કિન્હાસાઃ ૨૦ વર્ષ ચાલેલા નિર્દયી યુદ્ધમાં હેવાનિયત ગુજાર્યાનો આરોપ લગાવીને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) યુગાન્ડા પાસેથી વળતર પેટે ૬ બિલિયનથી ૧૦ બિલિયન ડોલરનો દાવો કરી રહ્યું છે. UNની સર્વોચ્ચ કોર્ટમાં આ આરોપ મૂકાયો હતો. યુગાન્ડાએ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) ને જણાવ્યું હતું કે ૧૯૮૩થી ૨૦૦૩ સુધી ચાલેલા યુદ્ધની યાતના અપ્રમાણસર હતી અને તેને પણ નુક્સાન થયું હતું.
૨૦૦૫માં ICJએ ચૂકાદો આપ્યો હતો કે યુધ્ધ દરમિયાન DRCના વિસ્તારમાં પ્રવેશવા બદલ યુગાન્ડાએ તેને વળતર ચૂકવવું પડશે. આ યુદ્ધમાં ૩ મિલિયન લોકો માર્યા ગયા હતા. DRCએ ૨૦૧૫માં નવી અરજી દાખલ કરીને આ કેસ ફરી ખોલવા અને વાટાઘાટો નિષ્ફળ રહી હોવાથી વળતર વિશે નિર્ણય લેવા કોર્ટને અનુરોધ કર્યો હતો.
હેગ ખાતે આવેલી કોર્ટમાં ગયા મંગળવારે સુનાવણી દરમિયાન યુગાન્ડાના એટર્ની જનરલ વિલિયમ બ્યારુહાન્ગાએ DR કોંગોની 'આશ્ચર્યજનક' માગણીઓને નકારી કાઢી હતી. તેમણે જણાવ્યું કે યુગાન્ડાને તેમની માગણી પાયાવિહોણી અને ખૂબ વધુ પડતી જણાઈ હતી. તેમણે ઉમેર્યું કે DRCએ તેની માગણી ૨૩.૫ બિલિયન ડોલર હતી તે ઘટાડીને ૧૩.૫ બિલિયન ડોલર કરી હતી. આ ધરખમ ઘટાડો જ DRCના દાવા વાસ્તવિક ન હોવાનું સૂચવે છે.
DRCના લીગલ એજન્ટ પૌલ – ક્રિસ્પિન કાખોઝી બીન – બુલોન્ગોએ કોર્ટને જણાવ્યું કે યુગાન્ડાએ કરેલી સશસ્ત્ર અથડામણ ખૂબ મોટા પાયાની હતી. તે દરમિયાન ભારે હેવાનિયત થઈ હતી અને માનવ અધિકારના ઘણાં ગંભીર ભંગ થયા હતા. DRCના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ યુગાન્ડા પાસેથી વળતર પેટે ૬ બિલિયનથી ૧૦ બિલિયન ડોલર માગશે.