ન્યુ યોર્કઃ ૨૨ જૂને ભારતીય - અમેરિકન વકીલ કિરણ આહુજા યુએસ ઓફિસ ઓફ પર્સનલ મેનેજમેન્ટના વડા તરીકે ખૂબ પાતળી સરસાઈથી કન્ફર્મ થયા હતા. તેમને કન્ફર્મ કરવા માટેના મતદાનમાં સેનેટમાં ૫૧ વિરુદ્ધ ૫૦ મત પડ્યા હતા. ઉપપ્રમુખ કમલા હેરિસે ટાઈ બ્રેકર વોટ આપ્યો હતો. તે સાથે પ્રેસિડેન્ટ જોએ ૧૯૭૯માં સ્થપાયેલી OPMના તેરમા કાયમી ડિરેક્ટર તરીકે કરેલી આહુજાની પસંદગીને સમર્થન મળ્યું હતું. કિરણ આહુજા પણ આ એજન્સીનું નેતૃત્વ કરનારા પ્રથમ સાઉથ એશિયન અમેરિકન બન્યા છે. તેને બાઈડને તેમની કેબિનેટમાં અને સરકારી નેતૃત્વમાં વિવિધ વર્ગના લોકોનો સમાવેશ કરવાના આપેલા વચનના પાલન તરીકે ગણાય છે.
કન્ફર્મેશન દરમિયાન આહુજાએ નબળી કામગીરી કરતા કર્મચારીઓને સરકારી સેવામાંથી છૂટા કરવાના અગાઉના વહીવટીતંત્રે અપનાવેલા અભિગમને બદલે સંઘીય કામગીરી સુધારવાના પગલાં તરીકે કર્મચારીઓને સુધારવા અને મેનેજરોને મદદ કરવા પર ભાર મૂકવાનું વચન આપ્યું હોવાનું 'ફેડરલ ટાઇમ્સ'ના અહેવાલમાં જણાવાયું હતું.
તેમણે કોંગ્રેસના સભ્યોને જણાવ્યું હતું કે તેમનું આયોજન OPMની આઈ ટી સિસ્ટમ્સ અને ખાસ કરીને ફેડરલ રિટાયરમેન્ટ ક્લેઈમ્સનું સંચાલન કરતી સિસ્ટમને સુધારવાનું છે. તેમણે ઉમેર્યું કે તેમની યોજના કોરોના મહામારી પછી સરકારી એજન્સીઓમાં ટેલીવર્કિંગને વધારવા માટેની નીતિઓ ઘડવાની છે. આહુજાને અમેરિકન ફેડરેશન ઓફ ગવર્નમેન્ટ એમ્પ્લોઇઝ, નેશનલ એક્ટિવ એન્ડ રિટાયર્ડ ફેડરલ એમ્પ્લોઇઝ એસોસિએશન અને નેશનલ ટ્રેઝરી એમ્પ્લોઇઝ યુનિયન જેવી કેટલીક સંઘીય કર્મચારી સંસ્થાઓનો સહયોગ મળ્યો હતો.
કન્ફર્મેશન પછી નેશનલ એશિયન પેસિફિક અમેરિકન બાર એસોસિએશને આહુજાને નવી કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા