આજથી ૨૬૧૯ વર્ષ પૂર્વે જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામિનો જન્મ ચૈત્ર સુદ તેરસના શુભ દિને બિહારની ક્ષત્રિયકુંડ નગરીમાં માતા ત્રિશલા રાણીની કૂખે, રાજા સિધ્ધાર્થને ત્યાં થયો હતો. ૨૫ એપ્રિલના રોજ દેશવિદેશમાં વસતા જૈનોએ મહાવીર જયંતિની શાનદાર ઉજવણી કરી.
પ્રભુ જ્યારે માતાના ઉદરમાં હતા ત્યારે ચૌદ મહા મંગલકારી ઉત્તમ સ્વપ્નો ત્રિશલારાણીને આવ્યા હતા ત્યારે સિધ્ધાર્થ મહારાજાએ ભવિષ્ય વાણી ઉચ્ચારતા કહયું કે, આપણા ઘરે જન્મ લેનાર બાળક "જગ ઉધ્ધારક" નીવડશે.
પ્રભુ પૃથ્વી પર અવતર્યા ત્યારે દેવલોક અને પૃથ્વી લોકમાં આનંદોત્સવ મનાવાયો. માતાએ પુત્રને પારણામાં પોઢાડી મીઠાં -મધુરા હાલરડાં ગાયા. રાજાએ દાન આદી સત્કૃત્યો કર્યા. રાજ્યમાં સર્વ પ્રકારના દઁડ અને સજા માફ કરવામાં આવ્યા. કેદીઓને મુક્ત કર્યા. કર માફ કરાયા. પૃથ્વી ધન-ધાન્યથી ઉભરાતી હતી. ચારેકોરથી વૃધ્ધિના સુખદ સમાચાર મળતાં ભગવાનનું નામ વર્ધમાન પાડવામાં આવ્યું.
જ્ઞાન-વૈરાગ્ય અને તપ શક્તિવાળા તેમજ અતિ કઠિન ઉપસર્ગોને સહન કરી કર્મ શત્રુને અસાધારણપણે જીતનાર તે હોવાથી તેમનું બીજું નામ શ્રમણ ભગવાન મહાવીર પાડવામાં આવ્યું. ૩૦ વર્ષ ગૃહસ્થાવસ્થા, સાડાબાર વર્ષ કઠિન તપ અને ૩૦ વર્ષ કેવળજ્ઞાન તથા ૭૨ વર્ષનું આયુ પૂર્ણ કરતા અગાઉ પાવાપુરી, રાજગૃહી નગરીમાં સતત ૭૨ કલાક દેશના આપી. પ્રભુના ઉપદેશનું શ્રવણ કરવા માત્ર મનુષ્યો જ નહિ, પશુ, પંખી સૌ કોઇ બેસી ગયા હતા. ત્રણ દિવસના નિર્જળા ઉપવાસ કરી ઉપદેશ આપી આસો વદ અમાસની રાત્રે પ્રભુ નિર્વાણ પામ્યા. ચારેકોર અંધકાર છવાઇ ગયો. એ વેળા ઘરે ઘરે દીવા પ્રગટાવ્યા. જૈનો એ દિવસ દિવાળીના પર્વ તરીકે ઉજવે છે.
એમનો ઉપદેશ આજના કોરોનાના કપરા કાળમાં ખૂબ જ ઉપયોગી છે. ભગવાનના ઉપદેશની એક્સપાયર ડેટ નથી. એને અપડેટ કરવાની જરૂર નથી. પ્રત્યેક કાળ, સ્થળ, સંજોગોમાં એ સદા -સર્વદા પ્રેરક રહે છે. એ સનાતન છે. ‘‘તમારા ભોગે અન્યને જીવાડો’’ સૂત્રને અનુસરવાની આજે તાતી જરૂરત છે. તમને જે નથી ગમતું એ બીજાને ન ગમે અને જે તમને ગમે એ બીજાને ગમે એ મગજમાં રાખીએ તો કોઇના દિલને ઠેસ પહોંચાડવાનું કર્મ કરતા અટકી જઇએ જેનું સરળ સૂત્ર છે: “જીવો અને જીવવા દો".
"અહિંસા પરમો ધર્મ"માં પ્રત્યેક જીવની હિંસા જાણતા-અજાણતા ન થાય એ સાથે જ વાણી-વિચાર-વર્તનમાં પણ એનો ખ્યાલ રાખવાનો છે. વનસ્પતિમાં પણ જીવ હોવાને કારણે એનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવા ઉપરાંત કંદમૂળના ત્યાગમાં ય જીવહિંસા કેન્દ્ર સ્થાને છે. પર્યવરણના જતનની પણ એમાં વાત છે. આચાર-વિચાર, આહાર શુધ્ધિમાં અહિંસાના આચરણનો જ મહિમા છે. બીજો મંત્ર “પરસ્પરગ્રહો જીવાનામ્”: દરેકનું જીવન એકબીજા પર આધાર છે. એકબીજાને મદદ કરો.
ભગવાન શ્રી મહાવીરસ્વામિએ માનવતા ધર્મને જ પ્રાધાન્ય આપ્યું છે. પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ. જાણતા-અજાણતાં કોઇને દુ:ખ ન થાય એનો ખ્યાલ. સેવા-દાનનો મહિમા. દુ:ખી કે પીડિતો માટે કરૂણા ભાવ, સંવેદના, મૈત્રી ભાવ ...આ બધામાં માનવતા કેન્દ્ર સ્થાને છે. વનસ્પતિમાં જીવ હોવાને કારણે પર્યાવરણનું રક્ષણ, એનો બિનજરૂરી વ્યય થતો અટકાવવો. અપરિગ્રહને અપનાવવું. જરૂર કરતા વધુ સંગ્રહ ન કરવો. તમારી પાસે વધુ સંપતિ હોય તો એનો સદુપયોગ કરવો. સત્કાર્યમાં પરોવાયેલું રહેવું.
જૈન ધર્મનો અનેકાન્તવાદ વાદ-વિવાદથી બચાવે છે અને દરેક વ્યક્તિ પોતપોતાની સમજ મુજબ સાચી હોઇ શકે છે એ વાતનું સમર્થન આપે છે. એ માટે હાથીનું વર્ણન કરતા પાંચ અંધજનોની વાત ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એક અજાણ્યું પ્રાણી જેના આકાર કે કદથી અજાણ એવા એક અંધજનોના ગૃપને એનું વર્ણન કરવાનું કહેવામાં આવે છે. એકના હાથમાં કાન આવે છે તો એને મન હાથી સૂપડા જેવો છે. એકના હાથમાં પગ આવે છે તો એને મન એ થાંભલા જેવો છે. જેના હાથમાં સૂંઢ આવે એને એ જાડા સાપ જેવો લાગે છે. જેના હાથમાં પૂંછ આવી એને દોરડા જેવો લાગ્યો અને જેણે એના શરીર પર હાથ મૂક્યો એને દિવાલ જેવું પ્રાણી લાગ્યું.
આમ એક જ વસ્તુ માટે દરેકની દ્રષ્ટિકોણ અલગ હોઇ શકે. એ સંપૂર્ણ સત્ય નથી તેમછતાં બધા પોત-પોતાની રીતે સાચા છે. આ અભિગમ કે શૈલી અપનાવવાથી વાદ-વિવાદ ટાળી શકાય.
“જીંદગીકો બદલનેકે લીયે લડના પડતા હૈ, ઔર આસાન કરને કે લીયે સમજના પડતા હૈ.”
સમગ્ર વિશ્વના કલ્યાણ અને સુખાકારીની પ્રાર્થના. સૌના જીવનમાંથી દુ:ખ-દર્દ દૂર થાઓ અને શાંતિ પ્રાપ્ત થાય એ માટે સક્રિય બની એકબીજાના સુખ-દુ:ખના સહભાગી બની માનવતાનું ઝરણું વહાવવા સૌ કોઇએ યથાશક્તિ મદદ કરવા આગળ આવવાની પહેલ કરવી. સમય દાન, સ્નેહ દાન, સંપતિ દાન, સંસ્કાર દાન કે સત્સંગ દાન કરવું... આ જ સાચો ભગવાન મહાવીરનો ધર્મ છે. કોરોનાના કપરા કાળમાં કરૂણાનો સ્ત્રોત વહાવવાથી જ સાચી મહાવીર જયંતિની ઉજવણી કરી કહેવાશે.
મહાવીર જયંતિ નિમિત્તે ફ્રાઇડે ક્લબે યોજેલ સફળ વાર્તાલાપ
શુક્રવાર તા. ૭ મેની બપોરે સીનીયર લેડીઝ ગૃપ-હેરો, હાલ ફ્રાઇડે ક્લબના શ્રીમતી ઊર્મિલાબહેન ઠક્કરે એમના આ લેડીઝ ગૃપ માટે મહાવીર જયંતિ નિમિત્તે ખાસ વક્તવ્ય અને વાર્તાલાપ અને સ્તવનનું આયોજન કર્યું હતું જેથી બિનજૈનો જૈન ધર્મ વિષેની જાણકારી મેળવી શકે. સર્વધર્મ પ્રત્યે સન્માન ભાવ જાગે અને જ્ઞાનમાં વૃધ્ધિ થાય એ હેતુથી યોજ્યો હતો. આ પ્રસંગે એક કલાકનું વક્તવ્ય મને આપવાનો અવસર સાંપડ્યો હતો.
કાર્યક્રમનો શુભારંભ નવકાર મંત્ર અને મૈત્રીભાવનું પવિત્ર ઝરણું ગાનથી થયો હતો. ૧૩૦-૧૪૦ બહેનોના આ ગૃપની ૮૫ જેટલી બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લઇ આનંદ વ્યક્ત કર્યો હતો. એમાં આપેલ વક્તવ્યનો સારાંશ ઉપરોક્ત લેખમાં આવરી લેવાયો છે. બહેનોમાં સશક્તિકરણ માટે આવા કાર્યક્રમો યોજવા માટે એના સંચાલક ઊર્મિલાબહેન ઠક્કરને ધન્યવાદ.