ન્યુ યોર્કઃ કોરોના સંક્રમણનો સામનો કરતાં ભારતની મદદ માટે અમેરિકન સાંસદોએ પણ અવાજ ઉઠાવ્યો છે. અનેક સાંસદોને પ્રમુખ બાઇડેનને અપીલ કરી છે કે સંકટની સ્થિતિમાં ભારતને વેક્સિન, મેડિકલ અને બીજી મદદ સુનિશ્ચિત કરવી જોઇએ. તેમણે કહ્યું કે ભારત અમારો મહત્વનો મિત્ર દેશ છે મહામારીના આ દોરમાં આપણે મિત્ર દેશોને મદદકરવી જોઇએ. તે આપણી જવાબદારી છે.
ભારતવંશી સાંસદ રો ખન્નાએ કહ્યું કે જે રીતે જરૂરિયાતના સમયે ભારતે અમેરિકાની મદદ કરી હતી એ જ રીતે અમેરિકાને પણ રસી મોકલીને ભારતની મદદ કરવી જોઇએ.ટેક્સાસના ગર્વનર ગ્રેગ એબોટે કહ્યું કે ભારતમાં વિનાશકારી સંકટ છે અને આ સ્થિતિમાં બાઇડેન એડમિનિસ્ટ્રેશન પાસે વધુ સહકારની અપેક્ષા રખાય છે. આપણા સૌથી મહત્વના વૈશ્વિક સાથીદારોમાંનો એક દેશ વાઇરસની લડાઇમાં રસી અને મેડિકલ સુવિધાઓની અછતનો સામનો કરી રહ્યો છે. આપણે તેમને મદદ કરવી જોઇએ. આ સિવાય એબોટે સોશિયલ મીડિયા પર પણ અમેરિકનોને અપીલ કરી કે, તમે પણ મારી સાથે ભારત માટે પ્રાર્થના કરો.