ABPL ગ્રૂપ દ્વારા ૩ ઓક્ટોબર, રવિવારે ધામેચા લોહાણા સેન્ટર ખાતે આયોજિત ‘સેવા રત્ન સન્માન’ કાર્યક્રમને અમારા ઓડિયન્સ અને વિવિધ કોમ્યુનિટીઓએ ઉત્સાહપૂર્વક વધાવી લીધો હતો. કોવિડ-૧૯ મહામારીના કપરા કાળમાં કોમ્યુનિટીને સેવા આપનારા લોકોની કદર કરવા, આદર દર્શાવવા અને અંતરમનથી આભાર પ્રદર્શિત કરવા અમારા તરફથી આ અનોખી શુભચેષ્ટા રહી હતી. લોર્ડ ડોલર પોપટ, ભારતના યુકેસ્થિત હાઈ કમિશનર શ્રીમતી ગાયત્રી ઈસાર કુમાર, લોર્ડ ભીખુ પારેખ, કાઉન્સિલર ગજનફર અલી (હેરોના મેયર) અને શ્રી શાંતિભાઈ ધામેચા (ધામેચા ગ્રૂપ) સહિત વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિ અમારા માટે ઉત્સાહપ્રેરક બની રહી હતી.
અશોક કુમાર ચૌહાણ MBE (હર મેજેસ્ટીસ આર્મ્ડ ફોર્સીસ), સ્ક્વોડ્રન લીડર આમીર ખાન (RAF), WO બલબીર ફ્લોરા (RAF), સાર્જન્ટ શિવ ચંદ (RAF), મેયોરેસ મામોના અલી, ડો. કરતાર લાલવાણી (ચેરમેન, વિટાબાયોટિક્સ લિમિ.), શ્રી તેજ લાલવાણી (ડાયરેક્ટર, વિટાબાયોટિક્સ લિમિ.), શ્રી નવીન શાહ ( ચેર, લંડન એસેમ્બલી ૨૦૨૦-૨૧), શ્રીમતી રેખા શાહ (કાઉન્સિલર, લંડન બરો ઓફ હેરો), ડો. આર. આર. ગંડેચા (NHSના પ્રતિનિધિ), શ્રી વિરેન્દ્ર શર્મા MP, શ્રી સાયમન એન. ઓવેન્સ (DL FCMI), શ્રી રોહિત વઢવાણા (સીનિયર ડિપ્લોમેટ, ઈન્ડિયા હાઉસ) તેમજ અન્ય મહાનુભાવોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ઉત્સાહ વધાર્યો હતો.
કોમ્પીઅર-ઉદ્ઘોષક શ્રી વિનોદભાઈ ઠકરારે હોલમાં ઉપસ્થિત તમામ આમંત્રિતોનું સ્વાગત કરી કાર્યક્રમનો આરંભ કર્યો હતો. ભારતીય વિદ્યા ભવનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. એમ.એન. નંદકુમારાએ પ્રાર્થનાગાન સાથે શુભારંભ કર્યો તેના પછી ભારતીય વિદ્યા ભવનના વિદ્યાર્થીઓ દ્વારા મનોહારી અભિવ્યક્તિ સાથેના પરંપરાગત નૃત્ય પરફોર્મન્સની રજૂઆત કરી હતી.
ઓર્ગેનાઈઝિંગ કમિટીના ચેરમેન લોર્ડ ડોલર પોપટને પોતાના મંતવ્યો રજૂ કરવા આમંત્રણ અપાયું હતું. લોર્ડ પોપટે ગત ૧૮ મહિના કેવા ખળભળાટપૂર્ણ બની રહ્યા હતા તેના વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘બ્રિટિશ ભારતીય કોમ્યુનિટી માટે સમય વધુ મુશ્કેલ હતો ખાસ તો એટલા માટે કે આપણા પારિવારિક મેળમિલાપો, લગ્નસમારંભો, જન્મદિનો, દીવાળી અને ક્રિસમસની ઉજવણીઓ તેમજ ભારતના સ્વાતંત્ર્ય દિન અને ગણતંત્ર દિનની ઉજવણીઓ આપણે કરી શક્યા નહિ. આ તમામમાં સૌથી હૃદયદ્રાવક બાબત તો અનેક લોકોના જીવન ગુમાવવાની રહી હતી. આપણે સ્વજનોના અંતિમ સમયમાં તેમની પાસે રહી શક્યા નહિ કે પરિવારની સાથે રહી તેમનો શોક પણ પ્રદર્શિત કરી શક્યા નહિ. આપણા વિચારો અને પ્રાર્થનાઓ કોવિડ ૧૯થી નિકટના અને પ્રેમાળ સ્વજનોને ગુમાવનારાના પરિવારો અને મિત્રોની સાથે જ છે.’
મુખ્ય મહેમાન ભારતીય હાઈ કમિશનર ગાયત્રી ઈસાર કુમારે ધામેચા લોહાણા સેન્ટરના પ્રીમાઈસીસની પ્રશંસા કરવા સાથે કહ્યું હતું કે આવા અનોખા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો તેમને આનંદ છે. તેમણે કહ્યું હતું કે,‘જ્યારે સીબીએ મને આ ઈવેન્ટમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું ત્યારે મને ઘણી ખુશી થઈ હતી. સૌપ્રથમ વાત તો એ છે કે તમને સહુને રુબરુ મળવાની આ તક હતી અને બીજું એ કે આ કાર્યક્રમ રાત્રિના સમયે ચમકતા તારલાઓની માફક આપણા સહુમાં આશા અને આનંદની લાગણીઓ પ્રગટાવનારા લોકોના પ્રયાસોની કદર કરવા બાબતે હતો.’ તેમણે ઉમેર્યું હતું કે,‘ભારતીય હાઈ કમિશન હંમેશાં શક્ય તમામ રીતે કોમ્યુનિટીના હીરોઝને પ્રાધાન્ય આપશે. હું સમગ્ર યુકેની કોમ્યુનિટીઓ અને લોકોનો પણ આભાર માનું છું. અમને અઢળક ડોનેશન્સ મળ્યા હતા અને આ ડોનેશન્સનું યોગ્ય વિતરણ થાય તેની ચોકસાઈ માટે અમારે વિશેષ ટીમની વ્યવસ્થા કરવી પડી હતી.’ તેમણે કોમ્યુનિટી પ્રત્યે નિઃસ્વાર્થ સમર્પણ થકી યુવાન પેઢીઓને વિશેષ પ્રેરણા પૂરી પાડવા આગળ આવેલા આ દરેક સન્માનિતોને અભિનંદન પાઠવ્યાં હતાં.
લોર્ડ ભીખુ પારેખે આ મહામારીમાંથી શીખવા મળેલા બોધપાઠો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે,‘એવું તે શું છે કે માત્ર આપણે સમાજને યોગદાન આપ્યું છે અને અન્યોએ તેમ કર્યું નથી? આપણી સ્વતંત્રતાના ઈતિહાસ તરફ નજર નાખો. MBEs અને Sirs ની અવગણના જ કરાઈ હતી પરંતુ, લોકો દ્વારા દીનબંધુ અથવા લોકમાન્ય જેવા ટાઈટલ અપાયા હતા તેનું વિશેષ મહત્ત્વ હતું. તમારા સાથી નાગરિકો કોને અને કેવી રીતે સન્માન આપવું તેનો નિર્ણય કરે છે અને વ્હાઈટ હોલમાં બેઠેલા સત્તાવાળાઓની સરખામણીએ આ બાબત વધુ મહત્ત્વની છે. મહામારીના કાળમાં વ્યક્તિઓ અને સંસ્થા-સંગઠનોએ જે મહાન યોગદાન આપ્યું તેની સન્માનપૂર્વક ઉજવણી કરવા ‘સેવા રત્ન સન્માન’નું આયોજન કરાયું છે.’
હેરોના મેયર કાઉન્સિલર ગજનફર અલીએ આ વિશેષ ઈવેન્ટના આયોજન બદલ સીબીનો આભાર માનવા સાથે જણાવ્યું હતું કે, ‘હેરોમાં અમે ગાઢ નાતા સાથે રહીએ છીએ. અમે હંમેશાં અરસપરસ સંપર્કમાં રહીએ છીએ.’ પાકિસ્તાનમાં વિનાશક ભૂકંપ આવ્યો ત્યારે હેરો કોમ્યુનિટીએ કરેલી કામગીરીને પણ તેમણે યાદ કરી હતી. ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૨૦ના ગાળામાં સમગ્ર વિશ્વની સરકારો આ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરીશું તેની દ્વિધા-મૂંઝવણમાં હતી. આ સમયે હેરોની ભારતીય અને પાકિસ્તાની કોમ્યુનિટીઓ એકબીજાની પડખે ઉભી રહી હતી અને નિઃશુલ્ક ભોજન, પેક્ડ ફૂડ્સ, મેડિસીન્સ તેમજ અન્ય ઘણી ચીજવસ્તુઓની ઓફર સાથે મદદ કરી હતી. મેયરે ઉમેર્યું હતું કે,‘ હું તમારા સહુનો આભારી છું કારણકે આ બધું કરવું તે કોઈ એક વ્યક્તિ માટે શક્ય ન હતું.’
જાણીતા કોમ્યુનિટી કર્મશીલ શ્રી કાંતિ નાગડાએ એવોર્ડ્સની પસંદગી પ્રક્રિયા અને પ્રેઝન્ટેશન-વિતરણ બાબતે બોલતા જણાવ્યું હતું કે, ‘માત્ર આપણી કોમ્યુનિટીઓને જ નહિ પરંતુ, સમગ્રતયા સમાજને સેવા આપનારા શ્રેષ્ઠ વ્યક્તિઓ અને સંસ્થાઓની એન્ટ્રીઝમાંથી પસંદગી કરવાનું કાર્ય અમારા નિર્ણાયકોની પેનલ માટે પણ ભારે મુશ્કેલ બની રહ્યું હતું. અમારી સમક્ષ બહોળી સંખ્યામાં નોમિનેશન્સ આવ્યા હતા તેનો અમને વિશેષ આનંદ હતો પરંતુ, તેમાંથી શ્રેષ્ઠની પસંદગી કરવાનું કાર્ય અમારા માટે મુશ્કેલ બની ગયું હતું. સિલેક્શન પેનલ પ્રતિ જરા પણ રોષ રાખશો નહિ કારણકે આ કપરા સમયમાં કોમ્યુનિટીની સેવા કરવામાં આપ સહુએ ગણનાપાત્ર યોગદાન આપ્યું છે. ભારે જહેમતપૂર્ણ કામગીરી બદલ પેનલિસ્ટ્સ-નિર્ણાયકગણનો આભાર માનીએ તેટલો ઓછો છે.’
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી શ્રી સી.બી. પટેલે આભાર વ્યક્ત કરવા સાથે જણાવ્યું હતું કે તેઓ આ ઈવેન્ટમાં ઉપસ્થિત રહેવા બદલ તમામ આમંત્રિત મહેમાનોના આભારી છે. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ ભારતીય હાઈ કમિશનર શ્રીમતી ગાયત્રી ઈસાર કુમાર, આવું સુંદર પ્રીમાઈસીસ પુરું પાડવા બદલ ધામેચા પરિવાર અને સમગ્ર લોહાણા સમુદાયનો સવિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ આપણી કોમ્યુનિટી તેમજ અમારા વાચકગણની શ્રેષ્ઠતમ સેવા કરવાનું ચાલુ રાખશે અને ભવિષ્યમાં આવાં અનોખા કાર્યક્રમોનું આયોજન કરવા સજ્જ રહેશે.

