સોનુ સૂદે ફરી કમાલ કરી, ઝાંસીથી કોરોના દર્દીને એરલિફ્ટ કરીને હૈદરાબાદ પહોંચાડ્યો

Wednesday 12th May 2021 10:00 EDT
 
 

સોનુ સૂદ છેલ્લાં એક વર્ષથી સતત જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહ્યો છે. કોરોનાના સેકન્ડ વેવમાં સોનુ પણ પોઝિટિવ થયો હતો. જોકે, છ દિવસમાં સોનુનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો. ત્યારબાદ સોનુએ ફરીથી લોકોને મદદ કરવાનું શરૂ કરી દીધું છે. હાલમાં જ સોનુએ ઝાંસીથી કોરોનાના ગંભીર દર્દીને હૈદરાબાદ એરલિફ્ટ કર્યો હતો.
ઝાંસીમાં રહેતા કૈલાશ અગ્રવાલ ઘણાં જ બીમાર હતા. ઝાંસીના ડૉક્ટર્સે સુવિધા ન હોવાનું કારણ આપીને કોઈ સારી હોસ્પિટલમાં એડમિટ કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ કૈલાશનો પરિવાર સારી હોસ્પિટલ શોધવા લાગ્યો હતો અને તેમણે સોનુ પાસે મદદ માગી હતી. ત્યારબાદ સોનુની ટીમ એક્શન મોડમાં આવી હતી અને તેમને ખબર પડી કે હૈદરાબાદની એક હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથે ICU બેડ ઉપલબ્ધ છે. સોનુએ કહ્યું હતું, 'ડૉક્ટર્સે દર્દીના પરિવારને કોઈ મોટી હોસ્પિટલમાં એડમિટ કરવાની સલાહ આપી હતી. જોકે, મુશ્કેલી એ હતી કે એર એમ્બ્યૂલન્સ માટે જિલ્લાના DMની પરવાનગી જરૂરી હતી. ઝાંસીમાં કોઈ એરપોર્ટ નથી, આથી દર્દીને પહેલાં ગ્વાલિયર લઈ જવાનો હતો અને ત્યાંથી એરલિફ્ટ કરવાનો હતો. આ એક પડકાર હતો. જોકે, અમારી ટીમે સારી વ્યવસ્થા કરી હતી અને એક પણ સેકન્ડનો સમય બગાડ્યો ન હતો. હૈદરાબાદની અપોલો હોસ્પિટલમાં કૈલાશની સારી સારવાર ચાલી રહી છે અને અમને આશા છે કે તે જલ્દીથી ઠીક થઈ જશે.'
ઉલ્લેખનીય છે કે હાલમાં કૈલાશની તબિયત સ્થિર છે અને તેની પર દવાની અસર થઈ
રહી છે.


comments powered by Disqus