દરિયાઈ માર્ગોનો આતંકવાદ માટે ઉપયોગ થઈ રહ્યો છે : મોદીનો પ્રહાર

Wednesday 11th August 2021 07:03 EDT
 
 

નવીદિલ્હીઃ પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની ઉચ્ચ કક્ષાની બેઠકની અધ્યક્ષતા સંભાળી હતી. UNSCની બેઠકની અધ્યક્ષતા સંભાળનાર તેઓ ભારતનાં પહેલા વડાપ્રધાન હતા. મોદીએ કહ્યું હતું કે, દરિયાઈ માર્ગોનો ઉપયોગ આજકાલ આતંકવાદ તેમજ પાયરસી માટે થઈ રહ્યો છે. સમુદ્ર એ આપણા સૌની સામૂહિક સંપત્તિ છે. અનેક દેશો વચ્ચે હાલ દરિયાઈ વિવાદ ચાલી રહ્યા છે. ક્લાઈમેટ ચેન્જ અને કુદરતી આફતો પણ દરિયા સાથે સંલગ્ન વિષય છે. પૃથ્વીનું અસ્તિત્વ ટકાવી રાખવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે દરિયો મહત્ત્વનો છે. આપણી સામૂહિક દરિયાઈ સંપત્તિને આજકાલ અનેક પ્રકારનાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. કોઈપણ પ્રકારના અવરોધો વૈશ્વિક વેપારને અવરોધશે. આથી તેમણે સાથે મળીને દરિયાઈ સુરક્ષા કરવા પર ભાર મૂક્યો હતો. UNSCની આ ઓપન ડિબેટમાં રશિયાનાં રાષ્ટ્રપ્રમુખ પુતિન પણ હાજર રહ્યા હતા.
મોદીએ પાંચ સિદ્ધાંતો સભ્ય દેશો સમક્ષ મૂક્યા
મોદીએ એન્હેન્સિંગ મેરિટાઈમ સિક્યુરિટી – અ કેસ ફોર ઈન્ટરનેશનલ કોઓપરેશન વિષય પર સંબોધન કરીને સભ્ય દેશો સમક્ષ પાંચ સિદ્ધાંતો રજૂ કર્યા હતાઃ
૧. માન્ય દરિયાઈ વેપાર આડેનાં અવરોધો હટાવવા જોઈએ. દરિયાઈ વેપાર અવરોધ મુક્ત હોવો જોઈએ. ભારતમાં સદીઓથી આવો મુક્ત વેપાર ચાલી રહ્યો છે. લોથલ બંદરથી ભૂતકાળમાં થયેલો વેપાર તેનું ઉત્તમ ઉદાહરણ છે.
૨. દરિયાઈ વિવાદોનો શાંતિપૂર્ણ અને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ઉકેલ લાવવો જોઈએ.
૩. કુદરતી આપત્તિઓ અને દરિયાઈ ખતરાઓનો સાથે મળીને સામનો કરવો જોઈએ.
૪. દરિયાઈ પર્યાવરણ અને સંસાધનોનું જતન કરવું જોઈએ.
૫. સૌએ સાથે મળીને જવાબદારીપૂર્વક દરિયાઈ કનેક્ટિવીટીને પ્રોત્સાહન આપવું જોઈએ.


    comments powered by Disqus