જમ્મુ અને કાશ્મીરમાં હતાશ આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલા વધી રહ્યાં છે. અત્યાર સુધી સુરક્ષા દળો, નેતાઓ કે અગ્રણીઓ પર હુમલા કરાતા હતા તેનું સ્થાન નિર્દોષ નાગરિકોની હત્યાઓએ લઈ લીધું છે. ગત દિવસોમાં શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષક સહિત ૭ વ્યક્તિની હત્યા કરાતા ભારે ગભરાટ ફેલાયો છે અને આવો ગભરાટ ફેલાવવાનો હેતુ બર આવી રહ્યો હોય તેમ જણાય છે. સ્પષ્ટ છે કે આતંકવાદીઓ કાશ્મીરમાં અશાંતિ અને અરાજકતાનો માહોલ કાયમ બનાવી રાખવા માંગે છે. કાશ્મીરના લોકો સમાજની મુખ્ય વિચારધારામાં સામેલ થાય તેમ આતંકવાદીઓ ઇચ્છતા જ નથી અને પાકિસ્તાનની રાહબરી હેઠળ કાશ્મીરના યુવાનોને ભટકાવીને આતંકવાદના માર્ગે ધકેલી દેવા એ જ તેમનો એજન્ડા છે. દેવાંનો ડુંગર માથે હોવાં છતાં આતંકવાદીઓને બેમર્યાદ ફંડ પુરું પાડતું પાકિસ્તાન ત્રાસવાદીઓનું મનપસંદ આશ્રયસ્થાન છે.
જોકે, જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરાયા પછી લાંબો સમય સંચારબંધી રહેવાના કારણે પણ આતંકવાદી સંગઠનોને સ્થાનિક લોકોનું સમર્થન ઓછું થવા લાગ્યું અને સરહદપારથી મળતી મદદ ઉપર પણ લગામ લાગી છે. સુરક્ષા દળોની ચોકસાઇ અને ગુપ્તચર તંત્રની સચોટ બાતમીઓના આધારે કાશ્મીરમાં આતંકવાદી સંગઠનો વિરુદ્ધ ચલાવાતા અભિયાનોથી ત્રાસવાદના ખાત્માની દિશામાં ભારે સફળતા પ્રાપ્ત થઈ છે. આર્ટિકલ ૩૭૦ રદ કરાયા પહેલા કાશ્મીરમાં પરિસ્થિતિ ગંભીરપણે સ્ફોટક હતી પરંતુ હવે તેમાં સુધારો આવ્યો છે અને મોટા ત્રાસવાદી હુમલાઓ અટકાવવામાં સફળતા પણ મળી છે.
દરમિયાન, નરેન્દ્ર મોદી સરકારે તાત્કાલિક પગલાં લઈ આતંકવાદીઓને જેર કરવાના અભિયાનને પ્રાથમિકતા આપી છે. લશ્કરી દળોએ ચોતરફ આતંકવાદીઓને નાસી છૂટવાના માર્ગો પર ધૌંસ જમાવી દીધી છે જેની સીધી અસર તેમના અભિયાનો પર જોવા મળે છે. સારી વાત એ છે કે નિર્દોષ નાગરિકોની હત્યાઓથી કાશ્મીરી પ્રજામાં પણ આતંકવાદીઓ તરફ ભારે રોષ જોવા મળ્યો છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન પછી અસહિષ્ણુતા જે રીતે વધી છે તેનો ઓછાયો વાયા પાકિસ્તાન પણ કાશ્મીરમાં પડી રહ્યો હોય તેમ જણાય છે. અફઘાનિસ્તાનમાં લઘુમતી શિયાઓ પર હુમલા વધી રહ્યા છે તે જ રીતે કાશ્મીરમાં લવઘુમતી હિન્દુઓ પર હુમલા વધ્યા છે. મહત્ત્વની બાબત એ છે કે હિન્દુઓ પર હુમલા કરી આતંકવાદી સંગઠનો દેશભરમાં મુસ્લિમો વિરુદ્ધ લાગણી ઉશ્કેરાય તેવી ચાલ ખેલી રહ્યા છે. જોકે, આમાં મહત્ત્વનો ભેદ વિચારધારાનો છે. હિન્દુ સંસ્કૃતિ ‘વસુધેવ કુટુન્બકમ’ના માર્ગે આગળ વધે છે જ્યારે ત્રાસવાદી સંસ્કૃતિ ‘ઈસ્લામ બ્રધરહૂડ’ને મહત્ત્વ આપે છે જેમાં મુસ્લિમ્સ સિવાય અન્યોને માટે કોઈ સ્થાન નથી.