ડ્રગીસથી ડોક્ટર સુધીની વ્યથાભરી મજલમાં અદભૂત સ્વરૂપાંતરઃ ડો. સેફ બક્ષી

ઘર દીવડાં

જ્યોત્સના શાહ Wednesday 07th July 2021 10:26 EDT
 
 

''Out of Madness:
a message of hope''
ડો. સેફ બક્ષીની આ આત્મકથા છે. ડ્રગ્સ, દારુ, રંગદ્વેષ, બુલીંગ જેવા દૂષણોનો નાની વયમાં જ શિકાર બનેલ ડો. સેફ બક્ષીની જીવન સફર ખૂબ જ યાતનામયી હતી. પોતાની આત્મકથા સમાજ સમક્ષ રજૂ કરવાની હિંમત દાખવનાર ડો. બક્ષીને સલામ કરવી ઘટે. લગભગ ૫૦ વર્ષની વયે પહોંચનાર ડો. બક્ષીએ જીવનના મોંઘામૂલા ૩૩ વર્ષ અંધકારભર્યાં વીતાવ્યા. લાંબી યાતના બાદ એમાંથી ઉગરી ગયા એ કહાની હૃદયસ્પર્શી છે પરંતુ એથી વધુ આનંદ ઉપજે અને ડોક્ટરની પીઠ થાબડવાનું મન થાય તો તે એ છે કે લતમાંથી મુક્ત થયા બાદ એમનું અદભૂત સ્વરૂપાંતર થયું છે. આપણા માંહ્યાલાને જગાડતું, અંતરાત્માને અજવાળું શિક્ષણ, માહિતી અને માર્ગદર્શન આપતું આ પુસ્તક લખવાની ક્ષમતા ધરાવવી એ એક ચમત્કારથી કમ નથી!
ચાલો, આ અંકમાં ડો. સેફ બક્ષીના પ્રેરક જીવનના બે છેડાના પાસાની ભીતરમાં ડોકિયું કરીએ.
બ્રેડફર્ડમાં જન્મતાંની સાથે જ અનાથ બની ગયેલા આ બાળકને ગુજરાતી મુસ્લિમ દંપતિએ દત્તક લીધો. ૧૯૭૦ના દાયકામાં ઈસ્ટલંડન સ્થિત અમીનાબહેન અને ઈસ્માઈલભાઈ બક્ષીએ બાળકને ગોદ લીધો ત્યારે બ્રિટનમાં પ્રમાણમાં રંગદ્વેષ વધુ પ્રવર્તતો હતો. છોકરાના સારા શિક્ષણ માટે એને દક્ષિણ લંડનમાં આવેલ સરેની બોર્ડિંગ સ્કૂલમાં ૧૧ વર્ષની ઉંમરે મૂક્યો જ્યાં એ ૧૭ વર્ષનો થયો ત્યાં સુધી ભણ્યો. આ સમયગાળા દરમિયાન એના પર ત્યાં રેસિયલ, મેન્ટલ, બુલીંગ જેવા અત્યાચાર તો થયા પરંતુ એ ડ્રગ્સ અને દારુની લતમાં ફસાઈ ગયો. લઘુતાગ્રંથિથી પીડાવા લાગ્યો. ભારે આઘાતભર્યા સંજોગોનો શિકાર બનેલા આ બાળકનું બાળપણ બદત્તર બની ગયું. કમનસીબે દીકરાના આ હાલથી મા-બાપ અજાણ હતા. લગ્નબાદ માતાનું કેન્સરની બિમારીને કારણે અવસાન થઈ ગયું. જીવનમાં તકલીફો આવે છે તો જાણે બધી બાજુથી!
૧૯૯૭માં મુંબઈસ્થિત ગુજરાતી મુસ્લિમ પરિવારની કન્યા મેઝ સાથે લગ્ન થયાં. લગ્ન બાદ એક દીકરી આલિયા (૨૩) અને દીકરો ઝેડ (૧૮)ના માતા-પિતા બન્યાં પરંતુ ડ્રગ્સ તથા દારુની લતમાંથી બહાર કઈ રીતે આવવું? એનું સદનસીબ કે પત્ની અને બાળકોએ હિંમત હાર્યા વિના સેફનું જીવન સુધારવા કમર કસી. અનેક સંશોધન કર્યાં. ડ્રગ્સ એન્ડ આલ્કોહોલ ટ્રીટમેન્ટ સેન્ટરમાં સારવાર કરાવી. દાંપત્યજીવનના ૧૭ વર્ષ પતિને સુધારવામાં વીતાવ્યા. ધન્ય છે એ પત્ની બાળકોને.
દરેકના જીવનમાં સમસ્યાઓ અને પડકારો આવતા હોય છે પરંતુ એમાંથી બહાર આવી પોતાના જીવનપાઠમાંથી શીખી, પોતાના જેવા બીજાના જીવનને સુધારવાનો ભાવ જૂજ લોકોમાં જાગે. ડો. સેફ બક્ષી જેવા વિરલા કેટલા?
સામાન્ય રીતે આપણા એશિયન સમાજમાં ઘરની વાત ઘરમાં જ દાબી દેવાય છે. શરમ-સંકોચને કારણે સંસ્કારિતાનું મહોરું પહેરી ઢાંક-પીછોડા કરવાની આપણી લાક્ષણિકતાનો પર્દાફાશ કરનારની ખરેખર પીઠ થાબડવી પડે.
પોતાના અંધકારભર્યાં જીવનમાંથી બહાર આવી હજારોની દોઝખભરી જીંદગીને નવજીવન બક્ષવાનો ભેખ ધર્યો.
લતના પાગણપણામાંથી મુક્ત થઈ પોતાની યાતનાભરી જીંદગીની આત્મકથા’ ''Out of Madness: a message of hope'' લખી આશાભર્યો સંદેશ આપનાર ડો. સેફે નવજીવન મળ્યા બાદ જે સિદ્ધિ હાંસલ કરી એવોર્ડ મેળવ્યા છે એ અજોડ છે. તેઓ આજે સોશ્યલ બિહેવિયર મેન્ટોર અને એડિક્શન નિષ્ણાત બન્યા છે. લેખક, વક્તા, ટીવી., રેડિયો અને સોશ્યલ મીડિયા પર્સનાલિટી તરીકે ગણનાપાત્ર સ્થાન મળ્યું છે.
એડિક્શન કન્સલ્ટિંગનું પાયાનું કામ કરવા માટે મળેલ એવોર્ડોની યાદીઃ ગ્લોબલ હ્યુમેનીટેરીયન એવોર્ડ, ગ્લોબલ ચેન્જ મેકર, મેન્ટ્રોક્સ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન એવોર્ડ, ધી ગોલ્ડ રીબન એવોર્ડ ઓફ લીડરશીપ, એક્સેલન્સ એન્ડ એચિવમેન્ટ, બ્રેક થ્રુ ઈન્ટરનેશનલ બાઈબલ યુનિવર્સિટીએ હ્યુમન લેટર્સમાં માનદ્ ડોક્ટરેટ ડિગ્રી એનાયત કરી છે. એમના વાર્તાલાપો ‘સ્કાય શોકેસ ૧૯૧’, ‘બીબીસી એશિયન નેટવર્ક’ વગેરે પરથી રજૂ થાય છે. એશિયન કોમ્યુનિટીમાં પ્રીઝન સર્વિસમાં પણ વાર્તાલાપો દ્વારા કંઈ કેટલાયના જીવનમાં પરિવર્તન લાવવામાં મદદરૂપ થાય છે. પોતે આ માટે ચેરિટી પણ સ્થાપી છે. ‘બક્ષી રિકવરી પ્રોસેસ’ ભારત, પાકિસ્તાન, પેલેસ્ટાઈન વગેરે દેશોમાં જઈ ત્યાંના બાળકોને પણ મદદરૂપ થાય છે. એમના મતે બ્રિટનમાં ૧૮ વર્ષની અંદરના ૬૦ ટકા બાળકો ડ્રગ-દારુની લતમાં ફસાઈ જતા હોય છે. બાળકો સોબતના કારણે આવી લતોનો ભોગ ન બને એ માટેની સજાગતા જરૂરી છે. અને ભૂલેચૂકે એમ થાય તો સમજણપૂર્વક કામ લેવું. નશો એવી બૂરી ચીજ છે કે છોડવો હોય તો પણ છૂટતો નથી! ધીરજથી કામ લેવું. હિંમત ન હારવી.
આપણા સમાજને એમનો ખાસ સંદેશ છે કે, ‘તમારા સંતાનો પર નજર રાખો. ભૂલેચૂકે આવી કોઈ બૂરી લતનો શિકાર બન્યા હોય તો તેના નિરાકરણનો માર્ગ અપનાવો. આ માટે કોઈ પ્રિસ્ક્રિપ્શન કામ નથી આવતું. પ્રેમ, સહાનુભૂતિ જરૂરી છે.’
ડો. સેફ બક્ષી પોતાના રોલમોડેલ તરીકે સદાબહાર અભિનેતા અલ-પેસીનો (Al-Pacino) માને છે. જેઓ પોતે ગરીબાઈ, ટ્રોમા, રિજેક્શન અને એડિક્શનમાંથી બહાર આવી પોતાની અદભૂત અભિયન કલાને કારણે મહાન કલાકાર બન્યા.
આ બે સક્ષમ-ઉજળા ઉદાહરણો સૂચવે છે કે ‘ગમે તેવી બૂરી લતમાં ફસાયા હોય પણ ધીરજપૂર્વક કામ લેવામાં આવે તો એમાંથી બહાર આવી નવી-સારી જિંદગી જીવી
શકાય છે.’
વધુ વિગત માટે www.safbuxy.com


comments powered by Disqus