નેશનલ હેલ્થ સર્વિસ અને સોશિયલ કેર-સારસંભાળ માટે ફંડ ઉભું કરવાં તેમજ NHSના બેકલોગને વ્યવસ્થિત કરવા શું કરવું તેની ભારે મથામણ પછી આખરે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને એપ્રિલ ૨૦૨૨થી અમલી બને તે રીતે વાર્ષિક ૧૮૦ પાઉન્ડનો ટેક્સવધારો જાહેર કરવો પડ્યો છે. આના પરિણામે, ૨૫ મિલિયન લોકોએ વધુ ચૂકવણી કરવી પડશે જોકે, નિમ્ન વેતન ધરાવતા ૬.૨ મિલિયન લોકોએ કોઈ ચૂકવણી કરવાની થશે નહિ.
નવી ટેક્સ જોગવાઈમાં જણાવાયું છે તેમ ઓક્ટોબર ૨૦૨૩થી ૨૦,૦૦૦ પાઉન્ડથી ઓછી સંપત્તિ ધરાવનારની સારસંભાળનો સંપૂર્ણ ખર્ચ સરકાર ચૂકવશે જ્યારે, ૨૦,૦૦૦થી ૧૦૦,૦૦૦ પાઉન્ડ વચ્ચેની સંપત્તિ ધરાવતા લોકોએ સારસંભાળના ખર્ચમાં ફાળો આપવાનો થશે પરંતુ, તેમણે ખર્ચમાં ઓછી ચૂકવણી કરવી પડશે. બીજી તરફ, ૧૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ સંપત્તિ ધરાવતા ખમતીધર લોકોએ સારસંભાળ માટે સંપૂર્ણ ચૂકવણી કરવી પડશે.
હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે નેશનલ ઈન્સ્યુરન્સમાં ૨ ટકાના વધારાની તરફેણ કરી હતી પરંતુ, આખરે ૧.૨૫ ટકાના દરે વધારો થયો છે. જાવિદની દલીલ એવી રહી છે કે એમ્પ્લોયર્સ અને કર્મચારીઓ માટે નેશનલ ઈન્સ્યુરન્સમાં માત્ર ૧ ટકાના વધારાથી આશરે ૧૦ બિલિયન પાઉન્ડ એકત્ર થશે જે પૂરતાં થઈ રહેશે નહિ. આથી જ તેમણે ૨ ટકાના ટેક્સ વધારા માટે દબાણ કર્યું હતું.
સોશિયલ કેરમાં ધરમૂળ પરિવર્તન જરૂરી હતું. વર્તમાન સિસ્ટમ હેઠળ ૨૩,૨૫૦ પાઉન્ડથી વધુ સંપત્તિ હોય તેમણે પાછલી જિંદગીએ સારસંભાળ પાછળ સંપૂર્ણ ખર્ચ કરવાની ફરજ પડતી હતી. ડિમેન્શિયા સહિત લાંબો સમય ચાલનારી બીમારીઓ માટેની સારસંભાળનો ખર્ચ આકાશને આંબી જતો હોય ત્યારે સામાન્ય માનવી માટે જીવન દોહ્યલું બની જાય તે સ્વાભાવિક છે.
કોરોના મહામારી સમયે NHSના ખર્ચમાં જંગી વધારો થયો હતો અને કેન્સર કે હૃદયરોગ સહિતની ગંભીર બીમારી ધરાવનારે પણ લાંબો સમય રાહ જોવાની ફરજ પડી છે. આજે પણ સારવારની રાહ જોનારા પેશન્ટ્સની સંખ્યા ૫.૫ મિલિયનના આંકે પહોંચી ગઈ અને તેમાં વધારો થતો રહેવાની સંપૂર્ણ શક્યતા છે.
કન્ઝર્વેટિવ પાર્ટીએ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીના ઘોષણાપત્રમાં ઈન્કમ ટેક્સ, VAT અથવા નેશનલ ઈન્સ્યુરન્સના દરમાં ફેરફાર નહિ કરવાનું વચન આપ્યું હતું અને હવે નેશનલ ઈન્સ્યુરન્સમાં દર વધારીને તેનો ભંગ કરાયો છે. જોકે, સોશિયલ કેર સિસ્ટમમાં ધરમૂળ ફેરફારનું પણ વચન અપાયું હતું. એક વચનને સાચવવા જતા બીજા વચનનો ભંગ કરાયો હોવાની કાગારોળ ચાલી છે.
એક દલીલ એવી પણ થઈ હતી કે વયોવૃદ્ધ લોકોની સારસંભાળનો ખર્ચ યુવાનોના ખભા પર નાખવો ન જોઈએ. જોકે, યુવાન ખભા મજબૂત હોય છે અને તો પણ વૃદ્ધ થવાના જ છે તે હકીકત ભૂલવી ન જોઈએ.
