કોરોના સામે રક્ષણ આપે છે મલ્ટિવિટામિન્સ, ઓમેગા-૩ અને વિટામિન-ડી

Wednesday 12th May 2021 04:01 EDT
 
 

લંડનઃ એક વિશાળ સંશોધનમાં સામે આવ્યું છે કે કોરોના વાઇરસ સામે પહોંચી વળવામાં મલ્ટિવિટામિન્સ, ઓમેગા-૩ અને પ્રોબાયોટિક્સ અથવા વિટામિન ડી સપ્લિમેન્ટ્સ લેવાથી ઘણો ફાયદો થાય છે. ખાસ કરીને મહિલાઓને કોરોના સામે રક્ષણ આપવામાં આ વિટામિન્સ અને ઓમેગા-૩ વગેરે વધુ ફાયદાકારક માનવામાં આવે છે.
બીએમજે ન્યૂટ્રિશન પ્રિવેન્શન એન્ડ હેલ્થમાં પ્રકાશિત સંશોધનમાં દાવો કરાયો છે કે મલ્ટિવિટામિન્સ, ઓમેગા-૩, પ્રોબાયોટિક્સ અથવા વિટામિન-ડી સપ્લિમેન્ટ્સ લેવાથી કોરોના પોઝિટિવનો ખતરો ઘણા અંશે ટાળી શકાય છે. આ સંશોધનમાં બ્રિટનની કિંગ્સ કોલેજના રિસર્ચર્સ પણ સામેલ થયા હતા.
ગત વર્ષે જ્યારે વિશ્વભરમાં કોરોના ફેલાવાની શરૂઆત થઈ હતી ત્યારે એક એપ્લિકેશન સંશોધકોએ લોંચ કરી હતી. જેને કોવિડ - ૧૯ સિમ્ટમ્સ એપ તરીકે ઓળખવામાં આવે છે. આ એપની મદદથી લોકોના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા જેમાં તેઓ દૈનિક જીવનમાં કેવા કેવા સપ્લિમેન્ટ્સ, વિટામિન્સ વગેરે લે છે તેનો સમાવેશ કરાયો હતો.
સંશોધન માટે બ્રિટન, અમેરિકા, સ્વિડન વગેરે દેશોમાં આ એપ લોંચ કરાઈ હતી અને તેમાં આશરે ચાર લાખ લોકોને જોડવામાં આવ્યા હતા. આ લોકોમાં મોટાભાગના લોકો બ્રિટનના હતા. તેમણે આપેલી માહિતીના આધારે સંશોધનનું તારણ કાઢવામાં આવ્યું, જેમાં સામે આવ્યું કે મે, જૂન, જુલાઈ ૨૦૨૦ દરમિયાન તેઓએ જે પણ મલ્ટિવિટામિન્સ, ઓમેગા - ૩, વિટામિન ડી વગેરે લીધા તેનાથી તેઓને કેવા કેવા ફાયદા થયા.
આ બધામાંથી માત્ર ૨૩ હજાર લોકોને જ કોરોના થયો હતો જ્યારે બાકીના સાડા ત્રણ લાખ જેટલા લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.


comments powered by Disqus