અમેરિકાના હટતા જ અફઘાનિસ્તાન પર ચીનની નજર, પેશાવરથી કાબુલ સુધી મોટર-વે બનાવશે

Wednesday 07th July 2021 07:10 EDT
 
 

કાબુલઃ અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાની વાપસીને ચીન એક મોટી તકના રૂપમાં જોઈ રહ્યું છે. ચીને અફઘાનિસ્તાનમાં તેના વન બેલ્ટ, વન રોડ પ્રોગ્રામના વિસ્તરણની યોજના બનાવી છે, જે અંતર્ગત તે અફઘાનિસ્તાનમાં રૂ. ૪.૬૦ લાખ કરોડનું રોકાણ કરશે. આ યોજના ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી)નો હિસ્સો હશે. તેમાં ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનથી અફઘાનિસ્તાન અને ચીન વચ્ચે એક સીધો કોરિડોર બનાવાશે. તેનાથી ચીનને મધ્ય પૂર્વ, મધ્ય એશિયા અને યુરોપ સુધી વેપાર કરવાનો રસ્તો મળશે.
ચીન પાંચ વર્ષથી અફઘાનિસ્તાનમાં વન બેલ્ટ, વન રોડ યોજનાના વિસ્તરણનું આયોજન કરતું હતું. જોકે, અમેરિકન સૈનિકોની હાજરીના કારણે તે આગળ ના વધ્યું. હવે ચીન અને અફઘાનિસ્તાન સરકાર વચ્ચે વાતચીત શરૂ થઈ છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને ગયા મહિને કબૂલ્યું હતું કે, ચીન અફઘાનિસ્તાન સહિત ત્રીજા પક્ષ સાથે પણ ચર્ચા કરી રહ્યું છે. નોંધનીય છે કે, અમેરિકાએ આ વર્ષે ૧૧ સપ્ટેમ્બર સુધી પોતાના તમામ સૈનિક અફઘાનમાંથી પાછા બોલાવી દેવાનું લક્ષ્ય રાખ્યું છે.
તાલિબાને કંદહાર પર કબજો જમાવ્યો
અફઘાનિસ્તાનમાંથી અમેરિકા દ્વારા સેનાને પાછી ખેંચી લેવાનું શરૂ થતા જ દેશમાં તાલિબાનીઓ દ્વારા જોહુકમી અને અત્યાચાર આચરવાનું શરૂ થઈ ગયું છે. અનેક પ્રાંત આવે છે કે જ્યાં અફઘાન સેના અને તાલિબાનીઓ વચ્ચે કબજો જમાવવા ભીષણ યુદ્ધ ખેલાઈ રહ્યું છે. તાલિબાનીઓ દ્વારા અગાઉ તેમનો ગઢ ગણાતા કંદહારમાં પિંજવાઈ જિલ્લા પર ફરી કબજો જમાવવામાં આવ્યો છે. અહીં પરાજયનો સ્વાદ ચાંખ્યા પછી અફઘાનનાં સૈનિકો તાઝિકિસ્તાન તરફ ભાગી ગયા છે. અફઘાનિસ્તાનનાં ૩૦૦થી વધુ સૈનિકોએ તાઝિકિસ્તાનમાં આશરો મેળવવા પ્રયાસો કર્યા છે તેમને માનવતાનાં ધોરણે આશરો અપાયો હોવાનું જાણવા મળે છે.


comments powered by Disqus