પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જીવન, સમર્પણ અને શ્રદ્ધા
૧૭ વર્ષની વયે સ્વામીજીએ પોતાના ગુરુની સેવા કરવાના એક માત્ર વિચાર સાથે ઘર છોડ્યું હતું. તેઓ ચાણસદથી સાયકલ પર નીકળી પડ્યા હતા. સ્વામીજી ૯૬ વર્ષની વયે ધામમાં ગયા. પોતાના સમગ્ર જીવન દરમિયાન તેમણે ભગવાનને કેન્દ્રમાં અને પોતાના પ્રિય ભક્તોને જીવનના હેતુના મધ્યમાં રાખ્યા હતા. તેમને ગેલસ્ટોન્સ, બ્લેડર, મોતિયો જેવી સંખ્યાબંધ બીમારી હતી અને જીવનમાં બે વખત હાર્ટ સર્જરી પણ કરાવી હતી. તેમના જીવનના છેલ્લાં ૪૦ વર્ષમાં તેઓ બીમાર ન પડ્યા હોય એવું ભાગ્યે જ કોઈક વર્ષ રહ્યું હશે. તે છતાં તેમણે જીવનના અંત સુધી પોતાના સ્વાસ્થ્યની પરવા કરી ન હતી. સર્જરી કરાવવી પડે તેવી સ્થિતિ ઉભી થાય અથવા તેઓ અસ્વસ્થ છે તેવું જણાય નહી ત્યાં સુધી તેઓ હંમેશા પોતાની પીડા છૂપાવતા રહ્યા હતા.
વિચરણ દરમિયાન તેમના વહાલા ઠાકોરજી (ભગવાન સ્વામીનારાયણની ધાતુની નાની મૂર્તિ) હંમેશા તેમની સાથે રહેતા. સ્વામીજી માટે મૂર્તિ જ ભગવાન હતા. તેઓ જ્યારે પણ તડકામાં જતાં ત્યારે તેમના માટે છત્રીની હંમેશા તકેદારી રાખતા હતા. તેઓ દરેક સંજોગોમાં તેમના માટે યોગ્ય સીટ પણ રાખતા હતા. એક વખત સ્વામીજી અને અન્ય સાધુઓ દરીયામાં તરવા ગયા ત્યારે ઠાકોરજીને પણ સાથે સ્નાન કરાવ્યું હતું. પાછા ફરતાં સ્વામીજીએસાધુઓને યાદ કરાવ્યું કે ઠાકોરજી પરનું દરિયાનું ખારું પાણી દૂર કરવા માટે તેમને સ્વચ્છ જળથી સ્નાન કરાવવું પડશે.
સ્વામીજી માટે ભક્તો જ સર્વસ્વ હતા. સમાજના તમામ વર્ગના ભક્તોની મુલાકાત માટે તેઓ ઘણી વખત પોતાનું ભોજન પણ મોડું લેતા હતા. સમાજના વર્ગોમાં તફાવતની તેઓ કોઈ પરવા કરતા ન હતા. ઘણી વખત તેઓ ઉઘાડા પગે ઉંડા કાદવમાં અને વરસાદમાં ચાલતાં અને તાવ આવ્યો હોય તે છતાં તેઓ બળદગાડામાં, ખૂલ્લાં પગે અથવા જે કંઈ સાધન મળે તેમાં મુસાફરી કરતા હતા. પોતાના પ્રિય ભક્તોની સેવા કરવાનો અને તેમની સાથે રહેવાનો તેમનો સ્નેહ કોઈપણ સંજોગોમાં ઘટતો ન હતો. સમગ્ર જીવન દરમિયાન તેમણે લગભગ ૫૦૦,૦૦૦થી વધુ પત્રો લખ્યા હશે, હજારો ભક્તોના બાળકોના નામ પાડ્યા હશે અને હજારોને તેમના શિક્ષણ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હશે તેમજ હજારો ગામોની મુલાકાત લીધી હશે તેમ મનાય છે. કોઈ વિશે નિર્ણય લીધા વિના તેને સ્નેહ આપવાની અને માત્ર આપવાની જ તેમની ક્ષમતા કોઈને પણ અવાચક કરી દે તેવી હતી. એક વખત સારંગપુરમાં લાંબા સમયથી સેવા કરતા એક ખેડૂત તેમને મળ્યા. તે ખેડૂતે પહેરેલા ચશ્મા તૂટેલા હતા અને તેનાથી જોઈ શકાય તેમ ન હતું. સ્વામીજીએ પોતાના ચશ્મા ઉતારી દીધા અને એક પિતા જેમ પોતાના બાળકની સંભાળ રાખતા હોય તેમ ધીમેથી તેમની આંખો પર લગાવી દીધા. તેમણે સમગ્ર જીવન દરમિયાન ભક્તોનું જીવન વ્યસનમુક્ત રહે તે સુનિશ્ચિત કર્યું અને તેને માટે શીખ આપી. લાખો લોકોએ તેમના સ્વાસ્થ્યને હાનિકારક કુટેવો છોડી દીધી. આજે જીવતા સંખ્યાબંધ અનુયાયીઓ તેમના પ્રેમ અને કરુણાના પરિણામે તેમના જીવન સંદેશના દૂત બન્યા છે.
સ્વામીજી તમામ ધર્મના લોકો પ્રત્યે એકસમાન કરુણા દર્શાવતા હતા અને દરેકની સાથે તેમનું એકસરખું વર્તન રહેતું હતું. તેઓ હંમેશા કહેતા કે બીજાની અજ્ઞાનતાને લીધે આપણે એકબીજાથી અલગ થયાં છીએ. તેઓ ઈઝરાયલમાં હતા ત્યારે તેમણે વેઈલીંગ વોલ પર સંદેશો લખ્યો હતો કે જે લોકો તેમના મેસેજ લખે છે તેમના પર કૃપા બની રહે અને તેમની તમામ સારી ઈચ્છાઓ પૂર્ણ થાય. તેઓ માનતા કે ખાસ કરીને પ્રેમ અને કરુણા સાથે પાલન કરવામાં આવે તો ધર્મ સૌથી મહત્ત્વનો સદગુણ છે. ૨૦૦૨માં ગાંધીનગરમાં સ્વામીનારાયણ અક્ષરધામ પર હુમલો થયો અને ૩૦થી વધુ લોકો માર્યા ગયા ત્યારે તેમણે તરત જ જાહેરાત કરી હતી કે તે ધાર્મિક બાબત ન હતી, તે માત્ર કોઈક ખરાબ વ્યક્તિએ કરેલું ભયાનક કૃત્ય હતું.
સ્વામીજીને તેમના શબ્દો દ્વારા સમજીએ..
નીચે તેમના કેટલાંક નિવેદન છેઃ
• હું ભગવાન સ્વામીનારાયણનો સાધુ છું અને મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજનો સેવક છું
• અમે સૌના હૃદયમાં સનાતન ધર્મના સિદ્ધાંતોનું સીંચન કરીએ છીએ અને દરેકને ભગવાનની નજીક લાવીએ છીએ અને તેમના પ્રેમ, શિક્ષણ, માફ કરવાના અને ધીરજના સ્વભાવની યાદ અપાવીએ છીએ. ભગવાન દયાળુ અને કરુણાસભર છે અને તેઓ છેવટે આપણા માટે જે સારું હશે તે જ કરશે.
• મારી કોઈ સિદ્ધિઓ નથી. મેં મારા ગુરુઓની આજ્ઞાનું પાલન કર્યું છે અને તેમની ઈચ્છા મુજબ જ વર્તન કર્યું છે. જે કંઈ થયું તે બધું ભગવાનને લીધે જ થયું છે - મેં કશું જ કર્યું નથી.
• આપણે સુંદર મંદિરોનું નિર્માણ કરીએ છીએ કારણ કે જ્યારે આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ અને ખાસ કરીને આપણી પાસે જે કંઈ છે તે તેમનું જ હોય ત્યારે આપણે તેમને શ્રેષ્ઠ જ આપીએ છીએ. બીજું, મંદિરો હિંદુઓ માટે ગૌરવના સ્રોત અને શાંતિ મેળવવા માટેનું સ્થળ છે.... આપણે પૂરતું નિર્માણ કરી શકતા નથી.
• એક સાધુ તમારા નકારાત્મક વલણનો શત્રુ છે, પરંતુ તમારા આત્માનો આજીવન મિત્ર છે. સતત સેવા અને ભક્તિ દ્વારા ભગવાન અને ગુરુ હંમેશા આપને માર્ગદર્શન આપશે.
• સ્વીકારતા શીખો અને તમારી પોતાની ખામીઓ જુઓ, અન્યોમાં ભગવાનને જુઓ, આનંદ આપો અને અન્યોને પ્રગતિ કરવા દો. આ તમારા સાચા સ્વભાવની ચાવીઓ છે. આ સાચું જ્ઞાન છે. મનથી, વિચારથી અથવા કૃત્યથી કોઈને પણ નુક્સાન પહોંચાડવું તે આપણો સ્વભાવ નથી
• આપણે કર્તા નથી. ભગવાન જ કર્તા છે. ભગવાનમાં શ્રદ્ધા રાખો અને તેમના શરણે જાઓ. સમય જતાં બધું જ સ્પષ્ટ થઈ જશે.
સમાજ સેવા
સ્વામીજી હંમેશા કહેતા કે તમે આધ્યાત્મિક સેવાને સમાજ સેવાથી અલગ કરી શકો નહીં. એ બન્ને એક સાથે જ થાય છે.
તેમના જીવનકાળ દરમિયાન BAPS એ કેટલાંક રાહત કાર્યોમાં ભાગ લીધો હતો.
• ૧૯૮૭માં ગુજરાતમાં પશુ કેમ્પ અને દુષ્કાળ રાહત પ્રવૃત્તિઓ
ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો હતો. અન્ય કેટલાંક રાજ્યોમાં પણ દુકાળ પડ્યો હતો જોકે તેનુ પ્રમાણ ઓછું હતું. તે દેશનો સૌથીભયંકર દુકાળ હતો અને તે વર્ષે સતત ત્રીજો દુકાળ હતો. તેમાં ઘણાં લોકો અને ખાસ કરીને ઢોરઢાંખરે જીવ ગુમાવ્યા હતા. દુકાળ પીડિતોને મદદ કરવા માટે સંસ્થાએ છાશ, અનાજ, પૌષ્ટિક બિસ્કીટ્સ અને કપડાંનું વિતરણ શરૂ કર્યુંહતું.
• ૧૯૯૩માં મહારાષ્ટ્રના લાતુરમાં ભૂકંપ
ઘણાં ભારતીય લોકો સેકંડોમાં બેઘર થઈ ગયા હતા. ૩૦ સપ્ટેમ્બર ૧૯૯૩ના રોજ વહેલી પરોઢે ૩.૫૬ વાગે મહારાષ્ટ્રના લાતુર અને ઉસ્માનાબાદમાં આવેલા શક્તિશાળી ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૪ હતી. આ ભૂકંપ ૧૯૪૭માં આઝાદી પછીનો સૌથી ભીષણ ધરતીકંપ હતો. માત્ર ૨૪ કલાકમાં ૨૫ સાધુઓ અને સંસ્થાના વોલન્ટિયર્સની ટીમ ખોરાક અને દવાઓનો ૨,૦૦૦ કિલોનો જથ્થો લઈને સમુદ્રાલ ગામે પહોંચી ગઈ હતી. રાહત કાર્ય દરમિયાન વોલન્ટિયર્સની સંખ્યા૨૫૦થી વધી ગઈ હતી. રાહત કાર્ય દરમિયાન તબીબી સહાય સાથે ખોરાક અને કપડાંની લગભગ ૧૬૦,૦૦૦ કિલોની સામગ્રી ૧૫ ગામોમાં વહેંચવામાં આવી હતી. સંસ્થાના સમર્પિત ડોક્ટરોએ ઘાયલો અને બીમાર લોકોની સારવાર અને સંભાળ લીધી હતી. મૃતકોના આત્માની સદગતિ માટે પિતૃ તર્પણ વિધિ પણ યોજાઈ હતી.
૨૦૦૧માં ગુજરાતનો ભૂકંપ
ગુજરાતમાં ૨૦૦૧માં આવેલા ભૂકંપ પછી હજારો રહીશો ઘરવિહોણા થઈ ગયા હતા અને તેમના નુક્સાન પામેલા એપાર્ટમેન્ટની સલામતી અંગે ચિંતિત હતા. સંસ્થા દ્વારા પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી લાખો ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું અને ઘણાં નવા મકાનો અને ગામોનું પુનઃનિર્માણ કરાયું હતું.
શૈક્ષણિક અને તબીબી સંસ્થાઓ
સ્વામીજીએ ઘણી સ્કૂલો અને હોસ્પિટલોના નિર્માણ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. અત્યારે BAPS દ્વારા મોટાભાગે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાત હોસ્પિટલોનું સંચાલન કરવામાં આવે છે. તેમણે તેમની સ્ટેટ – ઓફ – ધ – આર્ટ હોસ્પિટલો, આઉટપેશન્ટ ફેસિલીટીઝ અને મોબાઈલ મેડિકલ ક્લિનિક્સ દ્વારા પશ્ચિમ ભારતમાં લાખો લોકોની સારવાર કરી છે. સમર્પિત મેડિકલ પ્રોફેશનલ્સ અને કેરગીવર્સ સાથે BAPS આ સુવિધાઓ દ્વારા સમાજને ઓછાં ખર્ચની ગુણવત્તા યુક્ત મેડિકલ કેર પૂરી પાડવા અંગે કામ કરી રહી છે.
વધુમાં ૧૪ સ્કૂલો મારફતે BAPS સ્વામીનારાયણ સંસ્થા હજારો વિદ્યાર્થીઓને મૂલ્ય આધારિત શિક્ષણ તેમજ વૈશ્વિક અર્થતંત્રમાં સફળ થવા માટે જરૂરી કૌશલ્ય મેળવવામાં મદદ કરી રહી છે.
BAPS ભારતના ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં રેસિડેન્શિયલ તેમજ નોન – રેસિડેન્શિયલ બન્ને પ્રકારની સ્કૂલોનું સંચાલન કરે છે.
માનવજાતને તેમની ભેટો
આધ્યાત્મિકતા તેમની ભેટ હતી. તેમની કેટલીક સિદ્ધિ પર નજર નાખીએ.
આંતરરાષ્ટ્રીય સ્તરે સનાતન ધર્મના પ્રચારના અર્થમાં કહીએ તો પહેલા ૧૯૮૫માં લંડનમાં અને તે પછી ૧૯૯૧માં ન્યૂ જર્સીમાં ભારતના મોટા સાંસ્કૃતિક મહોત્સવોનું આયોજન કરાયું હતું. યુકે અને યુએસએમાં થોડા સમય પહેલા જ આવેલા લઘુમતી સમુદાય દ્વારા મોટાપાયે સાંસ્કૃતિક મહોત્સવો યોજાયા હતા. એક મહિના સુધી આ મહોત્સવો ચાલ્યા હતા. દરેક મહોત્સવમાં ૧.૨ મિલિયન કરતાં વધુ મુલાકાતીઓએ ભારતના સ્થળો અને સ્વાદનો આનંદ લીધો હતો. નેતર, વાંસ, ગુણપાટ અને પેપર પલ્પ જેવા સાદા મટિરિયલના ઉપયોગથી ઉત્કૃષ્ટ આર્ટવર્ક તૈયાર કરાયું હતું. સંદેશા સાર્વત્રિક અને વાસ્તવિક હતા. પ્રેઝન્ટેશન્સ ખૂબ જ પ્રેરણાદાયક અને પ્રશંસાને પાત્ર હતા તથા વાતાવરણ વાસ્તવિક અને સાનુકુળ હતું.
આપણે જેને 'સ્વામીનારાયણ અક્ષરધામ' કહીએ છીએ તેવા ત્રણ વિશાળ મંદિર સંકુલો - ગાંધીનગર (૧૯૯૨), દિલ્હી (૨૦૦૫) અને ન્યૂ જર્સી (૨૦૨૩માં ખૂલશે) - તેમણે બંધાવ્યા હતા.
તેમાં મંદિર ઉપરાંત, વિશાળ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેમ્પસ છે જેમાં ભક્તિ, શિક્ષણ અને માનવજાતના એકીકરણને સમર્પિત એક્ઝિબિશન્સ અને કલ્ચરલ શોઝનું સંચાલન થાય છે. તેની કળા અને સ્થાપત્યોમાં શાશ્વત ભક્તિમય સંદેશા અને વાઈબ્રન્ટ સનાતન ધર્મની પરંપરાઓનો પ્રતિધ્વનિ પડે છે. આ સંકુલો ભગવાન સ્વામીનારાયણ (૧૭૮૧થી ૧૮૩૦) અને અવતારો, દેવો અને સનાતન ધર્મના ઋષિમુનિઓને નમ્ર અંજલિ છે. પરંપરાગત શૈલીના આ દરેક સંકુલ અદભૂત અને અજોડ છે અને પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ સાથે તથા હજારો કુશળ કારીગરો અને વોલન્ટિયર્સના સમર્પિત પ્રયાસોથી તેનું નિર્માણ થયું છે. તે અંગેની વધુ માહિતી તેમની સંબંધિત વેબસાઈટ પર મળી શકશે.
એકંદરે, સ્વામીજીએ ૧૯૭૧ અને ૨૦૧૬ વચ્ચે ૨૮ દેશોમાં ૧,૧૦૦થી વધુ મંદિરો બાંધ્યા હતા. છેલ્લાં દસ વર્ષમાં સંસ્થા દ્વારા નાના ગામોમાં એક અઠવાડિયામાં બે મંદિર ખૂલ્લાં મૂકવામાં આવતા હતા. તે હજુ આજે પણ ચાલુ જ છે. મંદિરોનું નિર્માણ કરવું એ કોઈ નાની સિદ્ધિ નથી. દરેક મંદિર વ્યક્તિગત દેખરેખ અને ધ્યાન સાથે બંધાયુ છે. તે દેશના શ્રદ્ધાળુઓ અને લોકો માટે બંધાયા છે. દરેક વ્યક્તિ પોતાની રીતે ભક્તિ કરી શકે અને ભગવાનને મળી શકે તેથી સૌને માટે મંદિરો ખૂલ્લાં છે. ભક્તો દ્વારા ખૂબ જ સંભાળ સાથે દરેક મંદિર બનાવાયું છે. સ્વામીજીએ કહ્યું હતું કે દરેક ભક્ત, પછી તે પુરુષ હોય કે સ્ત્રી પોતે જ એક મંદિર બની જશે,
તેમના જીવનકાળ દરમિયાન ૧,૦૦૦થી વધુ સાધુ બન્યા હતા. તે તમામ ભગવાન સ્વામીનારાયણે ૨૦૦ વર્ષ પહેલા જેનો પ્રચાર પ્રસાર કર્યો હતો તે બ્રહ્મચર્યના અષ્ટધા સિદ્ધાંતનું આચરણ કરે છે. આ સાધુઓ દેશના તમામ ભાગોમાંથી અને વિવિધ પશ્ચાદભૂમિમાંથી આવે છે. તેમાં સ્વામીજીના સંદેશ અને મિશનથી પ્રેરાયેલા ઉચ્ચ લાયકાત ધરાવતા ઘણાં યુવાનોનો સમાવેશ થાય છે.
તેમણે ભગવાનનો સંદેશ સહેલાઈથી સમજી શકાય તે માટે નવા સાહિત્ય, ધર્મગ્રંથો અને ભજનોના લેખનને પ્રોત્સાહન આપ્યું હતું. તેના પરિણામે ઘણાં દેશોમાંઘણી ભાષાઓમાં સાહિત્ય પ્રકાશિત થયું હતું અને સંસ્થાનો વિકાસ થયો હતો.
અત્યારે સ્વામીનારાયણ તત્વચિંતનના જ્ઞાનને ઉંડાણપૂર્વક આત્મસાત કરનારા અને કોઈપણ વ્યસન વિના તથા પોતે જ્યાં પણ રહેતા હોય ત્યાં ઉદાહરણરૂપ નાગરિક તરીકે સૌની સાથે હળીમળીને જીવતાં લાખો ભક્તો છે.
પ્રશસ્તિ અને માન્યતા
સ્વામીજીનું જીવન પ્રશસ્તિ અને પ્રશંસાથી ભરેલું હતું. તેઓ કહેતા કે તેમનું કાર્ય એક ભક્ત તેમના ગુરુની ઈચ્છાઓ પૂર્ણ કરે તેવું છે. નીચેના કેટલાંક ઉદાહરણો તેમની પ્રશંસા માટે નહીં પરંતુ, અન્યોને પ્રેરણા પૂરી પાડવાની તેમની ક્ષમતા દર્શાવે છે.
૧૯૭૭માં તેમને પ્રિન્સ ચાર્લ્સની મુલાકાત માટે અને પ્રિન્સ ફિલીપને અલગથી મળવા આમંત્રણ અપાયું હતું. આ મુલાકાત દરમિયાન પ્રિન્સ ચાર્લ્સે તેમને પૂછ્યું કે તેઓ કેવી રીતે સારા રાજા થઈ શકે ? સ્વામીજીએ જવાબ આપ્યો કે તમે ફક્ત તમારા તમામ નાગરિકોમાં ભગવાન જુઓ.
૧૯૮૮માં બ્રિટિશ અને કેનેડિયન પાર્લામેન્ટ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન કરાયું હતું.
વર્ષ ૨૦૦૦માં પ્રમુખ સ્વામી મહારાજે અમેરિકાના ન્યૂ યોર્કમાં યુનાઈટેડ નેશન્સ ખાતે આધ્યાત્મિક વડાઓની મિલેનિયમ વિશ્વ શાંતિ શિખર બેઠકને સંબોધન કર્યું હતું.
૨૦૦૧માં ગુજરાતમાં ભૂકંપ પછી ચાલી રહેલા રાહત કાર્યનું નિરીક્ષણ કરવા માટે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બીલ ક્લિન્ટને ભારતની મુલાકાત લીધી હતી. તેઓ સ્વામીજીને મળ્યા હતા અને સંસ્થા દ્વારા જે કામ કરી રહી હતી તેને માટે તેમનો આભાર માન્યો હતો. સ્વામીજીએ તેમની માળા તેમને ભેટ આપી હતી અને કહ્યું કે શાંતિ માટે આ ખૂબ કિંમતી સાધન છે. પ્રાર્થના કરવાથી ભધું જ શક્ય બને છે.
૨૦૧૫માં સ્વામીજીની પ્રશંસા માટે ભારતના ભૂતપૂર્વ પ્રમુખ ડો. એપીજે અબ્દુલ કલામે 'ટ્રાન્સેડન્સઃ માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ વીથ પ્રમુખ સ્વામીજી' લખ્યું હતું. સ્વામીજી સાથેના પોતાના અનુભવો શેર કરતું આ એક વિશિષ્ટ પુસ્તક છે.
તેમનો વારસો જળવાઈ રહ્યો છે....
૨૦૧૬માં સ્વામીજી આપણને છોડી ગયા અને પ.પૂ. મહંત સ્વામીની ભેટ આપતા ગયા. તેમણે તે જ રીતે કોવિડ દરમિયાન રાહત કાર્યને પ્રોત્સાહન આપવાનું, ધર્મગ્રંથોના પ્રકાશનનું અને મંદિરોના નિર્માણનું કાર્ય ચાલુ રાખ્યું છે. તેમણે અનેક વખત કહ્યું છે કે મારે સ્વામીજીના વારસાને અને તેમના કાર્યને આગળ ધપાવવા સિવાય બીજું કશું કરવાનું નથી. બધું જ ખૂબ વ્યવસ્થિત રીતે ગોઠવાયું છે અને આયોજિત છે.
૨૦૨૦ અને ૨૦૨૧માં કોવિડ રાહત કાર્ય
દુનિયાના દરેક ભાગમાં આવેલી સમગ્ર સંસ્થાએ પોતાના દેશોમાં ફૂડ અને અન્ય સહાય આપી હતી. ભારતમાં ઓક્સિજનની અછત વખતે મદદ માટે ફંડ એકત્ર કરાયું હતું. આ કાર્ય વિશે અહીં વધુ ઉલ્લેખ થઈ શકે તેમ નથી. તેની માહિતી દરેક મંદિરની વેબસાઈટ પરથી મળી શકશે.
પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિએ આપણે પ્રાર્થના કરીએ કે આપણને પણ આવા ઉમદા સદગુણો આત્મસાત કરવા માટે પ્રેરણા મળે.

