અફઘાનિસ્તાનમાં કોકડું બરાબર ગુંચવાયું

Wednesday 08th September 2021 06:20 EDT
 

અમેરિકા અને મિત્રરાષ્ટ્રોના લશ્કરી દળોએ અફઘાનિસ્તાન છોડી દીધા પછી તાલિબાનની કસોટી થઈ રહી છે. શરૂઆતમાં વિવિધ જૂથો વચ્ચે સત્તાની રસ્સાખેંચ પછી વચગાળાની સરકાર તો રચાઈ છે પરંતુ, મૂળ સમસ્યા આપસી અવિશ્વાસની છે. આ સરકારમાં એક પણ મહિલાને સ્થાન અપાયું નથી જ્યારે, વર્ષ ૨૦૦૧થી ૨૦૧૫ના ગાળાની લોકશાહી સરકારમાં મહિલાઓને પ્રતિનિધિત્વ મળ્યું હતું તેની નોંધ લેવાવી રહી.
પહેલી તાલિબાન સરકારને કોઈ પશ્ચિમી દેશની માન્યતા મળી ન હતી કે યુએનની બેઠકમાં સ્થાન પણ અપાયું ન હતું. હવે તાલિબાનને આંતરરાષ્ટ્રીય માન્યતાની ભૂખ છે અને તેને નાણાકીય સહાયની પણ તાકીદે જરૂર છે. અમેરિકા અને તેના સાથીદેશો એવી આશા રાખે છે કે આંતરરાષ્ટ્રીય કાયદેસરતા અને નાણાભંડોળની જરૂરિયાત તાલિબાનને સીધા માર્ગે ચાલવાની ફરજ પાડશે. જોકે, તાલિબાને સ્પષ્ટ કરી જ દીધું છે કે તેઓ ચીનની નાણાકીય અને રશિયાની રાજકીય મદદ મેળવી આગળ વધશે. આ બે દેશો તાલિબાન સરકારને માન્યતા આપી શકે છે. તાલિબાન વિશે શંકાકુશંકા હોવાં છતાં, ભારત સહિતના દેશોએ તાલિબાનના રાજકીય ખેરખાંઓ સાથે મંત્રણાઓ આરંભી છે. બ્રિટન અને નેધરલેન્ડ્ઝ પણ આમાંથી બાકાત નથી.
તાલિબાન નેતાગીરીએ શરૂઆતમાં ભારત સાથે મિત્રતા જાળવવા, પોતાની ભૂમિમાં ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓને ચાલવા નહિ દેવા તેમજ અફઘાનિસ્તાનના વિકાસમાં ભારતનો સાથ લેવાની વાતો જોરશોરથી કરી હતી. પરંતુ, હવે વાજું બદલાઈ ગયું છે. તાલિબાને પાકિસ્તાનના ઈશારે જ વિશ્વમાં અને ખાસ કરીને કાશ્મીરના મુસ્લિમોની તરફેણમાં પોતે અવાજ ઉઠાવશે તેવી જાહેરાત કરી છે. આ મામલે ચીન અને પાકિસ્તાને પણ સતર્ક રહેવું પડશે.
વોશિંગ્ટન સાથે ૨૦૨૦ના દોહા એગ્રીમેન્ટમાં તાલિબાને અફઘાનિસ્તાનને વિશ્વના આતંકવાદી જૂથો માટે સ્વર્ગ નહિ બનવા દેવાની ખાતરી આપી હતી પરંતુ, તાલિબાનના ઈરાદા વિશે અનેકને શંકા છે. તાલિબાનના વર્તમાન સમર્થક રશિયાના ભારતસ્થિત રાજદૂત નિકોલે કુડાશેવે જ કહ્યું છે કે અફઘાનિસ્તાનની ધરતી પરથી રશિયાનાં ક્ષેત્રો અને કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવાનો ખતરો છે. ખાટલે ખોડ એ છે કે આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્કના વડા મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી સિરાજુદ્દીન હક્કાનીને ગૃહપ્રધાનનો હોદ્દો આપી દેવાયો છે. હક્કાની નેટવર્ક ભારતદ્વેષી છે અને તેમને કાશ્મીર અલગ કરાવવું છે તેથી ભારતને ચેતવું પડશે.
ઈસ્લામિસ્ટ કટ્ટરવાદીઓએ ૧૯૮૬થી ૨૦૦૧ના ગાળામાં ચલાવેલા શાસનને સહુને અનુભવ થઈ ગયો છે. હવે તેઓ શરિયા કાનૂનના માળખામાં રહીને નાગરિક સ્વાતંત્ર્ય અને મહિલા અધિકારો સંદર્ભે થોડા સુધારાવાદી થયા હોવાની વાતો કરે છે પરંતુ, સહશિક્ષણના બદલે છોકરા-છોકરીઓ વચ્ચે પડદા રાખવાની જાહેરાતે સુધારાના લીરાં ઉડાવી દીધા છે. અફઘાનોની લાગણી છે કે અમેરિકા ગયું તો દાએશ (Isis) આવી ગયું છે. એટલે તેમના કહેવા મુજબ તો ‘ભૂત ગયું અને પલિત આવ્યું’ જેવો જ ફેરફાર થયો છે. આંતરિક લડાઈ અને અસલામતી ઉપરાંત, બેરોજગારી અને ખરાબ આર્થિક હાલતનો પણ સામનો કરવો પડશે.
તાલિબાને દેશનો કબજો મેળવી લીધા પછી અમેરિકા અને સાથી દેશોએ ૧૨૦,૦૦૦થી નાગરિકોનું ઈવેક્યુએશન કર્યું છે. આમ છતાં, અફઘાનિસ્તાન છોડી જવા ઈચ્છુક લોકોની સંખ્યા હજુ હજારોમાં છે ત્યારે પ્રશ્ન એ થાય કે તાલિબાન સરકાર આ બધા લોકોને દેશ છોડવા દેશે? અગાઉની સરકારો તેમજ અમેરિકા અને મિત્રદેશોને સાથ આપનારા નાગરિકો પર તવાઈ આવશે તે પણ નિશ્ચિત છે. તાલિબાન ભલે કહે કે સિવિલ ફ્લાઈટ્સ શરૂ કરાયા પછી માન્ય ટ્રાવેલ ઓથોરાઈઝેશન ધરાવતા અફઘાનોને વિદેશ જવા પરવાનગી અપાશે પરંતુ, એરપોર્ટમાં પ્રક્રિયા પર નજર રાખવા ફોરેન સિક્યુરિટીની હાજરીની આંતરરાષ્ટ્રીય સમુદાયની માગણી ફગાવી દેવાઈ છે. બીજી તરફ, પશ્ચિમી દેશો કેટલા અફઘાન નાગરિકોને આશરો આપશે તેનો પણ પ્રશ્ન છે. અફઘાનિસ્તાનના પડોશીઓ પણ વિસ્થાપિત નિર્વાસિતોના ટોળા પોતાની સરહદોએ ઠલવાય તેના માટે તૈયાર નથી. આમ છતાં, આગામી દિવસોમાં ઝડપથી વણસતી આર્થિક અને સામાજિક પરિસ્થિતિઓના કારણે અફઘાનો ગમે તે રીતે દેશ છોડી જશે તેવી ચિંતા યુએન દ્વારા દર્શાવાઈ છે.
અગાઉ, અફઘાનિસ્તાનને વાર્ષિક ૮.૫ બિલિયન ડોલરની સહાય અપાતી હતી જેમાંથી ૮૦૦ મિલિયન ડોલરથી ઓછી રકમ માનવતાવાદી પ્રોજેક્ટ્સ પાછળ ખર્ચાતી હતી. આવી સહાય ચાલુ રખાય તેવી શક્યતા છે. બીજી તરફ, વિશ્વ બેન્ક અને આંતરરાષ્ટ્રીય નાણાભંડોળે ફાઈનાન્સ બંધ કરી દીધું છે અને અમેરિકાએ અફઘાન ફોરેન રિઝર્વના ૭ બિલિયન ડોલર અટકાવી દીધા છે. લાકડીના છેડે ગાજર લટકાવી બીજી તરફ ડફણાં મારવાની નીતિ તાલિબાન પાસે સારું વર્તન કરાવી શકશે તેવી પાશ્ચાત્ય દેશો આશા રાખે છે તે અસ્થાને પણ નથી.


comments powered by Disqus