ઈન્ડોનેશિયન બોઇંગ વિમાન સમુદ્રમાં તૂટી પડ્યુંઃ ઈન્ડોનેશિયાની શ્રીવિજયા એરલાઈન્સનું વિમાન ૯મીએ જાકાર્તા એરપોર્ટથી ઉડયા પછી ચાર મિનિટમાં જાવામાં દરિયામાં ખાબક્યું હતું. વિમાનમાં ૫૬ મુસાફરો, બે પાયલટ અને ચાર ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૬૨ લોકો હતા. વિમાનનો કાટમાળ સમુદ્રમાંથી મળ્યો હતો.
ઝકીઉર લખવીને પાક.માં ૧૫ વર્ષની સજાઃ પાકિસ્તાનના લાહોરની એન્ટિ ટેરરિઝમ કોર્ટે લશ્કરે તોયબાના ઓપરેશન્સ કમાન્ડર આતંકી ઝકીઉર રહેમાન લખવીને ટેરર ફંડિંગ કેસમાં તાજેતરમાં ૧૫ વર્ષની સજા ફટકારી હતી.
‘બાલાકોટ એરસ્ટ્રાઈકમાં ૩૦૦ આતંકી માર્યા ગયા’ઃ બાલાકોટમાં ભારતે એરસ્ટ્રાઇક કરીને ૩૦૦ આતંકીઓને મારી નાંખ્યા એવો ખુદ પાકિસ્તાનના જ પૂર્વ ડિપ્લોમેટ આઘા હિલેયે જાહેરમાં સ્વીકાર કર્યો છે. જોકે પાકિસ્તાન અત્યાર સુધી આ હુમલામાં કોઇ જ માર્યું ગયું ન હોવાનો દાવો કરતું આવ્યું હતું.
ભંડારાની હોસ્પિટલના ન્યૂ બોર્ન કેર યુનિટમાં આગઃ મહારાષ્ટ્રના ભંડારામાં ડિસ્ટ્રિક્ટ જનરલ હોસ્પિટલના સિક ન્યૂ બોર્ન કેર યુનિટ (SNCU)માં ૯મીએ મધરાતે ફાટી નીકળેલી આગમાં ૧૦ નવજાત શિશુનાં મોત થયાં હતાં. આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું કે, દુર્ઘટનાની તપાસનો આદેશ અપાયો છે અને મૃત નવજાતના પરિવારજનોને રૂ. પાંચ-પાંચ લાખની સહાયની જાહેરાત કરી છે.
પાકિસ્તાન માટે જાસૂસી કરતો ભારતીય ઝડપાયોઃ જેસલમેરમાં પોખરણ રેન્જના લાઠી ગામના એક પૂર્વ સરપંચ સત્યનારાયણ પાલીવાલની આઈએસઆઈના હની ટ્રેપમાં ફસાઈને ભારતની માહિતી પાકિસ્તાનને આપવાના આરોપસર ધરપકડ કરી છે.
રાફેલ વિમાનો - પેન્થર હોલિકોપ્ટર્સ માટે ભારતને ઓફરઃ ભારત-ફ્રાન્સ વચ્ચે ૩૪મા વ્યૂહાત્મક વાર્તાલાપમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભલ અને ફ્રાન્સના પ્રમુખ મેક્રોનના સલાહકાર ઈમન્યુઅલ બોન વચ્ચેના સંવાદમાં ફ્રાન્સે ભારતને પેન્થર હેલિકોપ્ટર્સમાં ૧૦૦ ટકા એસેમ્બલી લાઈન અને રાફેલ વિમાનોમાં ૭૦ ટકા સુધી એસેમ્બ્લી લાઈન આપવા તૈયારી બતાવી છે.
એલઓસી પર ૩ પાકિસ્તાની સૈનિક ઠારઃ પાકિસ્તાની સેનાએ રવિવારે જમ્મુ-કાશ્મીરમાં નૌશેરા, રાજૌરી, પૂંચ અને કઠુઆ જિલ્લામાં ભારતીય સેનાની ચોકીઓ પર મોર્ટારમારો અને ગોળીબાર શરૂ કરતાં ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપતાં ૩ પાકિસ્તાની સૈનિકો ઠાર મરાયા હતા ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં ભારે હિમવર્ષા વચ્ચે પણ પાકિસ્તાન ૩૦૦ આતંકીઓને ભારતમાં ઘૂસવાની ફિરાકમાં હોવાના પણ અહેવાલ છે.
ચીનના સરકારી બેન્કના પૂર્વ ચેરમેનને જન્મટીપઃ ચીની સરકારી બેન્કના પૂર્વ ચેરમેન હુ હુઈબેંગ પરનો ૧.૩૨ કરોડ ડોલરનો લાંચનો આરોપ સાબિત થતાં ચીની ઇન્ટરમીડિએટ પીપલ્સ કોર્ટ ઓફ ચેંગ્ડેએ તેમને જન્મટીપ ફટકારી હતી.
ચીનમાં રૂ. ૨૦૦૦ કરોડની લાંચ લેનાર બેન્કરને ફાંસીઃ ચીનની સરકારી નાણા કંપનીના પૂર્વ ચેરમેન લાઇ જિયામીનને ૨૦૦૮થી ૨૦૧૮માં ૨૭.૭ કરોડ ડોલર એટલે કે લગભગ ૨૦૦૦ કરોડ રૂપિયાની લાંચ લેવામાં દોષિત ઠેરવીને તેમને ફાંસી ફટકારાઈ હતી.
હોંગકોંગમાં ૫૩ પૂર્વ સાંસદોની ધરપકડઃ ગયા વર્ષે યોજાયેલી હોંગકોંગ ક્ષેત્રની લેજિસ્લેટરની ચૂંટણીમાં ગેરકાયદે ભાગ લેવાના કારણે રાષ્ટ્રીય સુરક્ષા ધારાનો ભંગ કર્યાના આરોપસર હોંગકોંગ પોલીસે ૫૩ પૂર્વ સાંસદોની તાજેતરમાં ધરપકડ કરી હતી. પૂર્વ સાસંદો સહિતની જંગી ધરપકડ મોટા ભાગે હોગકોંગમાં શરૂ કરાયેલી લોકશાહી તરફી ચળવળના કારણે કરાઇ હતી.
સ્પેન બર્ફીલું તોફાનઃ સ્પેનમાં આઠ ઈંચ જેટલી બરફ વર્ષા થતાં નવમીએ જનજીવન ઠપ્પ થયું હતું. ભારે બરફવર્ષાને કારણે સ્પેનમાં અસંખ્ય ફ્લાઈટ્સ અને ટ્રેન રદ કરાઈ હતી. વાહન વ્યવહાર થંભી જતાં અસંખ્ય મુસાફરો રઝળી પડ્યાં. તોફાનમાં કેટલાય લોકો રસ્તામાં ફસાઈ જતાં બચાવ ટુકડીઓ અને લશ્કર કામે લાગ્યું હતું.
શિકાગોમાં ફાયરિંગમાં ૩નાં મોતઃ શિકાગોના સાઉથ સાઈડમાં ૧૦મીએ ફાયરિંગ શરૂ કરી શહેરના ઉત્તરે પાર્કિંગ પ્લોટમાં એક ગનમેને શૂટઆઉટ કરતાં ત્રણનાં મોત અને ચાર ઘાયલ થયાં હતાં. હુમલાખોર પણ ઘટનામાં માર્યો ગયો હતો.
કિમ જોંગની અમેરિકાને ખુલ્લી ધમકીઃ ઉત્તર કોરિયાના તાનાશાહ નેતા કિમ જોંગ ઉને તેના પરમાણુ શસ્ત્રાગારનું વિસ્તરણ કરવાની ધમકી નવમી જાન્યુઆરીએ ઉચ્ચારી હતી અને હાલમાં ડેવલપમેન્ટ હેઠળ હોય તેવી હાઇ ટેક વેપન સિસ્ટમની યાદી પણ જાહેર કરી હતી. આ ધમકી અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ જો બાઇડન પર દબાણ લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
અમેરિકી સેનાના મુખ્ય માહિતી અધિકારી ડો. રાજ ઐયરઃ પેન્ટાગોને જુલાઇ ૨૦૨૦માં ઊભી કરેલી સેનાના મુખ્ય માહિતી અધિકારીની જગ્યાએ સૌ પ્રથમ વાર ભારતીય ડો. રાજ ઐયરની નિમણૂક કરાઈ હોવાનું સાતમીએ જાહેર થયું હતું.
યુએસ એસોસિએટ એર્ટની જનરલ વનિતા ગુપ્તાઃ અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા જો બાઇડને ભારતીય અમેરિકન વનિતા ગુપ્તાને એસોસિએટ એટર્ની જનરલ તરીકે નિમ્યા છે અને એટર્ની જનરલ તરીકે જજ મેરિક ગારલેન્ડની પસંદગી કરાઈ છે. ડેપ્યુટી એટર્ની જનરલ તરીકે લિસા મોનાકોની પસંદગી થઈ છે.
વિશ્વની સૌપ્રથમ ડબલ ડેકર માલગાડીને મોદીની લીલીઝંડીઃ વડા પ્રધાન મોદીએ સાતમીએ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (ડબલ્યુડીએફસી)ના ૩૦૬ કિ.મી. લાંબા રેવાડી-મદાર સેક્શનનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે મોદીએ ઈલેક્ટ્રિક ટ્રેક્શન દ્વારા દોડનારી ૧.૫ કિ.મી. લાંબી દુનિયાની પહેલી ડબલ ડેકર માલગાડી ટ્રેનને લીલીઝંડી આપી હતી.
