લોસ એન્જલ્સઃ કોરોનાના પ્રકોપ વચ્ચે પણ રવિવારે રાત્રે અમેરિકાના લોસ એન્જલ્સમાં બે લોકેશનથી જોડાઇને હોલિવૂડ સ્ટાર્સે સૌથી મોટો એવોર્ડ સમારોહ માણ્યો હતો. ૯૩મા ઓસ્કાર એવોર્ડમાં બ્લેકબોટમ, નોમાડલેન્ડ અને સાઉથ ઓફ મેટલને એવોર્ડ પ્રાપ્ત થયા હતા. એંથની હોપકિન્સને ધ ફાધર માટે બેસ્ટ એક્ટરનો અને ફ્રાન્સિસ મેકડોરમન્ડને નોમાડલેન્ડ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ફિલ્મ નોમાડલેન્ડ બેસ્ટ પિક્ચર સહિત ત્રણ કેટેગરીમાં એવોર્ડ જીતી ગઇ છે.
૮૩ વર્ષના એન્થની હોપકિન્સ બેસ્ટ એક્ટર એવોર્ડ જીતવા સાથે સૌથી વયોવૃદ્ધ એક્ટર બન્યા હતાં. એન રોથે પણ ૮૯ વર્ષની વયે ઓસ્કાર જીતીને ઈતિહાસ રચ્યો છે, સૌથી મોટી વયે ઓસ્કાર જીતનારા પ્રથમ અભિનેત્રી બન્યાં છે. ૭૩ વર્ષના સાઉથ કોરિયન એક્ટ્રેસ યૂહ-જુંગ યૂને પણ ઇતિહાસ રચ્યો છે. આ વર્ષે નેટફ્લિક્સે ૩૬ નોમિનેશન સાથે પોતાનો દબદબો ઊભો કર્યો હતો. નોંધનીય છે કે, કોરોના મહામારી છતાં ઓસ્કાર સેરેમનીના હોસ્ટ, નોમિની, એક્ટ્રેસ અને એક્ટર્સ માસ્ક પહેર્યા વગર સામેલ થયાં હતાં.
ઓસ્કાર ઇન મેમોરિયલ સેક્શનમાં ૨૦૨૦-૨૧માં દુનિયાને અલવિદા કહી ચુકેલાં સ્ટાર્સ ઇરફાન ખાન, ચૈડવીક બોસમેન, સિસલી ટાયસન, ક્રિસ્ટોફર પ્લમરને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
પ્રિયંકાની વ્હાઇટ ટાઇગર એવોર્ડથી વંચિત
એવોર્ડ સમારોહમાં પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસને તેની ફિલ્મ વ્હાઇટ ટાઇગરને એવોર્ડ મળવાની ભરપુર આશા હતી. ૧૫ માર્ચે બન્નેએ ઓસ્કાર નોમિનેશનની યાદી પણ જાહેર કરી હતી જેમાં પ્રિયંકાની ફિલ્મ વ્હાઇટ ટાઇગરનું નામ પણ સામેલ હતું. આ ફિલ્મ બેસ્ટ એડપ્ટેડ સ્ક્રિનપ્લે કેટેગરી માટે નોમિનેટ થઇ હતી. જોકે ધી ફાધર વિજેતા ફિલ્મ જાહેર થઇ ચુકી છે અને વ્હાઇટ ટાઇગર આ એવોર્ડથી વંચિત રહી ગઈ છે.
હોપકિન્સ સૌથી વધુ વયે એવોર્ડ જીતનારા એક્ટર
૮૩મા ઓસ્કાર એવોર્ડ સમારોહમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ ૮૩ વર્ષના એન્થની હોપકિન્સને ફિલ્મ ધી ફાધર માટે મળ્યો છે. તે આ કેટેગરીમાં ઓસ્કાર જીતવાવાળા સૌથી વધારે વયના એક્ટર બની ગયા છે. તેમની પહેલાં ૨૦૧૧માં ક્રિસ્ટોફર પ્લમરે ૮૨ વર્ષની વયે બિગિનર્સ માટે આ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.
યૂઝ-જૂંગ કોરિયાની પ્રથમ ઓસ્કાર વીનર
૭૩ વર્ષનાં સાઉથ કોરિયન એક્ટ્રેસ યૂહ-જૂંગ યૂને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ જીતીને ઈતિહાસ રચી દીધો છે. આ એવોર્ડ જીતનારી તે સાઉથ કોરિયાના પ્રથમ એક્ટ્રેસ છે અને સમગ્ર એશિયાના બીજી એક્ટ્રેસ બન્યાં છે. એશિયાનો પ્રથમ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ ૧૯૫૮માં ફિલ્મ સાયોનારા માટે જાપાની-અમેરિકી એક્ટ્રેસ અને સિંગર મિયોશી ઉમેકીને મળ્યો હતો.