અફઘાનિસ્તાનમાંથી આખરે અમેરિકાએ ઉચાળા ભરવા પડ્યા છે. અફઘાનિસ્તાન સામ્રાજ્યોના કબ્રસ્તાન’ તરીકે જાણીતું છે. પ્રાચીન ગ્રીક, મોંગોલ, મુગલ, બ્રિટિશ, સોવિયેત યુનિયન અને છેલ્લે જગત જમાદાર યુનાઈટેડ સ્ટેટ્સના આક્રમણો નિષ્ફળ ગયા છે. સોવિયેત સંઘે બળતું ઘર કૃષ્ણાર્પણ કરી અફઘાનિસ્તાનમાંથી નીચી મુંડીએ પીછેહઠ કરી લીધી ત્યારે અમેરિકાએ ત્યાં લોકશાહીની પુનઃસ્થાપના કરવા માટે આક્રમણ કર્યું હતું. હવે ૨૦ વર્ષ પછી અમેરિકાએ ૨૦,૦૦૦ બિલિયન અથવા તો ૨ ટ્રિલિયન ડોલરનો શસ્ત્રસરંજામ વેડફ્યો, ૨,૩૧૨ સૈનિકોની ખુવારી વેઠી રાતોરાત સૈન્ય પાછું ખેંચવાની જાહેરાત કરી પરંતુ, લોકશાહી સ્થાપી શકાઈ નથી. કટ્ટર ઈસ્લામવાદી તાલિબાને અફઘાનિસ્તાનને ફરી પોતાના કબજામાં લઈ લેવાની પેરવી કરી છે. તેના દાવા મુજબ ૮૫ ટકા વિસ્તારો પર કબજો જમાવી દીધો છે. સામે પક્ષે અફઘાન સરકારનું સૈન્ય પણ વિસ્તારો કબજે કરવા ધમપછાડા કરી રહ્યું છે પરંતુ, અમેરિકાની ઓથ વિના તેની કોઈ કારી ચાલશે નહિ તે સ્પષ્ટ છે. દેશમાં ગૃહયુદ્ધનું જોખમ મંડરાઈ રહ્યું છે. અફઘાન સૈનિકો અને નાગરિકો પણ તાલિબાનથી ડરીને ઈરાનમાં આશરો મેળવવા દોડી જાય છે તેથી ઈરાનનો જીવ પણ અધ્ધર થયો છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર તો તાલિબાન અને અફઘાન પ્રતિનિધિઓ વચ્ચે મંત્રણા કરાવવાની ઈરાન કોશિશ કરી રહ્યું છે.
દરેક સામ્રાજ્યવાદી પીછેહઠ સાથે નવા ઓછાયાં ઉભા થતા રહે છે. અમેરિકાની પીછેહઠ સાથે સર્જાયેલા સત્તાના શૂન્યાવકાશમાં ચીને તેની પશ્ચિમી સરહદ પર લાલચી નજર ફેરવી છે અને તાલિબાન સાથે મંત્રણાઓ પણ આરંભી છે. અફઘાનિસ્તાનના તહસનહસ થઈ ગયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પુનઃનિર્માણ કરવાની જવાબદારી ઉઠાવવા ચીને તૈયારી દર્શાવી છે અને આ માટેના નાણા તેના બગલબચ્ચા પાકિસ્તાન મારફત ફાળવી શકાય તેમ છે. પાકિસ્તાન અને તાલિબાનની સાંઠગાંઠ દેખીતી છે અને પાકિસ્તાનની વિનંતી માનીને ચીન તાલિબાનને સપોર્ટ કરશે તે પણ નિશ્ચિત છે. અફઘાનિસ્તાનના ઈતિહાસમાં નવા સામ્રાજ્યનું પ્રકરણ લખવા ચીન તલપાપડ થયું છે તેને ભારત માટે મોટો ખતરો ગણાવી શકાય. ભારતે અત્યાર સુધી અફઘાનિસ્તાનના વિકાસમાં ૨ બિલિયન ડોલરનું જંગી રોકાણ કરેલું છે અને તાલિબાનનું પ્રભુત્વ વધવા સાથે ભારતે તેની સાથે પણ મંત્રણામાં સામેલ થવું પડે તેવા સંજોગો સર્જાઈ શકે છે. હાલ તો ભારત પ્રતિ તાલિબાનનો પ્રતિભાવ સકારાત્મક રહ્યો છે પરંતુ, ભવિષ્ય કેવું હશે તેની આગાહી કરવી અશક્ય છે. ભારતે અત્યાર સુધી અમેરિકાને સહકાર આપ્યો છે પરંતુ, અફઘાનિસ્તાન સાથે સીમા ધરાવતા ઈરાન અથવા તો જૂના સાથી રશિયાની મિત્રતાને અવગણી શકાય તેમ નથી.