બહુપ્રતિભાધારી બાબુકાકાનું અનુમોદનીય અનુદાન

-જ્યોત્સના શાહ Wednesday 12th May 2021 03:35 EDT
 
 

બન સહારા બેસહારોં કે લીયે, બન કિનારા બેકિનારોં કે લીયે,
જો જીયે અપને લીયે તો ક્યા જીયે, જી શકે તો, દુસરોંકે લીયે જી...
પોતાના માટે તો સૌ કોઇ જીવે છે પરંતુ બીજાનો સહારો બનીને જીવીએ અને જીવનમાં કંઈક એવું કરીને જઇએ તો સદીઓ સુધી સૌ કોઇ યાદ કરે. આવા વિરલાઓ ધરતી પર ગણ્યા-ગાંઠ્યા હોય છે. આ શ્રેણીમાં આવે એવી વિરલ વ્યક્તિનો પરિચય મહાવીર જયંતિના પુણ્યવંતા પ્રસંગે કરાવતા હું ગૌરવ અનુભવું છું. સાચો ધર્મ માનવતાનો છે. સૌ કોઇ પ્રત્યે કરૂણાભાવ રાખવાનો છે. સત્કાર્યો કરી પુણ્ય ઉપાર્જન કરવાનો છે. મોંઘો માનવભવ મળ્યો છે એનો સદુપયોગ કરી જીવન ઉજાળીએ. પ્રભુ મહાવીરની વાણી "મા ગોપયમ્ સમયમ્",મતલબ એક પણ ક્ષણનો સમય બરબાદ ન કરો. એક એક ક્ષણનો સદુપયોગ કરો એ ઉપદેશને જીવનમાં ઉતારી દાખલો બેસાડીએ. શ્રી બાબુભાઇ રતનશી મહેતા એનું ઉજળું ઉદાહરણ છે.
 “બાબુકાકા"ના હુલામણા નામે જાણીતા નવનાત વણિક એસોસિએશનમાં સિંહફાળો આપનાર અને વિદેશની ધરતી પર જૈન ધર્મના શાસનને દીપાવનાર આ બાબુકાકાનો ૧૦૨મો જન્મદિન ૨૮ એપ્રિલના રોજ છે. ભગવાન મહાવીરના જન્મ જયંતિ પ્રસંગે શાસનની શાન વધારનાર અને ભગવાનના સંદેશાને આત્મસાત્ કરનાર પ્રેરણાદાયી બાબુકાકાના જીવન ઝરમર પર દ્રષ્ટિપાત કરીએ.
૨૮ એપ્રિલ ૧૯૧૯માં ગુજરાતના જામનગર નજીક આવેલ લાલપુર ગામમાં પિતાશ્રી રતનશીભાઇ અને માતુશ્રી મણીબેન મહેતાને ત્યાં બાબુલાલનો જન્મ થયો હતો. એમને એક ભાઇ અને ત્રણ બહેનો હતી. ૧૪ વર્ષની કુમળી વયે અભ્યાસ અધૂરો મૂકી વિદેશ પ્રયાણ કર્યું.
યુગાન્ડાના કમ્પાલા ગામમાં એમના અદાની પેઢીમાં ૧૯૩૩ થી ૧૯૩૯ સુધી નોકરી કરી. ૧૯૩૯-૪૦માં વતન લાલપુર પરત ગયા. ૧૯૪૧માં મૂળ પોરબંદરના મોમ્બાસા નિવાસી શ્રી મીઠાલાલ રામજી વોરાની સુપુત્રી કમળાવતી સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. પછી યુગાન્ડા પાછા ફર્યા. ૧૯૪૨માં નાના ભાઇ રમણિકલાલને તેડાવ્યા. બે ભાઇઓ અને બનેવી શ્રી જમનાદાસ કપૂરચંદ મહેતા સાથે ભાગીદારી કરી. બાબુલાલા વિનોદરાય એન્ડ કંપની નામની પેઢી સ્થાપી હોલસેલ ધંધો શરૂ કર્યો.
દરમિયાનમાં સામાજિક, ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યા. ૧૯૪૨માં યુગાન્ડામાં પ્રથમ જૈન પાઠશાળા શરૂ કરવાનું શ્રેય એમને ફાળે જાય. ત્રણ શિક્ષકોના નેતૃત્વથી શરૂ થયેલ પાઠશાળાના ત્રણ શિક્ષકોમાં એક બાબુલાલ રતનશી મહેતા, મગનલાલ સંઘવી અને રમણિકલાલ રતનશી મહેતા. ૧૯૪૬માં જૈન સ્થાનકવાસી સંઘની સ્થાપના થઇ. સમાજે ૧૯૪૫-૪૬માં ૨૪૦૦ ચો.ફૂટનો હોલ ખરીદ્યો અને એમાં પર્યુષણ, આયંબિલ ઓળી, પ્રતિક્રમણ વગેરે ધાર્મિક પ્રવૃત્તિઓનો શુભારંભ થયો.
૧૯૭૨માં ઇદી અમીનની હકાલપટ્ટી વેળા તેઓ બધું છોડી લંડન આવ્યા. અત્રે કિંગ્સબરીમાં સ્થાયી થયા. એમને એક દિકરી અને ત્રણ દિકરાઓ છે. સેવાભાવી જીવ અત્રે સેટલ થતાં જ નવનાત વણિક એસોસિએશનમાં પ્રવૃત્ત થયા.
નવનાત વણિક એસોસિએશનના બિલ્ડીંગ ફંડમાં ૫૧,૦૦૦ પાઉન્ડનું માતબર દાન અને સંસ્થાના બીજા હોલ માટે ૨૦,૦૦૦ પાઉન્ડનું દાન નોંધાવ્યું. મહાવીર ફાઉન્ડેશનના કેન્ટન દેરાસરમાં અને માંચેસ્ટરના જૈન દેરાસરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા વિધિમાં ભાગ લીધો. માદરે વતનમાં અબોધ પ્રાણીઓનો કેમ્પ કરી જીવદયાપ્રેમ દાખવ્યો. લાલપુર અને આસપાસના ગામોમાં સર્વરોગ મેડીકલ કેમ્પ યોજ્યો અને ૧૨ ડોકટરોની સહાયથી ૧૩૦૦ દર્દીઓએ એનો લાભ લીધો. પ્રિસ્ક્રીપ્શન મુજબ તમામ દર્દીઓને દવાઓનું મફત વિતરણ કર્યું. નાના-મોટા અનેક સેવાકાર્યોમાં જોડાયા.
દેશ-વિદેશમાં ૧૦૦ દિવસ સુધી સવાકરોડ નવકારમંત્રના જાપનું આયોજન કર્યું.
ધાર્મિક સાથે જ શિક્ષણ અને સમૂહ લગ્નોના આયોજનમાં ય એમનો ઉદાર ફાળો નોંધનીય છે. જમાના મુજબ ઉદારવાદી વિચારો ધરાવતા હોવાને કારણે નાના-મોટા સૌના પ્રિય હતા. એમનો સિધ્ધાંત હતો કે, ડાબા હાથે કરેલ કામની જાણ જમણા હાથને ન થવી જોઇએ. આપબડાઇથી દૂર રહેતા. નવનાત વણિક એસોસિએશનના પેટ્રન હતા. નવનાત વડિલ મંડળની સ્થાપનામાં ય એમનો સિંહફાળો હતો. મહાત્મા ગાંધી ફાઉન્ડેશનમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. લાલપુર સોસીયલ સર્વિસીસ ગૃપના પ્રમુખ, ઉપપ્રમુખનો હોદ્દો શોભાવ્યો છે.
એમની સેવાઓની કદરરૂપે લાલપુર ગામમાં ધાર્મિક અને દાનવીર તરીકે એમનું સન્માન કરાયું હતું. કમ્પાલામાં શ્રી સ્થાનકવાસી જૈન સંઘે એમની સેવાઓની કદર કરી માનપત્ર એનાયત કર્યું હતું. નેશનલ કાઉન્સિલ ઓફ વણિક એસોસિએશન અને મહાવીર ફાઉન્ડેશને પણ એમની સેવાઓની કદર કરી સર્ટિફિકેટ અર્પણ કર્યું હતું. સમાજમાં કોઇને ત્યાં સ્વજનની ચિર વિદાય થાય ત્યારે એમના અંતિમ સંસ્કાર જૈન વિધિથી કરાવવા ગમે તેવી ખરાબ વેધર હોય પણ બાબુકાકા અચૂક સેવા સાદર કરવા પહોંચી જાય. દુ:ખી પરિવારને આશ્વાસન આપી એમના સ્વજનની ભૂમિકા ભજવી.
આ સાથે સાહિત્યના ય શોખીન હતા. નાન-મોટા વિષયો પર લેખો લખતા. જીવનમાં માનસિક શાંતિ કઇ રીતે મેળવવી? તન-મનની તંદુરસ્તી કઇ રીતે જાળવવી? લંડનના જીવન અને સંસ્કૃતિ વિષે તેમજ ગુજરાતી ભાષા અને બાળઉછેર વિષે પણ લેખો લખતા. આ લેખો નાની-મોટી ૮૦ હસ્તલિખિત પુસ્તિકાઓમાં સંગ્રહિત છે. “ગુજરાત સમાચાર"ના તમારી વાતના પત્રોમાં પણ અવાર-નવાર પોતાના વિચારોની અભિવ્યક્તિ કરતા હતા. તેમના ચરિત્ર ઘડતરમાં પોતાના અદા શ્રી નેમચંદ સવચંદ મોદી અને જૈન વિદ્વાન પ્રજ્ઞાચક્ષુ શ્રી લાલચંદ મોતીલાલનો પ્રભાવ હોવાનું તેઓ સ્વીકારતા હતા.
તેઓ માનતા હતા કે, “આ એક પુણ્યનો ઉદય વડિલોના પ્રતાપે જ હોઇ શકે. જેનાથી મારી ધાર્મિક ભાવના જળવાઇ રહી છે. આ જ સાચું પુણ્ય અને જૈન શાસનનો પ્રભાવ છે.”
ધર્મપ્રેમી, સમાજસેવક, દાનવીર, જીવદયા પ્રતિપાલક, લેખક એવા એ બહુ પ્રતિભાશાળી મુઠ્ઠી ઊંચેરા માનવીની ખોટ આજે ય સમાજને વરતાય છે. તેઓ "સ્વ" અને "પર"ના કલ્યાણમાં માનનારા હતા.
એમના જીવનનો અંત પણ એક જૈનને છાજે તેવો હતો. અંત સમયે બે હાથ જોડી સમગ્ર સંબંધોનું પચ્છખાણ કર્યું એમ કહી નિ:સ્પૃહી બની શાંત ચિત્તે નવકાર મંત્રનું સ્મરણ કરતા કરતાં નાતાલના દિવસે તા.૨૫-૧૨-૨૦૧૦ના રોજ સમાધિપૂર્વક લંડનમાં દેહત્યાગ કર્યો. એમના પૂણ્યના પ્રભાવે અને આશીર્વાદથી દિકરી મંજુલાબેન, ત્રણેય દિકરાઓ બિપિનભાઇ, દિલીપભાઇ અને રોહિતભાઇનો પરિવાર સુખી છે. હાલ મોટા દિકરા બિપિનભાઇ હયાત નથી. તેમના પરિવારની રગેરગમાં સેવા-નિષ્ઠા-સાધર્મિક ભાવના અને નમ્રતા જેવા ગુણો વહી રહ્યા છે. એ જ એમની અણમોલ મૂડી અને જીવનનું ભાથું છે. જે સમાજને અને પરિવારને પ્રેરણા આપતા રહેશે. બાબુકાકાને એકવાર પણ મળ્યા હોઇએ તો કાયમી છાપ રહી જાય એવું એમનું વ્યક્તિત્વ.
હું જ્યારે નવનાત દર્પણ"ની એડીટર હતી ત્યારે બાબુકાકા સાથે મારે અવાર-નવાર મુલાકત અને વાતચીત થતી. તેઓ હંમેશા મારા લખાણની પુષ્ટિ કરતા મારો ઉત્સાહ વધારતા હતા.
ડો.વિનોદ કપાશીએ સદ્ગતને અંજલિ આપતા લેખમાં લખ્યું છે કે, “હે પ્રભુ, આ તે કેવું જીવન અને કેવું મૃત્યુ? જીવનને ઉત્તમ ગણવું કે મૃત્યુને અતિ ઉત્તમ ગણવું ?
આપના જીવનમાં અંતિમ દિવસોના ભાવોનું અવલોકન કરતા ખબર નથી પડતી કે, આવો દિવ્યાત્મા મૃત્યુને જીતીને કેટલી ઉચ્ચતર ગતિમાં લીન થઇ ગયો હશે?”
ખાયા પીયા અંગ લગેગા, દાન દીયા સંગ લગેગા,
બાકી બસા જંગ લગેગા, ધન ઘર તક રહેગા,
પરિવાર સ્મશાન તક રહેગા,
પર ધર્મ તો દુસરે જન્મ મેં ભી આપ કે સાથ આયેગા
જય મહાવીર – જય જીનેન્દ્ર


comments powered by Disqus