કોરોના વાઈરસ સતત તેનું સ્વરુપ બદલી રહ્યો છે અને સૌપહેલા દક્ષિણ આફ્રિકા અને બોટ્સવાનામાં દેખાયેલા નવા વેરિએન્ટ B.1.1.529 અથવા ઓમિક્રોને ભારતમાં પગપેસારો કરી દીધો છે. ભારતમાં અત્યાર સુધી ઓમિક્રોન વેરિએન્ટના ૨૧ કેસ નોંધાયા છે જેમાં વધારો થઈ રહ્યો છે. અને મોટા ભાગના કેસ આફ્રિકાથી પ્રવાસ કરીને આવેલા લોકોના છે જેમાં તમામ સંક્રમિતોના લક્ષણો હળવાં જણાયા છે. વિશ્વના ૩૮થી વધુ દેશમાં ઓમિક્રોનની હાજરી વર્તાઈ છે ત્યારે ભારતીય નિષ્ણાતોનું કહેવું છે કે ઓમિક્રોનના લીધે ભારતમાં ફેબ્રુઆરી સુધીમાં કોરોનાની ત્રીજી લહેર ત્રાટકી શકે છે. સંક્રમિતોની સંખ્યા દિવસના એકથી દોઢ લાખ સુધી પહોંચી શકે છે પરંતુ, તે બીજી લહેર જેટલી તીવ્ર કે ઘાતકી નહિ હોય. અત્યાર સુધી ઓમિક્રોનની ઘાતક તીવ્રતા ડેલ્ટા વેરિએન્ટમાં જોવા મળી હતી તેવી નથી.
સાઉથ આફ્રિકન મેડિકલ રિસર્ચ કાઉન્સિલના સંશોધકોનો ડેટા જણાવે છે કે આ વેરિએન્ટથી મોતની સંખ્યા ઘણી ઓછી છે તેમજ અગાઉની લહેરોની સરખામણીએ સંક્રમિત લોકોને વધારાના ઓક્સિજન સપ્લાયની જરૂર પડી હતી તેનું પ્રમાણ ઘણું ઓછું જણાયું છે. જોકે, એક બાબત નિશ્ચિત છે કે ભારતમાં બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિએન્ટ કરતા ઓમિક્રોનનો ટ્રાન્સમિશન રેટ ત્રણ ગણો વધારે છે એટલે કે તે ત્રણ ગણી વધુ ઝડપથી લોકોને સંક્રમિત કરી શકે છે. આમ છતાં, હોસ્પિટલાઈઝેશનના પ્રમાણમાં ઉછાળો જોવાં મળ્યો નથી.
સાચી વાત તો એ છે કે ઓમિક્રોન વેરિએન્ટ ગમે તેટલો હળવો કે ઓછો ઘાતક હોય પરંતુ, વિશ્વ હવે વાઈરસની અવગણના કરી શકે તેમ નથી. આથી જ યુકે અને યુએસ જેવા દેશોએ તત્કાળ પ્રવાસ પ્રતિબંધો દાખલ કરી દીધા છે જેથી વિદેશથી આવતાં સંક્રમણને અટકાવી શકાય. આ જ રીતે
ભારતે પણ દક્ષિણ આફ્રિકા સહિત ૧૦ દેશોમાંથી આવનારા પ્રવાસીઓ માટે ટેસ્ટિંગ પ્રોટોકલ્સ લાગુ કર્યા છે.
ડેલ્ટા હોય કે ઓમિક્રોન, ચિંતાની વાત તો એ છે કે લોકો માસ્ક પહેરવાના નિયમોનું જોઈએ તેવું પાલન કરતાં નથી. સપ્ટેમ્બરમાં દેશમાં માસ્ક પહેરવાનો દર ઘટીને ૧૨ ટકાએ અને નવેમ્બરમાં ફક્ત બે ટકા જ રહી ગયો હતો.એક સર્વેક્ષણ મુજબ દર ત્રણમાંથી એક ભારતીયનું કહેવું છે કે મોટાભાગના લોકો ઘરોમાંથી બહાર નીકળતી વખતે માસ્ક પહેરતા નથી. ફક્ત બે ટકા લોકો જ તેમના વિસ્તારમાં લોકો માસ્ક પહેરવાના નિયમનું પાલન કરતા હોવાનું માને છે. આપણે ભલે ઉત્સવો ઉજવીએ પરંતુ, આપણને અને અન્યોને સંક્રમણ ન લાગે તેની ફિકર અને કાળજી રાખવી જરૂરી છે.
