અંત સુધીમાં જીડીપીના ૨૦ બિલિયન પાઉન્ડનો ઘટાડો દર્શાવીને આ દાયકામાં વિકાસ સૌથી ધીમો રહેશે તેમ જણાવ્યું હતું. બેંકે દાવો કર્યો હતો કે યુરોપિયન યુનિયન સાથે આ વર્ષના અંત સુધીમાં તાકીદે ફ્રી-ટ્રેડ ડીલ કરવાની સરકારની યોજનાને લીધે ગ્રોથ પર અસર પડશે.
• દુષ્કર્મના પ્રોસિક્યુશન્સમાં ભારે ઘટાડાને પગલે તપાસની માગ
ગુનાઈત આરોપો તરફ દોરી જતા દુષ્કર્મના કેસોની સંખ્યામાં થયેલા ભારે ઘટાડાને પગલે વિક્ટિમ્સ કમિશનર ફોર ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ડેમ વેરા બાયર્ડે તપાસની માગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દુષ્કર્મનો ભોગ બનેલા પીડિતોમાં ન્યાય પદ્ધતિ પ્રત્યે ‘વિશ્વાસની અછત’ છે. આરોપો લાગૂ પાડી શકાય કે કેમ તે બાબતને લગતા નિર્ણય લેવા માટે પ્રોસિક્યુટર્સને સોંપાતા કેસોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું CPS દ્વારા જણાવાતા તેમણે એટર્ની જનરલને લેખિતમાં જાણ કરીને તેમની પાસે ખૂલાસો માગ્યો હતો. પ્રોસિક્યુશનમાં પરિણમતા કેસોમાં પણ ૨૬ ટકાનો ઘટાડો જ્યારે દુષ્કર્મ માટે ગુનેગાર ઠેરવાતા કેસોમાં ગયા વર્ષે લગભગ ૨૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
• સગીરા પર દુષ્કર્મ આચરનાર દેશનિકાલ કરાયો
રોચડેલમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર અને કેસની ટ્રાયલ વચ્ચે વિદેશ ભાગી જનારા ૪૨ વર્ષીય ચૌધરી ઈખલાક હુસૈનને પાકિસ્તાનમાંથી દેશનિકાલ કરાયો હતો. જજે તેને યુકેમાં એક સંબંધીની અંતિમક્રિયામાં ભાગ લેવા જવાની પરવાનગી આપી હતી. પરંતુ, તે ત્યાં જવાને બદલે પાકિસ્તાન ભાગી ગયો હતો. તેની ગેરહાજરીમાં તેને દોષી ઠેરવાયો હતો અને ૧૯ વર્ષની કેદની સજા ફરમાવાઈ હતી.
• મેટ પોલીસ ફેસિયલ રેકગ્નિશનનો ઉપયોગ કરશે
લોકોની પ્રાઈવસી પર તરાપ મારતી અને ઘણી વખત અચોક્સ રહેતી બાયોમેટ્રિક ટેક્નોલોજી વિશે સાંસદો, રેગ્યુલેટર્સ અને હ્યુમન રાઈટ્સ ગ્રૂપ્સ દ્વારા વ્યક્ત કરાયેલી ચિંતાને અવગણીને લંડન પોલીસ શહેરની સ્ટ્રીટ્સ પર લાઈવ ફેસિયલ રેકગ્નિશનનો ઉપયોગ શરૂ કરશે.
• Bet365ના બોસને સૌથી વધુ રકમનું ટેક્સ બિલ
બ્રિટનની સૌથી મોટી બેટીંગ વેબસાઈટ પૈકીની એક એવી Bet365ના સ્થાપક અને જોઈન્ટ ચીફ એક્ઝિક્યુટિવ ડેનિસ કોટેસને ગયા વર્ષે દેશભરમાં સૌથી મોટી રકમનું ટેક્સ બિલ અપાયું હતું. સન્ડે ટાઈમ્સના ટેક્સ લિસ્ટ મુજબ ગયા વર્ષે તેમના માથે ૨૭૬ મિલિયન પાઉન્ડ ટેક્સ ચૂકવવાની જવાબદારી હતી.
• સગર્ભાવસ્થામાં થોડા આલ્કોહોલથી પણ બાળકને નુક્સાન
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાએ આલ્કોહોલ લેવાનું ટાળવું જોઈએ તેવી NHSની સલાહ સાચી છે. કારણ કે ગર્ભવતી મહિલા થોડા પ્રમાણમાં પણ આલ્કોહોલનું સેવન કરે તો તેનાથી બાળકના મગજની વિચારવાની કામગીરી ઘટી શકે તેમ અભ્યાસમાં જણાયું હતું. સંશોધકોએ ગર્ભાવસ્થા દરમિયાન આલ્કોહોલની ઉદરમાં રહેલા બાળક પર થતી અસર વિશે ૨૩ અભ્યાસની સમીક્ષા કરી હતી.
