એમ ભલે કહેવાતું હોય કે રાષ્ટ્રો અને રાજકારણના કોઈ કાયમી મિત્ર કે દુશ્મન હોતાં નથી પરંતુ, મિત્રતાની બાબતમાં ભારતની રશિયા (પૂર્વ સોવિયેટ સંઘ) સાથેની મૈત્રીને નિઃશંકપણે કાયમી ગણાવી શકાય તેવા સંબંધો બંને દેશ વચ્ચે છે. સમય અને સંજોગોની થપાટ વચ્ચે પણ આ મૈત્રીનું પોત જળવાઈ રહ્યું છે એટલું જ નહિ, વધુ ગાઢ પણ બન્યું છે. કોરોના મહામારી અને યુક્રેન સાથે ઘર્ષણની કટોકટીના સમયમાં પણ રશિયન પ્રમુખ રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને ભારતનો પ્રવાસ કર્યો તે નોંધનીય અને બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોનો સંકેત છે. સ્વાભાવિક રીતે જ પુતિનની ભારતયાત્રા ઉપર અમેરિકા અને ચીનની નજર રહી છે.
ભારત અને રશિયાના સંબંધ ઐતિહાસિક અને કેટલાય દાયકાઓમાં પથરાયેલા છે. ભારત આઝાદ થયાં પછી દેશમાં ઓઈલ અને ગેસના સંશોધનમાં રશિયાનો મોટો ફાળો રહ્યો હતો. સંરક્ષણ, અંતરિક્ષ, પરમાણુ ઊર્જા, ઔદ્યોગિક ટેકનોલોજી અને અન્ય અનેક ક્ષેત્રોના વિકાસમાં રશિયાની ભૂમિકા ઘણી મહત્ત્વની રહી છે.
પુતિનના ભારત પ્રવાસે ઐતિહાસિક અને પરંપરાગત મૈત્રીને વધુ નક્કર સ્વરુપ આપ્યું છે. પાકિસ્તાન જે રીતે ચીન અને અમેરિકાની નિકટ સરકી રહ્યું હતું તેને ધ્યાનમાં રાખી વચ્ચે સોવિયેટ રશિયા અને ભારત વચ્ચે ઓગસ્ટ ૧૯૭૧માં મૈત્રીકરાર થયો હતો. આ મૈત્રીકરારે બાંગલાદેશને આઝાદ કરાવવાના યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અમેરિકાએ ભારતને સાતમા નૌકાકાફલાની હાજરીના સ્વરુપે આપેલી ધમકી સામે રશિયા મજબૂત ઢાલ બનીને ઉભું રહ્યું હતું. યુએનમાં પણ ભારતવિરોધી ઠરાવોમાં વીટોના ઉપયોગમાં રશિયાએ કદી પાછીપાની કરી નથી. સોવિયેટ સંઘના વિઘટન પછી પણ રશિયા અને ભારતના સંબંધોમાં કોઈ ઓટ આવી નથી.
પ્રમુખ પુતિન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક યોજાઈ તે પહેલા જ ભારતે રશિયા સાથે સંયુક્ત સાહસમાં ૫૦૦ મિલિયન પાઉન્ડના એકે ૨૦૩ કાલાશ્નિકોવ એસોલ્ટ રાઈફલના ઉત્પાદન કરારને બહાલી આપી દીધી હતી. આ ઉપરાંત, અમેરિકા જેનો તીવ્ર વિરોધ કરી રહ્યું છે અને જેના સંદર્ભે ભારત સામે કેટલાક પ્રતિબંધો લાદવાની ધમકી પણ ઉચ્ચારી છે તેવા રશિયન એસ-૪૦૦ ટ્રાયમ્ફ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની ખરીદીને પણ મહોર વાગી ગઈ છે. આપણા અવળચંડા પડોશીઓને નિયંત્રણમાં રાખવા આ મિસાઈલ સિસ્ટમ ભારત માટે જરૂરી છે. ભારતને હથિયારો અને સંરક્ષણ ટેકનોલોજી પૂરી પાડતા મુખ્ય દેશોમાં રશિયા સામેલ છે. ભારતની ૬૦થી ૭૦ ટકા શસ્ત્રસરંજામની જરૂરિયાત રશિયા પુરી પાડે છે. ભારતની અનેક સુરક્ષા સિસ્ટમ રશિયા પાસેથી ખરીદવામાં આવી છે.
પુતિનના પ્રવાસમાં રશિયા સાથે ૨૦૨૧થી ૨૦૩૧ સુધીના ૧૦ વર્ષીય લશ્કરી સહયોગ ઉપરાંત, અનેક સમજૂતીઓ પણ કરવામાં આવી છે. આ મુલાકાત ભારત અને રશિયાના અર્થતંત્રોને પણ વેગ આપનારી નીવડશે કારણકે બંને દેશો તેમનો દ્વિપક્ષી વેપાર ૨૦૨૫ સુધીમાં ૩૦ બિલિયન ડોલર અને ઈન્વેસ્ટમેન્ટ્સને ૫૦ બિલિયન ડોલરની ઊંચાઈએ લઈ જવા માગે છે.
વિશ્વમાં નવા પ્રકારનું શીતયુદ્ધ અને વેપારયુદ્ધ ખેલાઈ રહ્યું છે ત્યારે અમેરિકા અને રશિયાને બંને ભારતને પોતાના સાથી તરીકે નિહાળવા ઈચ્છે છે. અમેરિકા જગતકાજી હોવાં છતાં રશિયાની સરખામણીએ તે ઓછું વિશ્વાસપાત્ર છે. દરેક રાષ્ટ્ર પોતાના હિતોને પ્રાધાન્ય આપે તે સ્વાભાવિક છે પરંતુ, અમેરિકા માત્ર અને પોતાના જ હિતોને ધ્યાનમાં રાખે છે અને પોતાના સાથી-સહયોગીઓ પર સતત દબાણની તેની ખાસિયત રહી છે.અમેરિકાને ચીન વિરુદ્ધ તો રશિયાને અમેરિકા વિરુદ્ધ ભારતનો સાથ અને સહકાર જોઈએ છે. ભારત ગત થોડાં વર્ષથી અમેરિકાના સાથે ગાઢ સંબંધોને મહત્ત્વ આપી રહ્યું છે પરંતુ, તેનાથી અન્ય અને વિશેષતઃ રશિયા જેવા પુરાણા મિત્રની દોસ્તી ગુમાવવી ન પડે તેનું ધ્યાન પણ રાખે છે. જે રીતે અમેરિકા અને પશ્ચિમી વિશ્વ ચીનના વધતા વર્ચસ્વ વિરુદ્ધ ભારતને પોતાની પાંખમાં રાખવા તત્પર રહે છે તે જ રીતે ચીન-પાકિસ્તાન અને રશિયાની ધરી બની ન જાય તેની ચિંતા પણ ભારતે રાખવી આવશ્યક રહે છે. અમેરિકાની વિરુદ્ધ ચીની પડખે રશિયા બેસી જાય તો ભારતને મુશ્કેલી નડી શકે છે. આ જ સંદર્ભે વર્તમાન વ્યૂહાત્મક પાર્ટનર બની રહેલા અમેરિકાના ભારે દબાણ છતાં ભારતે એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદીને પ્રાધાન્ય આપીને તે દેશની સુરક્ષાના મુદ્દે તે કોઈની પણ શેહશરમમાં આવે તેમ ન હોવાનું સાબિત કરી દીધું છે.
