છત્તીસગઢમાં આવેલા બસ્તર જિલ્લાના ટિકરાલોહંગામાં સાતમી જાન્યુઆરીએ એક યુવકની જાન નીકળીને માંડવે પહોંચી હતી, પણ માંડવામાં બે યુવતી સાથે યુવકે સાત ફેરા લીધા હતા. યુવકે લગ્નની કંકોત્રીમાં પણ બંને યુવતીનાં નામ છપાવડાવ્યાં હતાં. આ લગ્ન ત્રણેય પરિવારની મંજૂરીથી કરાયાં છે. લગ્નમાં સામેલ થનારા લોકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો.
ટિકરાલોંહગામાં રહેતા ચંદુ મોર્યને કંરજીમાં રહેતી હસીના બધેલ અને અરંડવાલની રહેવાસી સુંદરી કશ્યપ સાથે પ્રેમ થઈ ગયો હતો. ચંદુને બંને યુવતીઓ સાથે લગ્ન કરવા હતા. બંને યુવતીઓ સાથે ચંદુ રિલેશનશિપમાં હતો. આ બધા વચ્ચે સુંદરી ગર્ભવતી થઈ. સુંદરીને ખબર હતી કે, ચંદુ હસીનાને પણ પ્રેમ કરે છે અને હસીનાને પણ ખબર હતી કે ચંદુ સુંદરી સાથે રિલેશનશિપમાં છે. એ પછી સુંદરી ગર્ભવતી છે તેવી જાણ ત્રણેયના પરિવારને થઈ.
સુંદરીના પરિવારનું લગ્ન માટે દબાણ
સુંદરીનાં પરિવારજનોએ લગ્ન માટેનું દબાણ કર્યું એ પછી ચંદુએ બંને યુવતીઓ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યાર પછી ત્રણેયના પરિવારના સભ્ય પણ આ વાત માટે રાજી થઈ ગયા. ટિકરાલોહંગામાં જ લગ્ન ગોઠવાયા.
કંકોત્રીમાં બંને યુવતીનાં નામ
આ લગ્નની કંકોત્રીમાં બંને યુવતીનાં નામ છપાવડાવ્યાં હતાં. બે વધૂ સાથે ફેરા ફર્યા પછી રિસેપ્શનમાં પણ ત્રણેય સાથે બેઠાં હતાં. ચંદુએ બંને યુવતીઓ સાથે એક જ મંડપમાં એકસાથે ફેરા લીધા, ત્યાર પછી ગામમાં રિસેપ્શનનું આયોજન પણ કર્યું. જ્યાં ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં બે વધૂ અને વરના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્રણેય એકસાથે જ સ્ટેજમાં બેઠાં અને લોકોએ તેમને લગ્નની શુભેચ્છા પાઠવી હતી.
ત્રણેય વચ્ચે મોબાઈલમાં કોન્ફરન્સથી વાત થતી
લગ્ન પહેલાંથી જ ચંદુ, હસીના અને સુંદરી એકસાથે જ વાત કરતાં હતાં તેવું તેમના નજીકના લોકોએ જણાવ્યું હતું. ત્રણેય અલગ અલગ ગામનાં રહેવાસી હતાં, એવામાં એકસાથે વાત કરવા માટે ત્રણેયે ટેકનોલોજીનો સહારો લીધો અને મોબાઈલમાં કોન્ફરન્સ-કોલ દ્વારા વાત કરતાં રહ્યાં હતાં.

