વડીલો સહિત સર્વે વાચકમિત્રો,
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના નિયમિત વાચક તરીકે તમે કદાચ નોંધ લીધી જ હશે કે હું બ્રિટિશ રાજાશાહીનો ચુસ્ત સમર્થક છું અને રાષ્ટ્રના ઉત્કૃષ્ટ વડા તરીકે હર મેજેસ્ટી ધ ક્વીન એલિઝાબેથ દ્વિતીય પ્રત્યે વિશેષ આદર ધરાવું છું. આજે વિશ્વમાં સૌથી દીર્ઘ શાસન કરનારાં વડા તરીકેનું સ્થાન એમ ને એમ તો પ્રાપ્ત થયું નથી. છ દાયકાથી વધુ સમયગાળામાં યુકે સમક્ષના વિવિધ પડકારો સમયે તેમણે વિલક્ષણ ઊંડાઈના ચારિત્ર્યનું દર્શન કરાવ્યું છે. તેમના ઉચ્ચારણો અને કાર્યો કોઈ પણ વ્યક્તિને તેમના શાસન હેઠળ જીવવાનું ગૌરવ કરાવે તે સ્વાભાવિક છે.
ઈંગ્લેન્ડમાં વર્ષ ૧૯૭૯માં નેશનલ ફ્રન્ટ જેવાં જમણેરી જૂથોનો ઉદય થયો હતો. નાઝી માનસિકતા સાથેનાં આવાં રાજકીય જૂથોનો પ્રભાવ વધી રહ્યો હતો. આમ છતાં, નામદાર મહારાણીએ તેમના ક્રિસમસ સંદેશામાં એક મિનિટથી ઓછાં સમયમાં બ્રિટિશ મૂલ્યો, પરંપરાઓ, સમાવેશિતા અને વૈવિધ્યતાને સમર્થન આપીને શ્વેત કટ્ટરવાદી જૂથોનો પરપોટો ફોડી નાખ્યો હતો. બીજી તરફ, નામદાર મહારાણીએ ઘણાં ચડાવઉતાર પણ નિહાળ્યાં છે, જે તેમના તાજેતરના ક્રિસમસ સંદેશામાં જોઈ શકાય છે જેમાં તેઓએ ઉબડ-ખાબડ માર્ગનો સંકેત-ઉલ્લેખ કર્યો હતો. ઈશ્વર એવા કોઈ પણ પરિવારના મોભીને મદદ કરે જેમને તેમના બહેન, સંતાન અથવા ગ્રાન્ડચિલ્ડ્રનને અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય. તદ્દન નજીકની વાત કરીએ તો, હેરી અને મેગનને સાંકળતા પ્રકરણમાં પરદાદીના શાણપણ અને સહિષ્ણુતાનો જ પરિચય થાય છે જેમણે મુશ્કેલીમાંથી બહાર નીકળવા સર્વને સ્વીકાર્ય માર્ગ કંડારી આપ્યો. મને ખાતરી છે કે આપણે આવા મહાન દેશમાં રહેવાનું સૌભાગ્ય ધરાવીએ છે તે બાબતે આપ સર્વ ચોક્કસ સહમત થશો.
સંપ્રભુતાની વિનમ્રતાસહ પુનઃપ્રાપ્તિ
હવે આપણે યુકેના સાર્વભૌમત્વને પુનઃ પ્રાપ્ત કરવા સંદર્ભે વાત કરીએ, જેનો દાવો હાઉસ ઓફ કોમન્સમાં ૮૦ મતની બહુમતી મેળવીને શાસનધૂરા સંભાળી રહેલા વડા પ્રધાન બોરિસ જ્હોન્સન, ડોમિનિક કમિંગ્સ તેમજ અન્ય પ્રવક્તાઓ કરી રહ્યા છે. હું ખરેખર ચિંતિત છું અને થોડા અંશે શંકાશીલ પણ છું. મારે તો પ્રાઈમ મિનિસ્ટર અને તેમની મંડળીને એટલું જ કહેવાનું છે, મહેરબાની કરી તમે જેનું પાલન કરી શકો તેમ ન હો તેવાં વચનો ન આપશો. તમને પ્રસિદ્ધ કવિતા ‘The Patriot’ યાદ છે? જ્યારે બધુ સુખરુપ હશે, ઉત્સાહની ભરતી હશે ત્યારે લોકો તમને ખભા પર બેસાડીને ચાલશે. પરંતુ, જ્યારે ઓટ આવશે ત્યારે આ જ લોકો તમને સત્તા પરથી ફેંકી દેતા જરા પણ ખચકાશે નહિ.
અત્યારે તો આપણે, સંમત બ્રેક્ઝિટ વિચ્છેદની પ્રસવપીડાના પ્રથમ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. આખરી ડાયવોર્સ પર હસ્તાક્ષર થાય, સીલ વાગે અને કાર્ય પરિપૂર્ણ થાય તે અગાઉ લાંબુ અંતર કાપવાનું છે અને અગણિત અવરોધો વટાવવાના છે. આપ સૌ જેવાં ઘણા લોકોની માફક હું પણ આપણા નેતાઓ ભાવિ પડકારોની લગામ પોતાને હસ્તક રાખે તેવી ઈચ્છા રાખું છું. તેઓ કદાચ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે ભારતીય નેતાઓના શબ્દો અને કાર્યોમાંથી કોઈ પ્રેરણા મેળવી શકે. સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનું ‘'Tryst with Destiny’- નિયતિ સાથે મિલન- રાષ્ટ્રને સંબોધન વૈશ્વિક ઈતિહાસનો ચિરસ્મરણીય હિસ્સો બની રહ્યું છે.
આ રીતે સંબોધનનો આરંભ થાય છે, ‘આપણે નિયતિને મળવાનું એક વચન આપ્યું હતું અને હવે એ સમય આવી ગયો છે કે આપણે તે વચનને નિભાવીએ, સંપૂર્ણપણે નહિ તો થોડા અંશે પણ. આજે મધરાતના ટકોરે, જ્યારે આખી દુનિયા નિદ્રાધીન હશે ત્યારે ભારત જીવન અને સ્વતંત્રતાના નવીન પ્રભાતની સાથે જાગ્રત થશે. ઈતિહાસમાં આવી પળો ઘણી ઓછી આવે છે જ્યારે આપણે પુરાણાને છોડી નવા તરફ પ્રયાણ કરીએ છીએ, જ્યારે એક યુગનો અંત આવે છે અને જ્યારે વર્ષોથી શોષિત એક રાષ્ટ્રનો આત્મા પોતાનો અવાજ પાછો મેળવે છે.’ આપણે બધા જાણીએ છીએ કે પંડિત નેહરુ મહાત્મા ગાંધીની પસંદગીના નેતા હતા. મહાત્માનું નામ લીધા વિના પણ નેહરુએ સંબોધનમાં તેમનો ઉલ્લેખ એવી રીતે કર્યો છે જે દેશના સાર્વભૌમત્વની લાંબી લડાઈમાં ગુંજતો રહ્યો હતો.
તેમણે કહ્યું હતું, ‘આપણી પેઢીના મહાનતમ વ્યક્તિની એ જ આકાંક્ષા રહી છે કે પ્રત્યેક આંખનાં અશ્રુ લૂછાય. આપણા માટે કદાચ તે સંભવ થઈ ન શકે પરંતુ, જ્યાં સુધી લોકોની આંખોમાં અશ્રુ છે અને તેઓ પીડિત-વ્યથિત છે ત્યાં સુધી આપણું કાર્ય ખતમ નહિ થાય’.
‘આ દિવસે આપણે સર્વપ્રથમ નમન આ આઝાદીના શિલ્પી, આપણા રાષ્ટ્રપિતા, જેઓ ભારતના પુરાતન આત્માનું પ્રતીક છે, જેમણે આઝાદીની મશાલ ઉઠાવી અને આપણી આસપાસ પથરાયેલા અંધકારમાં પ્રકાશ પાર્થર્યો, તેમને કરીએ છીએ.’ હકીકત એ છે કે જ્યારે પંડિત નેહરુ મહાત્માને ભવ્ય અંજલિઓ અર્પી રહ્યા હતા ત્યારે એ ઓલિયો ફકીર પોતે દિલ્હીમાં હાજર જ ન હતો. ગાંધી તે સમયે કોમી રમખાણોથી ઘેરાયેલા નોઆખલીમાં શાંતિ સ્થાપવા પહોંચી ગયા હતા.
નેહરુએ વિભાજનથી અલગ પડેલા તમામ લોકોને પણ અંજલિ આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આપણે આપણા એ ભાઈઓ અને બહેનો માટે પણ ચિંતિત છીએ જેઓ રાજનીતિક સરહદોનાં કારણે આપણાથી અલગ થયાં છે અને આપણને પ્રાપ્ત સ્વતંત્રતામાં દુર્ભાગ્યવશ સહભાગી બની શકતા નથી. ગમે તે થઈ જાય, તેઓ આપણા જ છે અને આપણા જ રહેશે. આપણે તેમના સારા કે નરસા સમયમાં એકસમાન સહભાગી બની રહીશું.’
મેં તમને કદાચ આ સરખામણીથી ગૂંચવી નાખ્યા છે. ભલા, ‘Tryst with Destiny’ને બ્રેક્ઝિટ સાથે સરખાવવાનો શું મતલબ?
ચાલો, હું જરા ખુલાસો કરું.
હું આ લખી રહ્યો છું તે ૩ ફેબ્રુઆરીનો દિવસ છે અને ૩૧ જાન્યુઆરી પછીના ટુંકા સમયગાળામાં ઘણુ બધુ થઈ ગયું છે. મેં વીકએન્ડમાં જ એક રિપોર્ટ વાંચ્યો જેમાં જણાવાયું હતું કે ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે યુકેના પ્રતિનિધિઓને એવો સંદેશો પાઠવ્યો હતો કે તેમણે શુક્રવારના બ્રેક્ઝિટ પછી આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં યુરોપીય રાષ્ટ્રોના પ્રતિનિધિઓથી અલગ બેસવું જોઈએ. આવાં સૂચન તદ્દન બાલિશ તેમજ સાચા નેતાઓ માટે યોગ્ય ન જ કહેવાય. નિખાલસતાથી કહું તો, તેનાથી મને ભારે દુઃખ થયું છે. સાચી વાત છે કે બ્રિટન યુરોપિયન યુનિયનથી સત્તાવારપણે અલગ થયું છે. પરંતુ, આપણી સમક્ષ વિકટ અને પીડાદાયી વિચ્છેદનો ભાવિ માર્ગ છે, જેના માટે આપણામાંથી કોઈ સંપૂર્ણપણે તૈયાર ન હતા, ઓછામાં ઓછું વર્તમાન ક્ષણે તો નહિ જ.
આ તો માત્ર આરંભ છે, અંત નહિ
સંપૂર્ણ વિચ્છેદ તો હવે આવશે, જે વધુ પીડાકારી, સમય નષ્ટ કરનારો અને તણાવપૂર્ણ હશે. હવે બહુપક્ષી વેપાર મંત્રણાઓ કરવાની થશે, માત્ર ઈયુ સભ્યો સાથે નહિ, અન્ય ઘણા દેશો સાથે પણ થશે. BoJo –બોજો અને તેમની ટીમે એ વાત પણ સમજવાની આવશ્યકતા છે કે યુકે હવે એકલું-અટુલું ખડું છે. તે જ્યારે ૨૮ દેશોની ક્લબનું સભ્ય હતું તેની સરખામણીએ હવે આગળ વધવાનું ઘણું અલગ અને કઠિન જ રહેશે.
યુકે ઈયુથી બહાર આવ્યાની ક્ષણો પછી આંસુ પાડતા દેખાયેલા બ્રેક્ઝિટ ‘માસ્ટરમાઈન્ડ’ ડોમિનિક કમિંગ્સ વિશેના એક રિપોર્ટે મને વધુ ડરાવ્યો છે. હું ગત થોડા મહિનાઓમાં ‘સત્તા ફરી હસ્તગત કરો’ અને ‘બ્રેક્ઝિટ પૂર્ણ કરો’ જેવાં શબ્દગુચ્છ સાંભળતો આવ્યો છું. કોઈને પણ આશ્ચર્ય થઈ શકે કે બ્રિટિશ નેતાઓને આટલી બધી ઉતાવળ શા માટે છે. એક સ્વાહિલી કહેવત છે ‘Haraka Haraka Haina Baraka.’ આનો અર્થ એવો છે કે અતિશય ઉતાવળ કદી સારાં પરિણામો લાવતી નથી. આપણી માતૃભાષામાં કહીએ તો, ‘ઉતાવળે આંબા ન પાકે.’ આખરે, રોમ પણ ક્યાં એક દિવસમાં બંધાયું હતું?
આગળ કેવી મુશ્કેલીઓ રહેલી છે તે સમજાવવામાં બોરિસ નિષ્ફળ રહ્યા છે. આખરે ઉત્તર તો કમિંગ્સે નહિ પરંતુ, બોરિસે જ આપવાનો રહેશે કારણકે આ ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં રહેલી વ્યક્તિ તેઓ જ હતા અને કશું પણ ખોટું થશે તો તેની સમગ્રતયા જવાબદારી તેમના શિરે જ આવશે. આ જોખમ ઘણું મોટું છે. ‘બોજો’ યુવાનીકાળથી ભારે મહત્ત્વાકાંક્ષી રહ્યા છે જ્યારે, તેમણે વડા પ્રધાન બનવાની મનોકામના સેવી હતી. જો તેઓ રમતના બધા પાસા બરાબર રમી શકશે તો થોડા ઘણા અંશે વિન્સ્ટન ચર્ચિલની માફક જ ઈતિહાસમાં સફળ વડા પ્રધાન તરીકે સ્થાન અંકિત કરી જશે. પરંતુ, એક નાનકડી ભૂલ તેમને હંમેશાં બદનામીની ગર્તામાં ધકેલી દેશે.
ફ્રેન્ચ પ્રેસિડેન્ટ ઈમાન્યુએલ મેક્રોંએ બ્રેક્ઝિટની ૩૧ જાન્યુઆરીએ પ્રેરણાદાયી પ્રવચન કર્યું હતું. તેમણે યુકેને યાદ અપાવી કે તે કદાચ ઈયુને છોડી રહ્યું હશે પરંતુ, યુરોપની બહાર જઈ શકશે નહિ. યુકે હજારો વર્ષથી યુરોપનો હિસ્સો બની રહ્યું છે. તે કદાચ ૨૨ માઈલ લાંબી ઈંગ્લિશ ચેનલથી અલગ પડ્યું હશે પરંતુ, તેથી શું? ‘બોજો’એ લાંબા ગાળાની અસરો તેમજ ગુણ-દોષ કે લાભ અને ગેરલાભ વિચારવા જોઈશે.
આશાવાદ અને અફસોસનું સંમિશ્રણ
એન્ટ્રેપ્રીન્યોર્સ માટે ટેક્સેશન પોલિસી જાહેર કરવા બાબત બ્રિટિશ ચાન્સેલર સાજિદ જાવિદ સમાચારોના મથાળામાં ચમકી રહ્યા છે. જોકે, તેમણે પોતાના શબ્દો પાછા ખેંચી લેવામાં શાણપણ જોયું અને આમ કરવામાં પણ કેટલાકની ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. જ્યારે તમે અતિ ઉત્સાહી મિજાજમાં હો ત્યારે કેટલાક પગલાં એવા ભરાઈ જાય છે કે તેના કારણે વિપરીત પ્રત્યાઘાતોનો સામનો કરવો પડે છે. હવે આ સમય જાગી જવાનો છે, તમે એકલા ન પડી જાઓ તેનું ધ્યાન રાખી તદ્નુસાર યોજનાઓ ઘડવાનો છે. આપણી સમક્ષના કાર્યો અને પડકારો અતિ વિશાળ છે અને હું નિષ્ઠાપૂર્વક આશા રાખું છું કે બ્રિટિશ સરકાર આમ જ કરી રહી છે.
રાષ્ટ્રનો અંતરાત્મા
પ્રિય વાચકો,
ભારતીય સભ્યતા તો હજારો વર્ષથી પણ વધુ પ્રાચીન છે અને સનાતન ધર્મની ધરીની આસપાસ તેનો વિકાસ થયો છે. આધુનિક હિન્દુ ધર્મ નામકરણ તો માત્ર ૧૨૦૦ વર્ષ જૂનું જ છે. મારે તાજેતરમાં જ અત્યંત સફળતાને પ્રાપ્ત પુસ્તકોના જાણીતા લેખક અમીશ ત્રિપાઠી સાથે આનંદપૂર્ણ મુલાકાત થઈ. તેમણે શ્રેણીબદ્ધ પુસ્તકો લખ્યા છે જેમાનું પહેલું ભગવાન શ્રી રામ વિશે છે.
૧૯૭૪માં જન્મેલા ત્રિપાઠી IIM-કોલકાતાના પૂર્વ વિદ્યાર્થી છે અને તેમણે ૧૫ વર્ષ સુધી બેન્કર તરીકે કામ કર્યું છે. હાલ તેઓ લંડનમાં નહેરુ સેન્ટરના ડાયરેક્ટર છે. તેમણે પ્રથમ પુસ્તક ૨૦૧૫માં પ્રસિદ્ધ કર્યું હતુ અને તેની ૫૦ લાખ નકલો વેચાઈ ગઈ છે.
દીર્ઘ કાલખંડોના અંતે સનાતન ધર્મ એક જીવનશૈલી સ્વરુપે વિકસ્યો છે. આ ધાર્મિક નહિ પરંતુ, આધ્યાત્મિક વધુ છે. હું એ બાબત પ્રતિ ધ્યાન દોરવા માગું છું કે વેદ અને ઉપનિષદોમાં કોઈ ઈશ્વરનો નામોલ્લેખ કરાયો નથી. આના બદલે તેમાં મૂલ્યો અને ચારિત્ર્યને મહત્ત્વ અપાયું છે. આ પછી પુરાણો અને રામાયણ- વાલ્મિકી રામાયણ અને તેના પછી હિન્દી ભોજપૂરી ભાષામાં લખાયેલાં તુલસીકૃત રામાયણનું સર્જન થયું. રામાયણમાં તમામનો આદર કરતા અને નૈતિકતાના ઉચ્ચતમ માપદંડોને અનુસરતા દેવ મર્યાદા પુરુષોત્તમ રામનું મહિમાગાન કરાયું છે.
આ જ પ્રમાણે હિન્દુઓ દ્વારા ભગવાન કૃષ્ણને પણ સર્વત્ર પરમ પૂજનીય ગણવામાં આવે છે. રામાયણમાં ૩૪૦૦ વર્ષ BCE માં ભગવાન રામના જીવન અને અવસ્થાઓનું વર્ણન કરાયું છે. રામ પછી કૃષ્ણ આવે છે જેમની જીવનકથા મહાભારતમાં જોવાં મળે છે. આજે વિશ્વની સર્વશ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થાઓમાં પણ મેનેજમેન્ટ ગાઈડ- વ્યવસ્થાપન માર્ગદર્શિકા તરીકે મહાભારત શીખવવામાં આવે છે. ગીતાનો ગ્રંથ વિશેષ મહત્ત્વનો છે જે શ્રીમદ્ ભાગવતનો હિસ્સો છે અને તે પણ મહાભારતનો હિસ્સો છે.
સનાતન ધર્મનો બુનિયાદી સિદ્ધાંત છે-એક ઈશ્વર, અનેક નામ. સમગ્ર વિશ્વમાં ગત સપ્તાહે જ ૩૦ જાન્યુઆરીએ મહાત્મા ગાંધીના નિર્વાણદિન-શહીદ દિવસ નિમિત્તે અને મહામાનવના જન્મના ૧૫૦ વર્ષની ઉજવણીમાં પ્રાર્થનાઓ યોજાઈ હતી. ચીન, જાપાન, મિડલ ઈસ્ટ અને અન્યત્ર સહિત દરેક સ્થળે બે પ્રાર્થનાગીત અવશ્ય સાંભળવા મળ્યા હતા. તેમાંથી એક ૫૦૦ વર્ષ અગાઉ જૂનાગઢમાં જન્મેલા ભક્તકવિ નરસિંહ મહેતા લિખિત અદ્ભૂત ગુજરાતી પ્રાર્થના ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ..’ છે. તેમાં ‘ઉત્કૃષ્ટ આત્મા’નું વર્ણન કરવામાં આવ્યું છે. બીજું પ્રાર્થનાગીત ‘રઘુપતિ રાઘવ રાજા રામ..’ છે, જેમાં એક સુંદર અને ભાવવાહી પંક્તિ છે, ‘ઈશ્વર અલ્લા, તેરો નામ..’
મોટા ભાગના હિન્દુ મંદિરોમાં જરા પણ ખચકાટ વિના આ વાક્ય-પંક્તિ ગવાય છે, ઉચ્ચારાય છે. આ જ તો સનાતન ધર્મનું સારતત્વ છે. તે તમામ સજીવ અને નિર્જીવ વસ્તુઓ સાથે સંબંધ ધરાવે છે પરંતુ, સૌથી મહત્ત્વની બાબત એ છે કે તે સહિષ્ણુતા અને આદર પર ભાર મૂકે છે. અને સહિષ્ણુતા તો પારસ્પરિક છે. આખરે તો એક હાથને ધોવા બીજા હાથની જરૂર રહે જ છે. અમીશ ત્રિપાઠી દ્વારા લિખિત પુસ્તકો યુગો પ્રાચીન સનાતન મૂલ્યોના વાસ્તવિક સંદેશાઓનું ચિત્રણ કરે છે.
હવે તો ભારત અદ્ભૂત વિશ્વવ્યાપી ઘટના છે. આનું એક માત્ર કારણ એ નથી કે ૩૧ મિલિયન મૂળ ભારતીયો ઘણા દેશોમાં રહે છે અને તેના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપે છે. પરંતુ, ભારતનો સોફ્ટ પાવર તો તેના અહિંસા, શાંતિમય સહ અસ્તિત્વના સિદ્ધાંતો, યોગ, સંગીત, શાકાહાર તેમજ આ તમામની આસપાસની બાબતો પ્રત્યે સન્માન-આદરની ભાવના પણ છે. આજે આપણે જે પણ નિહાળી રહ્યા છીએ તેનું અસ્તિત્વ મુખ્યત્વે ૧૯૪૭ના સ્વાતંત્ર્યના તેજોમય પ્રભાતના કારણે છે. મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ભારતના નેતાઓએ દેશના અંતરાત્માને સર્વસ્વીકૃત સુંદર ઘાટ આપ્યો હતો.
સંસદનું સાર્વભૌમત્વ અતિ પવિત્ર છે
વર્તમાનકાળમાં ધ સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) ભારતીય અને વૈશ્વિક સમાચાર માધ્યમોમાં સૌથી વધુ પ્રકાશિત અહેવાલો છે. મેં બુરખાધારી મુસ્લિમ મહિલાઓને CAAનો વિરોધ કરતાં અને તેને ‘હિન્દુ રાષ્ટ્રવાદના આવરણ’ તરીકે ગણાવતાં નિહાળી છે. ભારતમાં તેમજ વિદેશમાં અન્ય હજારો લોકોની માફક આ મહિલાઓ તથા અન્ય વિરોધકારો ગેરમાર્ગે દોરાયેલાં હોવાનું જણાય છે. વાસ્તવમાં CAA માં ભારતના કોઈ પણ નાગરિકની વિરુદ્ધ હોય તેવા કોઈ કાનૂની મુદ્દાઓ નથી. તેમાં માત્ર ત્રણ પડોશી દેશોમાં લઘુમતી કોમ્યુનિટીઓના નિર્વાસિતો વિશે જ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કોઈ ઈસ્લામિક દેશમાં મુસ્લિમ સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર થતો હોવાનું શક્ય જણાય છે ખરું?
ધ સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA)ને સંસદના લોકસભા અને રાજ્યસભા અને ગૃહમાં પસાર કરી દેવાયો છે. સરકારનું આ પગલું બંધારણની મર્યાદામાં રહીને લેવાયું છે અને જ્યારે કાયદાનું ઉલ્લંઘન કરવા આ રીતે સુયોજિત શેરીવિરોધો કરવામાં આવે છે ત્યારે ભારતીય મૂળ હોય કે અન્ય પ્રદેશમાં દૂરદર્શી માનવીઓ હોય તેમને આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. શા માટે આવાં વિરોધોનું આયોજન કરાય છે? સંસદના સાર્વભૌમત્વનો શા માટે અનાદર થઈ રહ્યો છે? આ આપણને ક્યાં દોરી જશે? નિઃશંકપણે આ લોકતંત્રીય માપદંડોનો ઉપહાસ જ છે.
રાહુલ ગાંધીની નેતાગીરી હેઠળની કોંગ્રેસ પાર્ટી જે રીતે કાગારોળ મચાવી રહી છે તેનાથી તો આખી બાબત વણસી ગઈ છે. તેઓ ભારતના ચીરકાલીન પોતને જ મોટું નુકસાન કરી રહ્યા છે. ચિંતાની વાત તો એ પણ છે કે વિરોધકારો બાળકોને પણ આવા દેખાવોમાં લઈ આવે છે, જેના પરિણામે તેમનું ગંભીર બ્રેઈનવોશિંગ થઈ શકે છે, જે ભવિષ્યમાં વધુ હિંસા અને તિરસ્કાર-ઘૃણાને ઉશ્કેરી શકે છે. આપણે એ પણ ન ભુલીએ કે આવા તર્કહીન અને ભારે વિભાજનકારી આંદોલનોના કારણે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય સર્જાયું છે.
રાહુલ ગાંધીએ તો અનેક વખત જાહેરમાં કહ્યું છે કે ગોડસે અને મોદીની માનસિકતા એકસમાન જ છે. નેહરુ-ગાંધી પરિવારના વારસદારો આવા ગેરમાર્ગે દોરનારા, ઉશ્કેરણીજનક અને અપમાનકારી શબ્દો કેવી રીતે ઉચ્ચારી શકે? હું સ્પષ્ટ રીતે માનું છું કે ભારત તેના તમામ વિરોધાભાસો હોવા છતાં વિશિષ્ટ જીવનશૈલી ધરાવતું એક રાષ્ટ્ર બની રહ્યું છે અને તમામ વૈવિધ્યતાની સાથે જ તે શાંતિચાહક દેશ છે. આપણે ભારતમાં રહેતા હોઈએ કે વિદેશમાં કે આપણે ભારતીય મૂળના હોઈએ, કેવું વર્તન કરવું તે આપણા જ હાથમાં છે. આપણે આપણા વર્તન બાબતે વિશેષ કાળજી રાખવી જ જોઈએ.
ભારતીય મૂલ્યો પેઢીઓથી પડકારોની સામે, તે ભલે આક્રમણો હોય, સંસ્થાનવાદ હોય કે યુદ્ધો હોય, અડીખમ ખડા રહ્યા છે. ભારતમાં જ એવું કશું છે જે તેને અસ્તિત્વ જાળવી રાખવા અને માનવજીવન અને માનવતા નિભાવવામાં મદદ કરે છે. આથી, ઉર્દુ શાયર ઈકબાલે પણ કહ્યું છે કે,‘ યુનાન, મિસ્ર, રોમ, સબ મિટ ગયે જહાં સે, કુછ બાત હૈ કી હસ્તી મીટતી નહિ હમારી’
(એશિયન વોઈસમાં પ્રકાશિત ‘AS I SEE IT’ કોલમનો ભાવાનુવાદ)

