ઇસ્લામાબાદઃ ઇમરાન ખાનના નવા પાકિસ્તાનમાં હિન્દુઓ પરનો અત્યાચાર જરાપણ ઘટયો નથી. એક લેટેસ્ટ ઘટનામાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભગવાન ગણેશના એક મંદિર ઉપર કટ્ટરપંથીઓએ હુમલોે કરીને પહેલાં ગણપતિજીની ર્મૂિતને તોડી નાખી હતી અને પછી મંદિરને આગ લગાવી દીધી હતી. એટલું જ નહીં આ કટ્ટરપંથીઓએ સમગ્ર ઘટનાને ફેસબૂક પર લાઇવ બતાવી હતી. આ ઘટનાના સંદર્ભમાં સ્થાનિક પોલીસે હિન્દુઓની ફરિયાદ પર કોઇ ધ્યાન આપ્યું ન હતું જેથી લઘુમતી સમુદાયે સુપ્રીમ કોર્ટને દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે.
ભારતના બંને પાડોશી ઈસ્લામિક દેશોમાં લઘુમતી હિન્દુઓને કટ્ટરપંથીઓથી જોખમ ઊભું થયું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના એક ગણેશ મંદિર પર હુમલો કરાયા બાદ ગણપતિજીની મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી. બાદમાં મંદિરને આગ ચાંપી સળગાવી દેવાયું હતું. આ ઘટનાના માત્ર પાંચ દિવસ બાદ બાંગ્લાદેશમાં પણ ખુલના જિલ્લાના શિયાલી ગામમાં કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા ૪ મંદિરોમાં મૂર્તિઓ ખંડિત કરી દેવામાં આવી હતી, બાદમાં તોડફોડ કરી આસપાસના સંખ્યાબંધ લઘુમતિ હિન્દુઓના ઘરોને નિશાના બનાવ્યા હતા અને ભારે વિનાશ વેર્યો હતો. આ ઘટનાને પગલે બાંગ્લાદેશની પોલીસે દસ કટ્ટરપંથી મુસ્લિમોની ધરપકડ કરી હતી.
પાકિસ્તાનમાં મંદિરમાં તોડફોડના આરોપમાં ૧૫૦થી વધુ લોકો વિરુદ્વ કેસ દાખલ કરાયો છે. અત્યાર સુધીમાં ૫૦ લોકોની ધરપકડ પણ કરાઇ છે.
લાહોરથી ૫૯૦ કિં.મી દૂર રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ કસબામાં એક ગણેશ મંદિર પર ટોળાએ હુમલો કર્યો હતો. આ મંદિરનું સમારકામ શરૂ કરાયું છે. પાકિસ્તાનમા ૭૫ લાખ હિંદુ છે. જ્યારે હિંદુ સમાજના મતે તેમની વસ્તી ૮૦ લાખ છે.
પાકિસ્તાનના હિંદુ મંદિરમાં બનેલી તોડફોડની ઘટના પછી હિંદુ સમાજનો ગુસ્સો આકાશને આંબી રહ્યો છે. તેના પગલે કરાચીમાં પાકિસ્તાનના સમગ્ર લઘુમતીઓએ મોટાપાયા પર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કરાચીમાં જોરશોરથી જય શ્રી રામ અને હરહર મહાદેવના નારા લાગ્યા હતા.
કરાચીની પ્રેસ ક્લબની બહાર થયેલા મોટાપાયા પરના વિરોધ પ્રદર્શનમાં પાકિસ્તાનના બધા જ લઘુમતી સમાજના લોકો સામેલ હતા. તેમા હિંદુઓ ઉપરાંત શીખ, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકો પણ જોડાયા હતા.
પાકિસ્તાનની સુપ્રિમકોર્ટે રહીમયાર ખાન જિલ્લામાં હિન્દુ મંદિર પર હુમલાને લઇને પોલિસ અને અન્ય અધિકારીઓને ફટકાર લગાવી હતી. સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટિસ ગુલઝાર અહેમદે આ મામલે સુનાવણી કરી અને આઇજીપી ઇનામ ગનીને સવાલ કર્યા કે તંત્ર અને પોલીસ શું કરી રહી હતી, જ્યારે મંદિર પર હુમલો કરાયો? ચીફ જસ્ટિસે કહ્યું કે આ હુમલાથી દુનિયાભરમાં પાકિસ્તાનની છબિને મોટું નુકસાન થયું છે. તેના પર ગનીએ કહ્યું કે તંત્રની પ્રાથમિકતા મંદિરની આજુબાજુના ૭૦ હિન્દુઓના ઘરોની સુરક્ષા કરવાની હતી.