સમગ્ર વિશ્વમાં ઋતુચક્રો બદલાઈ રહ્યાં છે. એક તરફ યુરોપ, કેનેડા અને અમેરિકા રેકોર્ડતોડ ગરમીનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ ૫૦ લાખની વસતી ધરાવતું ન્યૂ ઝીલેન્ડ વિક્રમી ઠંડીનો સામનો કરી રહ્યું છે. સામાન્ય રીતે ઠંડા રહેતા અમેરિકા અને કેનેડાના સામાન્ય રીતે વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. આ વિષમ પરિસ્થિતિ ક્લાઈમેટ ચેન્જના કારણે સર્જાય છે. અમેરિકાના નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના દાવા અનુસાર પેસિફિક ક્ષેત્રમાં પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના તાપમાનમાં મોટું અંતર હોવાથી ગરમી પ્રસારતા ‘હીટ ડોમ’ સર્જાય છે અને આ ‘હીટ ડોમ’ માટેનું મુખ્ય કારણ માનવ ગતિવિધિના કારણે વધતા ગ્રીનહાઉસ ગેસ છે. ૧૦,૦૦૦ વર્ષમાં એક વખત હીટ ડોમની સ્થિતિ સર્જાતી હોય છે. કેનેડામાં ભારે ગરમીના બ્રિટિશ કોલંબિયા રાજ્યનું સુક્કા જંગલો ધરાવતું લીટોન ગામ સળગી ઉઠયું છે. હીટવેવથી સેંકડો લોકોના મોત પણ નીપજ્યા છે. ન્યૂ ઝીલેન્ડની વાત કરીએ તો સામાન્ય રીતે જુલાઈના અંત કે ઓગસ્ટની શરુઆતમાં હિમવર્ષા થાય છે, પરંતુ આ વર્ષે આર્કટિક બ્લાસ્ટના કારણે એક મહિના પહેલા જૂનમાં જ હિમવર્ષા શરુ થવાના કારણે ન્યૂ ઝીલેન્ડમાં જૂન મહિનો છેલ્લા ૫૫ વર્ષનો સૌથી ઠંડો મહિનો રહ્યો હતો.
ભારતની મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના તાજેતરના અભ્યાસ મુજબ ભારતમાં ૫૦ વર્ષ (૧૯૭૧-૨૦૧૯)ના ગાળામાં વિષમ હવામાન ઘટનાઓ (EWE)માં ૧,૪૧,૩૦૮ લોકોના મોત થયાં હતા જેમાંથી હીટ વેવના લીધે ૧૭,૩૬૨ મોત થયા છે.સતત વધતું પ્રદૂષણ, વૃક્ષો અને જંગલો આડેધડ કાપી નાખવાથી પર્યાવરણનું સંતુલન ખોરવાઈ જવાના પરિણામસ્વરુપ ગ્લોબલ વોર્મિંગ અથવા ક્લાઈમેટ ચેન્જ સમગ્ર વિશ્વને સ્પર્શતી સમસ્યા છે. છે સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યુકેની અધ્યક્ષતામાં Cop26 શિખર પરિષદનું આયોજન થયું છે જેમાં, વડા પ્રધાન જ્હોન્સને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિન પિંગને પણ અંગત આમંત્રણો આપ્યા છે. ચીન અને રશિયા દ્વારા ગ્રીનહાઉસ ગેસીસનું મોટા પાયે ઉત્સર્જન થતું હોવાથી ક્લાઈમેટ ચેન્જ પરિષદમાં તેમની હાજરીનું વિશેષ મહત્ત્વ બની રહેશે તેમાં કોઈ શંકા નથી.