તાજેતરમાં લંડનની મુલાકાતે આવેલ જાણીતા બોલીવુડ સંગીતકાર- કમ્પોઝર પદ્મશ્રી આણંદજી વીરજી શાહ, સુવિખ્યાત બેલડી કલ્યાણજી આણંદજીના માનમાં હાઉસ ઓફ લોર્ડ્સમાં લોર્ડ લૂમ્બા CBE, લૂમ્બા ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરમેને સન્માન સમારંભ યોજ્યો હતો. જેમાં આણંદજીભાઇના ધર્મપત્ની શ્રીમતી શાંતાબેન તથા પરિવારે પણ હાજરી આપી હતી.
એ સાંજે ડીનરનું આયોજન યુ.કે.ના લોકપ્રિય યુવા ગાયકો રાજા કાશેફ્ફ અને રૂબાયત જહાને સંયુક્તપણે જાણીતા અટ્ટલી રૂમમાં કર્યું હતું.
એ પ્રસંગે આણંદજીભાઇના ચાહકો અને વિશિષ્ઠ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બાંગ્લાદેશના હાઇકમિશ્નર માનનીય સઇદા મુના તસનીમ, જી.પી. હિન્દુજા, અશોક હિન્દુજા, સી.બી. પટેલ, એમ.પી. સીમા મલ્હોત્રા, ઉમેશ દેસાઇ, રવિ શર્મા, સરિતા સબ્રવાલનો સમાવેશ થતો હતો.
એ સાંજ મોજીલી અને સૂરિલી બની ગઇ હતી. આણંદજીભાઇના પ્રિય ગીતોની મહેફિલમાં એમના શ્રીમતીજી શાંતાબહેને બેસ્ટ સીંગર તરીકે ધ્યાનાકર્ષક રહ્યાં હતાં.
એવોર્ડ વિજેતા બેલડી કલ્યાણજી આણંદજીના સંગીતે બોલીવુડ મ્યુઝીક ઇન્ડસ્ટ્રીમાં સદાબહાર ગીતોએ અમીટ છાપ છોડી છે.
પેઢીઓ સુધી એમનું સંગીત જીવંત તો રહેશે જ પણ એ સાથે એમણે અનેક નવોદિત સંગીતકારોને એમનું કૌશલ્ય બહાર લાવવામાં મેન્ટોર બની જતન કર્યું છે જેમાંના કેટલાક તો ખૂબ જ સફળ કલાકારો તરીકે ચમક્યા છે.
વધુમાં એમના માટે ફીલાન્થ્રોપી મહત્વપૂર્ણ રહી છે. જરૂરિયાતના સમયમાં સમાજમાં જે તે સામાજિક વિષયક જાગ્રતતા ફેલાવવામાં સક્રિય બની સેવા સાદર કરી છે. પોતાની કલા દ્વારા સારી એવી રકમ ચેરિટી માટે એકત્ર કરી અનુદાન આપેલ છે.
એમના સંગીતે ઇન્ડીયન મ્યુઝીક ઇન્ડસ્ટ્રીમાં તો અનેક એવોર્ડ્સ મેળવ્યા છે પરંતુ જાણીતા પશ્ચિમી કલાકારો પર પ્રભાવ પાડવામાં ય એમની કુનેહે વૈશ્વિક કામયાબી હાંસલ કરી ભારતનું નામ રોશન કર્યું છે. આ કાર્યક્રમનું આયોજન કરવામાં એમની દિકરી રીટા પીટર (પ્રકાશ) વાલંભીયાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી એમનું કમનસીબે ટૂંકી માંદગી બાદ ૭ ઓક્ટોબરે દુ:ખદ અવસાન થયાના સમાચાર આઘાતજનક છે.

