ભારત-ઈરાન-રશિયાઃ કભી પાસ, કભી દૂર

Wednesday 11th August 2021 06:23 EDT
 

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન હોતા નથી, માત્ર દેશના હિતો જ સર્વોપરી રહે છે તે તદ્દન સત્ય હકીકત છે.
રશિયા સાથેના સંબંધો અત્યારે નાજુક દોરમાંથી પસાર થઇ રહ્યા છે. એક સમયના જીગરજાન મિત્ર રશિયાએ હવે ભારતને નજરઅંદાજ કરવાનું શરૂ કરી દીધું છે આનું મુખ્ય કારણ અમેરિકા સાથે ભારતની વધી રહેલી મિત્રતા છે. જોકે, રશિયાએ અમેરિકા સાથે સંબંધ બગાડ્યા નથી એટલે જ અફઘાનિસ્તાન મામલે બોલાવેલી બેઠકમાં ચીન, પાકિસ્તાન અને અમેરિકાને આમંત્રણ આપ્યું પરંતુ, ભારત તરફથી મોં ફેરવી લીધું છે. અગાઉ પણ ૧૮ માર્ચ અને ૩૦ એપ્રિલની બેઠકમાં ભારતને જરા પણ મહત્ત્વ અપાયું નહિ.
ભારતના ઘણા હિતો સંકળાયેલા છે તેવા અફઘાનિસ્તાનમાં તાલિબાન કટ્ટરવાદીઓ કબજો જમાવી રહ્યા છે. તાલિબાનને ભારતની રાજકીય સ્વીકૃતિ જોઈએ છે પરંતુ, ચીન અને પાકિસ્તાન અને હવે રશિયા ભારત-તાલિબાન સંબંધો ન બંધાય તે માટેની પેરવી કરી રહ્યા છે. બીજી તરફ, તાલિબાને ભારતને અફઘાન સરકારનો સાથ છોડી દેવા આડકતરી ધમકી આપી છે જે ભારત કરી શકે તેમ નથી.
એક બીજો સિનારિયો જોઈએ તો ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે એક જ મહિનામાં બીજી વખત ઈરાનની મુલાકાત લઈને ભારત-ઈરાનની દોસ્તી મજબૂત હોવાનો સંકેત પાઠવ્યો છે. આ ઈશારો સીધો અમેરિકાને અપાયો છે જેણે ઈરાન સામે અનેક પ્રતિબંધો લાદ્યા છે. ભારતને સસ્તું ઓઈલ પૂરું પાડતા ઈરાન સાથે મિત્રતાનો અંત લાવવા અમેરિકાએ ભારત પર ઘણું દબાણ કર્યું છે પરંતુ, ભારત તેની સામે ઝૂક્યું નથી. ઈરાને ફરી મિત્રતાનો હાથ લંબાવ્યો છે તેની પાછળ પણ તાલિબાન કારણભૂત છે. અફ્ઘાનિસ્તાન અને ઇરાન વચ્ચે ૯૨૧ કિલોમીટરની સરહદ છે અને તાલિબાન આતંકવાદની તેને ચિંતા પણ છે. અફઘાન મામલે મંત્રણામાં રશિયાએ ઈરાનને પણ સામેલ કર્યું નથી. આમ, રશિયાએ હું, બાવો અને મંગળદાસનો ઘાટ ઘડ્યો છે. હવે ભારત સામે ચીન, પાકિસ્તાનની રચાયેલી ધરીમાં રશિયા પણ સામેલ થઈ રહ્યું છે ત્યારે ભારતે વધુ સતર્ક રહેવું પડશે.


comments powered by Disqus