હોલીડે નિયમો હળવા બનાવવાના વિવાદે વરવું સ્વરુપ ધારણ કર્યું છે અને ચાન્સેલર રિશિ સુનાકનો વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને લખેલો પત્ર લીક થઈ જતા આખું કમઠાણ સર્જાયું છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસના નિયમો હળવા બનાવવાની તરફેણ કરતા પત્રમાં સુનાકે પ્રવાસ નિયંત્રણો અર્થતંત્રને નુકસાન કરી રહ્યા છે અને ઈયુના અન્ય સ્પર્ધક દેશોની સરખામણીએ યુકે પાછળ રહી જશે તેવી ચેતવણી પણ આપી હતી. નિયમો હળવા બનાવવાના મુદ્દે વડા પ્રધાન અને ચાન્સેલર વચ્ચેનો વિવાદ એટલો વધ્યો કે જ્હોન્સને રિશિ સુનાકને ચાન્સેલરમાંથી હેલ્થ સેક્રેટરી બનાવી દેવા સુધીની ધમકી આપ્યાના અહેવાલો બહાર આવ્યા છે.
મૂળ વાત એ છે કે પત્ર લીક થવાથી સુનાકના દબાણથી નિર્ણય લેવાયો હોવાની છાપ સર્જાઈ છે જે જ્હોન્સનને જરા પણ પસંદ આવી નથી. આ વિવાદમાં ધ્યાન ખેંચનારી બાબત એ છે કે સુનાકની હકાલપટ્ટીની ધમકીના પગલે તેમને સમર્થન આપનારા ટોરી સાંસદો ખુલ્લામાં બહાર આવ્યા છે. સુનાકને નાણાકીય કન્ઝર્વેટિવ ગણવા સાથે તેઓ રોજબરોજના ખર્ચા પર ટાઈટ કન્ટ્રોલ રાખવા મુદ્દે કટિબદ્ધ હોવાનું દેખાઈ આવે છે અને પાર્ટીમાં તેમની લોકપ્રિયતા વધેલી છે. ટોરી સાંસદો ચાન્સેલરને પદભ્રષ્ટ કરવાની વાતને ટેકો આપી રહ્યા નથી. કોરોના મહામારીના ગાળામાં રિશિ સુનાકે બજાવેલી કામગીરી ભૂલી શકાય નહિ. મહામારીમાં તેમણે નાણાકોથળીઓ ખોલી નાખીને દેશની જનતા, વર્કર્સ અને અર્થવ્યવસ્થાને બચાવવા તમામ પ્રયાસો કર્યા હતા. કોરોના વાઈરસ મહામારીનું બિલ લગભગ ૨૬૩ બિલિયનથી ૩૯૧ બિલિયન પાઉન્ડથી વચ્ચે આવવાનો અંદાજ છે. બ્રિટનનું રાષ્ટ્રીય દેવું વાર્ષિક ૮૮ બિલિયન પાઉન્ડના હિસાબે વધી રહ્યું છે. કોરોના મહામારીમાં જે ધરખમ ખર્ચા કરાયા છે તેની વસૂલાત તો કરવી જ પડશે.
હવે ચાન્સેલર તરીકે તેઓ ખર્ચાને કડક શિસ્તમાં લાવવા ઈચ્છે તેમાં કોઈ નવાઈ નથી. સુનાક સોશિયલ કેર, પેન્શન્સ અને ગ્રીન એજન્ડા પર અતિશય ખર્ચ કરવાનો પ્રતિકાર કરતા આવ્યા છે અને જ્હોન્સન લોકપ્રિય પગલાં તરીકે તેની તરફેણ કરી રહ્યા છે. ડાઉનિંગ સ્ટ્રીટે ભલે એમ કહ્યું હોય કે વડા પ્રધાન ચાન્સેલર સુનાકમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે પરંતુ, જ્હોન્સને તેમને કાંટાળા તાજ સમાન હેલ્થ સેક્રેટરીના હોદ્દાની નીચલી પાયરી ઉતારી દેવાની ધમકી આપ્યાનો ઈનકાર પણ કર્યો નથી. આમ છતાં, હાલ કેબિનેટમાં ફેરફારની કોઈ યોજના નહિ હોવાનું જણાવી વાતને વાળી લેવાનો પ્રયાસ અવશ્ય કર્યો છે. હોઈ શકે કે ચાન્સેલરને ડીમોટ કરવાની ધમકી પાછળ જ્હોન્સનની અસલામતીની ભાવના પણ કામ કરતી હોય. ટોરી પાર્ટીમાં પણ જ્હોન્સનની લોકપ્રિયતા સતત ઘટી રહી છે અને સામા પક્ષે ટોરી પાર્ટી અને બ્રિટિશરોમાં પણ ચાન્સેલર સુનાક વધુ લોકપ્રિય બન્યા છે અને તેમને ભાવિ વડા પ્રધાન તરીકે જોવામાં આવે છે. જોકે, હકીકત એ છે કે જ્હોન્સને હાલ રિશિ સુનાકનો સાથ છોડવાનું કે તેમને પડતા મૂકવાનું પોસાય તેમ નથી.