કનેક્ટીકટની મોટેલમાં ૧૦ ડોલરના પૂલ પાસ માટે હોટલ માલિકની હત્યા

Wednesday 07th July 2021 07:50 EDT
 
 

વેર્નોન, કનેક્ટીકટઃ ૨૭ જૂનની બપોરે પડેલી કાળઝાળ ગરમીને લીધે મોટેલના સ્વીમીંગ પૂલનો ઉપયોગ કરવા માટેના પાસની કિંમત બાબતે દલીલ બાદ વેર્નોનની મોટેલ-૬ના ૩૦ વર્ષીય ભારતીય અમેરિકન માલિક ઝેશાન ચૌધરીની ગ્રાહક વોએ ગોળી મારીને હત્યા કરી દીધી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસે સાર્જન્ટ રોબર્ટ મારાએ ઉમેર્યું કે હર્ટફોર્ડના ૩૧ વર્ષીય શકમંદ એલ્વિન વોએ પૂલના ઉપયોગ માટે ૫ ડોલર આપવા કહ્યું હતું. જોકે, ચૌધરીએ તે રકમ લીધી ન હતી. તે પછી બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ચૌધરીએ મોટેલમાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે રહેતા વોને મોટેલ છોડીને જતા રહેવા કહ્યું હતું. પરંતુ, વો સીડી ચડીને ઉપર ગયો હતો અને ગન લઈને નીચે આવ્યો હતો.
મારાએ ઉમેર્યું કે તે પછી ચૌધરીએ તેની ઉશ્કેરણી શરૂ કરી હશે તેવું લાગે છે. વો પાસે ગન હતી તે ચૌધરી જાણતો હતો કે નહીં તેની મને ખબર નથી. ચૌધરી પર કેટલાંક રાઉન્ડ ફાયર કરાયા હતા. ચૌધરીને નજીકની હોસ્પિટલે લઈ જવાતા તેમને મૃત જાહેર કરાયા હતા.
વો નજીકની ઝાડીઓમાં જતો રહ્યો હતો. પરંતુ, તેના સેલફોન પર તેનો સંપર્ક કરાતા તેણે પોલીસને સરેન્ડર કર્યું હતું. ૨૮મી જૂને સુપિરિયર કોર્ટમાં વોના અરેનમેન્ટમાં તેના પર હત્યા, હથિયારનો ગુના માટે ઉપયોગ, પરમીટ વિના હથિયાર રાખવું પૂરાવા સાથે ચેડા વગેરે આરોપો લાગ્યા હતા. વો એક મહિનાથી ગર્લફ્રેન્ડ સાથે મોટેલમાં રહેતો હોવાનું મનાય છે.


comments powered by Disqus