સન્માનીય ઉદ્યોગપતિ જે.આર.ડી ટાટાએ ૧૯૩૨માં ભારતીય ટાટા એરલાઈન્સની સ્થાપના સાથે દેશને ઉડ્ડયન ક્ષેત્રમાં લઈ જવાનું સ્વપ્ન સાકાર કર્યું હતું. જોકે, આઝાદી પછી જે રાષ્ટ્રીયકરણનો માહોલ સર્જાયો ત્યારે ૧૯૪૬માં ટાટા ગ્રૂપની ‘એર ઈન્ડિયા’ પણ સરકાર હસ્તક લેવાઈ અને તેના સોનેરી યુગના અસ્તના મંડાણ થયા હતા. હવે સમયચક્ર ફેરવાયું છે અને સતત ખોટ ખાઈ રહેલી સરકારી ઉડ્ડયનસેવા એર ઈન્ડિયાને ટાટા ગ્રૂપે પુનઃ ખરીદી લીધી છે.
એક સમયે પ્રતિષ્ઠિત વિમાની કંપની એર ઈન્ડિયાનો માસ્કોટ અને દરજ્જો ‘મહારાજા’ને છાજે તેવો હતો પરંતુ આજે મહારાજા કંગાળ છે. ખોટમાં ચાલતી હોવા સાથે તેના માથે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું પણ છે. ચાર વર્ષથી એર ઇન્ડિયાને વેચવાના નિષ્ફળ પ્રયાસો પછી સરકારે પણ સ્પષ્ટ કર્યું હતું કે જો કોઇ ખરીદાર નહિ મળે તો એર ઇન્ડિયા બંધ કરી દેવી પડશે. એર ઈન્ડિયા જેવા ધોળા હાથીને વેચવાનો નિર્ણય મોદી સરકારે લીધો હતો અને તેનું સુકાન હવે દેશના પ્રતિષ્ઠિત ઔદ્યોગિક જૂથ ટાટાને સોંપાયું છે. વેચાણશરતો હેઠળ દેવાંના ૧૫,૩૦૦ કરોડ અને અન્ય મૂડીહિસ્સા તરીકે ૨૭૦૦ કરોડ સહિત ૧૮,૦૦૦ કરોડ રૂપિયામાં ટાટા ગ્રૂપે એર ઈન્ડિયા ખરીદી છે તેની સામે લાભ પણ ભારે મેળવ્યો છે. ટાટા પાસે હાલ બજેટ કેરિયર્સ એરએશિયા ઈન્ડિયા અને ફૂર સર્વિસ કેરિયર વિસ્તારા છે તેમાં એર ઈન્ડિયાનો કાફલો ભળવાથી ઉડ્ડયનક્ષમતામાં અનેકગણો વધારો થશે.
વાસ્તવમાં આ રાષ્ટ્રીય એરલાઈન્સની સ્થિતિ એટલી ખરાબ નહોતી. ૧૫૫ નાના-મોટા જેટ વિમાન ધરાવતી એર ઈન્ડિયા પરદેશમાં ૪૬ અને ભારતના ૧૫ શહેરોને સાંકળી લેતી ઉડ્ડયન સેવા બજાવતી હતી. ખાટલે મોટી ખોટ તગડા પગાર ધરાવતા કર્મચારીઓના વિશાળ કાફલાની છે. વિવિધ કર્મચારી યુનિયનો હડતાળના શસ્ત્રથી ‘મહારાજા’ને બાનમાં રાખતા રહ્યા છે. ખાનગી ક્ષેત્ર હસ્તક આવ્યા પછી તેમાં સુધારો થશે તે પણ હકીકત છે કારણકે ટાટા ગ્રૂપમાં ‘કામગરા’ કર્મચારીઓને જ મહત્ત્વ અપાય છે.
કોમર્શિયલ એવિએશન હાઈકોસ્ટ ઈન્ડસ્ટ્રી છે અને વિશ્વની મોટા ભાગની સરકારોએ તેનું સંચાલન પ્રાઈવેટ સેક્ટરને સોંપવામાં જ શાણપણ જોયું છે. એર ઈન્ડિયાના વેચાણ થકી સરકાર કરદાતાઓના નાણાનો થતો વેડફાટ બચાવી શકશે અને વધુ અર્થપૂર્ણ સામાજિક અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં આ નાણાનું રોકાણ કરશે તો તેના વિકાસના સારા ફળ મળશે તેમાં કોઈ શંકા નથી.