ભારતની મજબૂત નેતાગીરીની કમાલ

Wednesday 13th October 2021 09:08 EDT
 

ભારત અને યુકેના વડા પ્રધાનો વચ્ચે ટેલિફોન પર જે વાતચીત થઈ તેમાં ભારતીય વેક્સિન કોવિશિલ્ડ તેમજ વેક્સિન સર્ટિફિકેટને માન્યતા આપવાનો મુદ્દો પણ ઉખળ્યો હતો. શરૂઆતની મમત પછી બ્રિટને ભારતની કોવિશિલ્ડ વેક્સિનને માન્યતા તો આપી દીધી પરંતુ, કોથળામાં પાંચ શેરી મારતા હોય તેમ વેક્સિન સર્ટિફિકેટ માન્ય નહિ રાખીને પરિસ્થિતિ યથાવત જ રાખી હતી. જોકે, ભારતની નરેન્દ્ર મોદી સરકારે જે આકરા તેવર દર્શાવ્યા તેના પગલે જ્હોન્સન સરકારને જાણ થઈ ગઈ કે ભારતમાં હવે ‘પોપાબાઈનું રાજ’ ચાલતું નથી. તાત્કાલિક ધોરણે ભારત સહિતના દેશો માટે ક્વોરેન્ટાઈન નિયમો બદલતી ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી દેવાઈ અને ૧૧ ઓક્ટોબરથી તેનો અમલ પણ શરૂ કરી દેવાયો હોવાથી હવે વિવાદનો અંત આવ્યો છે.
વર્તમાન પરિસ્થિતિ એવી છે કે વૈશ્વિક રાજકારણમાં ભારતનું મહત્ત્વ વધ્યું છે તેનું મુખ્ય કારણ ભારતની મજબૂત રાજકીય નેતાગીરી છે. અત્યાર સુધી તો ‘હોતી હૈ ચલતી હૈ’નું રાજકારણ ચાલી રહ્યું હતું અને તેનો લાભ અન્ય દેશો લઈ જતા હતા. હવે ભારતના હિતોને જ વધુ પ્રાધાન્ય અપાતું થયું છે. બિચારા પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન તો યુએસ પ્રમુખ જો બાઈડેનનો ટેલિફોન અત્યાર સુધી નથી આવ્યો તેની કાગારોળ મચાવતા રહ્યા છે ત્યારે એ જ બાઈડેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઉષ્માપૂર્ણ આવકાર આપીને અમેરિકા કોને વધુ મહત્ત્વ આપે છે અને આપશે તેનો ઈશારો પાઠવી દીધો છે.
ખુદ બ્રિટનના ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસે ભારત સાથે ઓસ્ટ્રેલિયા જેવી વેપાર અને સંરક્ષણ સમજૂતીઓ કરવાની તત્પરતા દર્શાવી છે તેને ભારતની મજબૂત નેતાગીરીની દેન જ સમજવી જોઈએ. ડ્રેગન ચીનને વિશ્વમાં એકલા પાડી દેવાની નીતિમાં ભારતનો સાત આવશ્યક છે. આવી જ રીતે, રશિયા પાસેથી અત્યાધુનિક એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમ ખરીદવામાં ભારતે અમેરિકાને જરા પણ ગણકાર્યું નથી. ભારત પર પ્રતિબંધો લાદવાની પોકળ ધમકીઓ આપવા સિવાય અમેરિકા વધુ પગલાં લઈ રહ્યું નથી તેની પાછળ પણ નરેન્દ્ર મોદીની મજબૂત નેતાગીરી અને વૈશ્વિક સંપર્કો કારણભૂત કહેવામાં જરા પણ અતિશયોક્તિ ન ગણાય.


comments powered by Disqus