સમયને સરી જતા જરા પણ સમય લાગતો નથી. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૧નો દિવસ ભારત માટે નવું નજરાણું લઈને આવશે કારણકે આજથી ૭૫ વર્ષ અગાઉ ભારતે બ્રિટિશ સામ્રારાજ્યના ૨૦૦ વર્ષના શાસનમાંથી મુક્તિ મેળવી હતી. આપણા સહુ માટે આ આઝાદીનો અમૃત મહોત્સવ બની રહેશે. સ્વતંત્ર ભારત કરવટ બદલી રહ્યું છે. આજે ભારત સમગ્ર વિશ્વમાં રાજકીય, લશ્કરી અને આર્થિક દૃષ્ટિએ મહાબલી રાષ્ટ્રોમાં સ્થાન મેળવી ચુક્યું છે. આ ૭૫ વર્ષના ગાળામાં ભારતે ઘણું હાંસલ કર્યું છે. અમેરિકા અને યુકે સહિતના દેશો ભારતની મિત્રતા ઝંખી રહ્યા છે. કોવિડ મહામારીના સમયમાં ભારતની વેક્સિન ડિપ્લોમસીએ દેશના અર્થતંત્ર માટે નવા દ્વાર ખોલી આપ્યા છે. આંતરરાષ્ટ્રીય વેપારક્ષેત્રે પણ ભારતે નિકાસો વધારી છે. આ સાથે વિદેશસ્થિત ભારતીયોના પરિશ્રમે દેશની વિદેશી હુંડિયામણની ૬૧૨.૭૩ બિલિયન ડોલરની નાણાકોથળીએ દેશની તિજોરી છલકાવી દીધી છે. ઈન્ફર્મેશન ટેકનોલોજી હોય કે સ્પેસ ટેકનોલોજી ભારતના ઉપગ્રહ મિશનોએ ડંકો વગાડ્યો છે. ભારતે પોતાની સરહદો પર ‘આંખની સામે આંખ’ની નીતિ અપનાવી આક્રમણખોરોને વિચારતા કરી દીધા છે. ગલવાન ઘાટીની ઘટના પછી ભારતે ચીનને જડબાતોડ જવાબ આપવા ૫૦,૦૦૦ સૈનિકો અને વિશાળ માત્રામાં શસ્ત્રસરંજામ ખડકી દેતાં ચીનની ઊંઘ હરામ કરી નાખી છે જેનો સીધો પડઘો લશ્કરી દળો પાછા ખેંચવાની મંત્રણા તરીકે આવ્યો છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં આતંકવાદીઓ ઘૂસાડવાની પાકિસ્તાની ચાલ પણ નિષ્ફળ કરી દેવાઈ છે. આ તમામ બાબતો નવા ભારતની દેન છે.
બ્રિટિશ સરકારે ભારતને આઝાદી આપવી પડી ત્યારે ટોરી નેતા વિન્સ્ટન ચર્ચિલે હુંકાર કર્યો હતો કે ભૂખડીબારસ ભારત સ્વતંત્રતા પચાવી શકશે નહિ અને આપણે ફરીથી તેની બાગડોર સંભાળી લેવી પડશે. પરંતુ, આઝાદીના ૭૫ વર્ષ વીતી ગયા પછી ભારત ભૂખડીબારસ જરા પણ રહ્યું નથી. ભારતે સમૃદ્ધિના નવા સીમાડા સર કરેલા છે. મહત્ત્વની બાબત એ છે કે ભારતે આ વિકાસ લોકશાહી માળખામાં રહીને સાધ્યો છે. ભારતની લોકશાહી જીવંત છે. અનેકતામાં એકતાના મહામંત્રને આપણે સર કર્યો છે. વિભાજન થકી આઝાદ બનેલાં પડોશી પાકિસ્તાનની દુર્દશા આપણે જોઈ શકીએ છીએ. કોઈ પણ રાષ્ટ્ર માટે સ્વાતંત્ર્યદિન હંમેશાં વિશેષ મહત્ત્વ અને સંભારણાનો દિવસ બની રહે છે. ભારતે અત્યાર સુધી જે હાંસલ કર્યું છે તેનું ગૌરવ અવશ્ય રહે પરંતુ, આઝાદી પ્રાપ્ત કરવામાં જે લોકોએ બલિદાનો આપ્યા છે તેમની શૌર્યગાથાઓ પણ ભૂલીએ નહિ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૫મા સ્વાતંત્ર્યદિન માટે ‘નેશન ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ’નું થીમ જાહેર કર્યું છે. આપણે પણ નાની-મોટી બાબતોમાં આ સૂત્રને વળગી રહીએ તે જ રાષ્ટ્રનું ગૌરવગાન બની રહેશે.