સમગ્ર દેશ ઉત્તરાખંડની સાથે છે: વડા પ્રધાન મોદી

Thursday 11th February 2021 11:56 EST
 
 

નવી દિલ્હીઃ આસામ અને પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, હું અત્યારે ગંગા નદીના એક કિનારા પર છું, પરંતુ ગંગાનું ઉદ્દભવસ્થાન ગણાતા રાજ્યમાં કુદરતી હોનારત સર્જાઇ છે. ગ્લેશિયરનો ભાગ નદીમાં તૂટી પડતાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. હું ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અને એનડીઆરએફના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છું. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. હું ઉત્તરાખંડની જનતાની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યો છું. સમગ્ર દેશ ઉત્તરાખંડની સાથે છે.
• ગ્લેશિયર તૂટી પડવાનાં કારણે અત્યંત ચિંતામાં છું અને જનતાની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યો છું. મને આશા છે કે રાહત અને બચાવ કામગીરી સારી રીતે ચાલી રહી છે. - રામનાથ કોવિંદ, રાષ્ટ્રપતિ
• રાહત અને બચાવ માટે એનડીઆરએફની ટીમો તહેનાત કરાઇ છે અને વધારાના દળો હવાઇમાર્ગે દિલ્હીથી પહોંચાડવામાં આવી રહ્યાં છે. કેન્દ્ર સરકાર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. મોદી સરકાર ઉત્તરાખંડની જનતાની સાથે છે. - અમિત શાહ, ગૃહપ્રધાન
• ગંગા કિનારાના જિલ્લામાં હાઇ એલર્ટના આદેશ અપાયા છે. જરૂર પડે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. લોકોએ અફવાથી પણ દૂર રહેવું જોઇએ. લોકોને નદી કિનારા પાસે નહીં જવા સૂચના અપાઇ છે. - યોગી આદિત્યનાથ, મુખ્ય પ્રધાન - ઉત્તર પ્રદેશ
• ગ્લેશિયર તૂટવાના સમાચારોથી ઘણી ચિંતિત છું. હું તમામની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું અને કોંગ્રેસના કાર્યકરો અને સ્વયંસેવકોને લોકો તથા તંત્રને રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા અપીલ કરું છું. - સોનિયા ગાંધી, કોંગ્રેસ પ્રમુખ


    comments powered by Disqus